સ્ત્રીઓના વેપારને પ્રોત્સાહિત કરવા માટે અને રોજગારી મળી રહે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ખાસ વુમન ઇકોનોમિક ઝોન ખોલવાનું વિચારી રહી છે.
તાજેતરમાં જ યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઇ)ની વુમન કમિટીએ આ અંગેની એક પ્રપોઝલ મૂકી હતી. આ કમિટીનું કહેવું છે કે બિઝનેસ વુમનને માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ ક્ષેત્રે એક પ્લેટફોર્મ મળી રહે. આ અંગે જીસીસીઆઇ વુમન વિંગના ચેરપર્સન દિપા શાહે કહ્યું કે તાજેતરમાં જ 60 એન્ટરપ્રિન્યોર્સે વુમન ઇકોનોમી ઝોનમાં જોડાવાનો રસ દાખવ્યો છે. વુમન ઇકોનોમી ઝોનમાં જ્વેલરી મેન્યુફેકચરિંગ યુનિટ ખોલવાની તૈયારી છે. તેના લીધે 5000 સ્ત્રીઓને રોજગારી મળે તેમ છે. આ સિવાય આ ઝોનમાં ઓટો અને એન્જિનિયરિંગ સેક્ટરની સંલગ્ન કામ પણ સ્ત્રીઓ કરી શકે. આમેય આ સેકશનમાં સ્ત્રીઓને લગતાં કામ હોય છે.
વુમન ઇકોનોમી ઝોનમાં હેન્ડ્રીક્રાફટ, જ્વેલરી, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ, ફર્નિચર, ફાર્માસ્યુટિકલ, પ્લાસ્ટિક એન્ડ પેકેજિંગ વગેરેનો વેપાર થઇ શકે છે. આ સિવાય અમે રીડેમેડ કપડાના યુનિટ ઉભા કરીને વેપાર કરી શકીએ છીએ તેમ વુમન ઇકોનોમી ઝોન કમિટીના મેમ્બર મીના કાવ્યાએ કહ્યું હતું.
વુમન ઇકોનોમી ઝોન ઉભું કરવાથી અંદાજે 50 કરોડનું રોકાણ થઇ શકે તેમ છે. આ ઝોનમાં બાળકોના શિક્ષણ તેમજ કાળજી માટેના સેન્ટર ઉભા કરી શકાય તેમ છે. આ સિવાય અમે સ્કીલ ડેવલપમેન્ટસ કોમન ફેસીલીટ સેન્ટર વગેરે ઉભું થઇ શકે તેમ છે.