દીવ નજીકનાં વણાંકબારા ગામે શનિવારનાં મોડી રાત્રિનાં એક મકાનમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતાં પરિવારનો આબાદ બચાવ થયો હતો.
આ અંગેની મળતી વિગત મુજબ દીવનાં વણાંકબારા ગામે હડમતીયા વાડી વિસ્તારમાં રહેતા અને માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા નાનજી ભગવાન સિકોતરીયાનાં મકાનમાં ગત તા. ૧૯નાં રાત્રિનાં ૧૧.૩૦ વાગ્યાની આસપાસ અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. માછીમારીનો ધંધો હોવાથી ઘરમાં ર૦૦ લીટર ડીઝલ ભરેલા પ્લાસ્ટીકનાં આઠ બેરલ પણ લપેટમાં આવી જતાં સંપુર્ણ મકાન અગન જવાળામાં ફેરવાઇ ગયું હતું.
ઘરનો સરસામાન, સુકી મચ્છી બળીને ખાખ થઇ હતી. આ ઉપરાંત પાડોશીનાં મકાનની દિવાલને પણ નુકશાન પહોંચ્યું હતું. મકાનની બહાર પડેલી બે સાયકલ પણ કાટમાળ બની ગઇ હતી. નાનજીભાઇ ફીશીંગમાં ગયા હતા અને ઘરમાં રહેલા તેમનાં પત્ની અને બાળકોનો આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડનાં બંબા આવે તે પહેલા આસપાસનાં લોકોએ ચાર ઇલે.મોટર વડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઇ લીધી હતી.
આ આગથી પોણા ત્રણ લાખનાં નુકશાનનો અંદાજ મૂકાયો છે. શોર્ટ સર્કીટથી આગ લાગ્યાનું અનુમાન કરાય રહ્યું છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જો કે, આ સમગ્ર બનાવમાં ફાયરબ્રિગેડના બંબા આવે તે પહેલા આસપાસના લોકોની સમય સુચકતા કામ આવી હોય તેવુ બન્યું છે.