DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
દિલ, મન અને આનંદથી સુરેશ દલાલને અંજલી અને અલવિદા!
Jwalant Chhaya
| Aug 14, 2012, 04:56AM IST

અંજલિ એ પણ આનંદથી ! હા, કારણ કે સુરેશ દલાલ આજીવન આનંદનું વ્યક્તિત્વ હતા. એક માણસને હોય તેવી ટેવો માણસમાં હોય તેવી મર્યાદાઓ તેમનામાં પણ હશે જ. પરંતુ એ બધું તેઓ પોતે પણ બાદ કરીને બાકાત કરીને જીવ્યા, ભરપૂર જીવ્યા, સુરેશ દલાલને ગુજરાતી ભાષાને, ગુજરાતી ભાવિકો અને વાચકોને શું આપ્યું ? આ એવા સર્જક હતા જેણે કરેલું પ્રદાન વર્ષો સુધી નહીં ભૂલાય. પ્રથમ તો એ કે ગુજરાતીઓને તેમણે કવિતાઓ વાચતા કર્યા, કાવ્યોને ઘરે ઘરે પહોંચાડવામાં, ગઝલો, ગીતો, લઘુકાવ્યો કે સોનેટ્સ કે અછાંદસને મુશાયરાઓના માહોલમાંથી ઘરનું વાતાવરણ આપવામાં તેમનું યોગદાન અનન્યની કક્ષાએ છે.
૪૫ વર્ષોથી વધારે સમય સુધી ‘કવિતા’ મેગેઝિનના સંપાદન અને પછી ‘ઇમેજપ્ત પ્રકાશનના માધ્યમ દ્વારા તેમણે ગુજરાત ઉપરાંત આપણા દેશના અન્ય પ્રાંતના કવિઓની કવિતા અને વિદેશના કવિઓની રચનાઓ આપણી સમક્ષ મૂકી ‘કવિતા’ નો ૪૮-૫૦ પાનાનો અંક હોય તેમાં નરસિંહમહેતા હોય, કાંત હોય, મરાઠી ભકતકવિ ચાંગદેવ હોય, અશરફ ડબાવાલા અને અઝીઝ ટંકારની હોય, લાભશંકર ઠાકરના કાવ્ય સંગ્રહનું કવરપેજ હોય તો સાથે ઉડિયા કવિ રમાકાંત રથની કવિતા હોય. રમેશ પારેખ-અનિલ જોષી, હિતેન-મુકેશ, શોભિત, ઉધ્યનપણા હોય, ઓકતાવિયો પાગે અને પાબ્લો નેરૂહા અને ટી. એસ. અલિયર અને એવા કેટલાય કવિની કૃતિઓ આપણી આંખે ચડી, હૈયે ઉતરી હોઠે રમવા લાગે, એક વાક્યમાં કહીએ તો સુરેશ દલાલે ગુજરાતી કવિતાઓને વિશ્વસ્તરે પહોંચાડી અને વિશ્વની કવિતાઓ ગુજરાતી વાચકોને એમની ભાષામાં આપી.
સુરેશભાઇની કવિતાઓ પ્રત્યે એક આમ સામાન્ય ગુજરાતી વાચક-ભાવકને હંમેશા રસ, રૂચિ રહ્યા છે. કોઇ જ આડંબરી વાઘા વગર તેમના શબ્દો સીધે સીધા સત્યનારાયણની કથાના શીરાના પ્રસાદની જેમ ગળે ઉતરી જાય. એટલે જે ઊંચી ભ્રમરો, ગંભીર વદન રાખીને ફરનારા વિવેચકો હોય, જેઓ કવિતાની કાયા પરના છિદ્રો શોધવા શાસ્ત્રોકત બિલોરી કાચ લઇને જ ફરતા હોય તેવા લોકોને આ સાદગી ન ગમે કે પછી લોકભોગ્યતા ન ગમે. પરંતુ, તેનાથી સાધારણ વાચકને શું ? અને ફિલ્મોમાં રાજકપૂર ફકત અભિનેતા જ નહોતા.
દિગ્દર્શક, નિર્માતા, સ્ક્રિપ્ટ રાઇટર, બધું જ થોડા હતા ? તેમનું મોટું યોગદાન તો તેમનું અઢળક સંપાદન પણ છે જ. કાવ્યોના તેઓ પારખું હતા અને જે વ્યક્તિ ડાયમંડનો શોરૂમ ધરાવે એ પોતે જ દર વખતે હીરાની ખાણમાંથી હીરા લઇને આવે તે જરૂરી નથી. અલબત્ત, સુરેશ દલાલના સંખ્યાબંધ સર્જન એવા છે જેમાંથી આત્યંતિક કાવ્યતત્વ જ ટપકે છે, ગરે છે, જવે છે અને વરસે પણ છે. પરંતુ, તેમને ફકત કવિ તરીકે જ મૂલવવા એ તેમના બહુઆયામી વ્યક્તિત્વ માટે અન્યાય હશે.
‘ઝલક’ નામની તેમની કોલમનું ફલક ઘણું ઘણું વિશાળ રહ્યું છે. આ એક કોલમના પુસ્તકો ૧૩-૧૪ ભાગમાં લોકો સુધી પહોંચ્યા છે અને તેમાં પણ વિશ્વભરના ચિંતકોના અવતરણો, કાવ્યોનો ફકત આસ્વાદ જ નહીં અર્થવિસ્તાર આપણે પામ્યા છીએ. ‘મારી બારીએથી’ કોલમ વર્ષો સુધી મુંબઇના અખબારો અમદાવાદના અખબારોમાં નિરંતર ચાલી અને એ બારીએ આપણને રજનીશ, કૃષ્ણમૂર્તિ, અમૃતા પ્રિતમ, ગુલઝાર, સૂર્યભાનુ ગુપ્ત કે ગાલબિ, કબીર કેતુલ સીદાશ કે એવા કેટલાય માનવ તિર્થોની યાત્રા કરાવી તેમના સર્જન-ચિંતનની પ્રસાદી આપી.
કોઇ સર્જકે-સંપાદકે આટલો મોટો શબ્દવિહાર કર્યો હોય તેવી ઘટના રોજ રોજ કોઇ ભાષામાં નથી બનતી. કાવ્યો, નિબંધો, બાળ સાહિત્ય, અન્ય ભાષામાંથી શ્રેષ્ઠ ચૂંટવાની કૃતિ, કુશળતા અને વહેંચવાનું આૈદાર્ય- આ બધું સુરેશ દલાલમાં સમાવિષ્ટ હતું. તેમ છતાં, તેમનું સૌથી વધારે જો કોઇ મહત્વનું પાસું હોય તો તે એ છે કે, તેઓ ક્યારેય ભારેખમ, બોઝિલ દેખાયા નથી.
હસતા રહેવું અને હસાવતા રહેવું એ એમનો જીવનાભિગમ રહ્યો હતો. જ્ઞાનનો કોઇ જ ભાર તેમના વર્તનમાં નહોતો વર્તાતો અને તેમ છતાં તેઓને જ્યારે મળીએ ત્યારે કંઇક નવું પામીએ એ તો કાયમથી લઇ કોઇ દી’ મળનાર સુધીના તમામને અનુભવ રહ્યો છે. કવિતા સામિયક થકી સુરેશ દલાલને આપણા દેશના સંખ્યાબંધ કવિઓને પ્લેટફોર્મ આપ્યું. આપણી ભાષાના અનેક નવા-નવા કવિઓને તેમના લખેલા અક્ષરો છપાયેલા જોવા મળ્યા તેમાં સુ. દ. નિમિત્ત બન્યા છે. ગુજરાતી ભાષામાં પ્રકાશન પ્રવૃત્તિને એક અલગ ‘ઢાળ અને ઢાળ સાથે ઊંચાઇ’ સુ. દ. એ આપ્યા રૂ૫ાળા, સ્વચ્છ, આકર્ષક પુસ્તકો ‘ઇમેજપ્ત પ્રકાશને આપ્યા. તે પણ અનોખું યોગદાન છે. હા, એક વાતની ફરિયાદ સતત રહી કે તેમણે અનેક નવા કવિઓને પ્રોત્સાહન આપીને જે સેવા ગુજરાતી ભાષાની કરી એના કરતા વધુ સેવા થઇ શકી હોત. જો અમુક કવિઓને પ્રોત્સાહન ન આપ્યું હોત તો !!!
સુ. દ. આ બે અને સુરેશ દલાલ આ છ અક્ષરો આપણને અનોખા અક્ષર વિશ્વનો પ્રવાસ કરાવવામાં નિમિત્ત બન્યા અને આજે કાળના વિરાટ સાગરમાં વિલિન થઇ ગયા. સુરેશ દલાલનું મૃત્યુ જન્માષ્ટમીએ જ થાય તેમ નવાઇ ન લાગે. કૃષ્ણ માટેની તેમની પ્રીતિ ક્યાં અણછતી છે ? તેઓ પોતે કહેતા કે કૃષ્ણ મારા માટે સરરિયાલિટી છે. તેમના મિત્ર હરિન્દ્ર દવેની જેમ જ સુરેશભાઇના કાવ્યોમાં પણ કૃષ્ણપ્રેમ છલોછલ હતો. તેમણે કૃષ્ણ પ્રત્યેનો ભાવ અનેક રીતે વ્યક્ત કર્યો, ક્યાંક લખ્યું ‘રાધાનું નામ તમે વાંસળીના સૂર માંહી વહેતું ના મેલો ઘનશ્યામ’ તો કોઇ સ્થળે લખ્યું ‘રાધા શોધે મોરપીંછને, શ્યામ શોધે સાંવરિયા’ તો વળી ક્યાંક આધુનિક ટચ આપ્યો અને લખ્યું ‘શ્યામ તમને ડસ્કિોમાં જોયાનું યાદ છે...’ અને લખ્યું ‘મારી ગાગર ઉપાડો તો જાણું કે રાજ તમે ઊંચકયો તો પહાડને’ આ કાવ્યો ઉપરાંત તેમણે પુષ્ટિમાર્ગની અષ્ટસમા આરતીનો આધાર લઇ આઠ ભજનો લખ્યા, જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો, તારો રે શણગાર કરતા રૂપ અમારું નખિરેજી, સાંજ પહેલાની સાંજ થઇ છે શ્યામ હવે તો જાગો તમે ચરાવવા જાઓ મારા જાદવા તમે પહેલા કોિળયો ભરો અમે પછીથી ખાશું, શ્વાસની આ તો આવન-જાવન એને તારું નામ દીધું છે..., મોરપીંછની રજાઇ ઓઢી તમે સૂવો ને શ્યામ...., અમને આપો સંગ, રંગ ને અમને આપો સાદ જી....
અલબત્ત, સુરેશ દલાલની કાવ્ય સૃષ્ટિ ભક્તિ પૂરતી જ નથી. તેમાં નગરસંવેદના છે, માનવીના મનના વિવિધ પડ ભેદીને તેઓ પ્રેમ, મિલન, વિરહ, શ્રૃંગાર બધું જ બહાર લાવ્યા છે. સિગારેટ અને સ્તન જેવા શબ્દોનો ઉપયોગ કાવ્યોમાં કરી તેમણે વાસ્તવિકતાનો પૂરો આધાર તેમના સર્જનને આપ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે, સુરેશ દલાલ આજીવન કાર્યરત રહ્યા, સક્રિય રહ્યા, રાજકોટના વતની અને થોડા વર્ષોથી મુંબઇ સ્થાયી થયેલા પત્રકાર અરિંવદ શાહનો અનુભવ જાણવા જેવો છે. ગયા ગુરુવારે અરિંવદભાઇ ઇમેજ પબ્લિકેશનમાં ગયા હતા. સુરેશ દલાલ ત્યાં બેઠા હતા. કોઇની સાથે ફોનમાં વાત કરતા હતા કે હમણા મને સારું નથી રહેતું, મજા નથી આવતી, કંઇ ગમતું નથી, થોડીવાર પહેલા જ નરેન્દ્ર મોદીનો પણ ફોન હતો વગેરે... અરિંવદભાઇએ થોડા પુસ્તકો ખરીધ્યા. પેમેન્ટ કરતા હતા ત્યારે કર્મચારીને પૂછ્યું, સુરેશભાઇ ક્યાં ? પેલા ભાઇ કહે એ તો જતાં રહ્યા... હા, સાવ એમ જ સુરેશભાઇ જતા રહ્યા...
સુરેશ દલાલ મૃત્યુ વિશે
મૃત્યુને કારણે જીવન સાર્થક ઠરે છે. મૃત્યુ ન હોત તો જીવન અસહ્ય થઇ જાત. મરણનો મુકાબલો કરવો એનો અર્થ જ એટલો કે જતાં જતાં પણ જીવનને કોઇક અર્થ આપી જશો. ખરેખર તો જીવન ઘણીવાર જીવનને કારણે નિરર્થક ઠરે છે. ઘણા લોકો જીવનમાં ઠાંસીઠાંસીને અર્થ ભરતા હોય છે. પ્રત્યેક પળને પોતાના હિતમાં સાર્થક કરવાના લોભમાં પ્રયોજતા હોય છે. જીવનમાં એવી અનેક ક્ષણો આવતી હોય છે અને ક્યારેક તો એ ક્ષણોનું સાતત્ય જળવાતું હોય છે કે, જે ક્ષણમાં તમે ભીતરથી કોઇક શાંતિનો અનુભવ કરી શકો : એટલે કે વિચાર શૂન્ય થઇ શકો. આપણે જેટલી હદે કહેવાતા ‘વિચારશીલ’ થઇ ગયા છીએ. એટલી હદે વિચાર પ્રમાણે આચારશીલ નહીં, પણ પ્રવૃત્તશિીલ થઇ ગયા છીએ. આપણી આ વૃત્તિ જ જીવનને નિરર્થક બનાવે છે. મરણ એ સાર્થક જીવનનું પૂર્ણવિરામ હોય તો પછી મરણનો નર્યો શોક રહેતો નથી.
સુરેશ દલાલ સ્ત્રી વિશે
સ્ત્રી-પુરુષ સમાન નથી. એ કુદરતે સર્જેલી બાબત છે. માણસ આ ભેદરેખાને ભૂંસવાનો ગમે તેટલો પ્રયત્ન કરે, તો પણ સ્ત્રી-પુરુષની સમાનતા એ કંઇક અંશે કોરો આદર્શ જ રહેવાનો. માત્રામાં ફેર પડી શકે, પ્રકારમાં નહીં. સ્ત્રીઓના પણ પુરુષ વિશેના (કોન્ટ્રાડીકટરી) ખ્યાલો હોય છે. આ ખ્યાલો પાછળ એની બાયોલોજિકલ ને સાયકોલોજિકલ નીડ હોય છે. એની પાછળ એના કુટુંબને વાતાવરણની પરંપરા હોય છે. સ્ત્રીને પણ ક્યારેક જોહુકમી કરતો પતિ ગમે છે, તો ક્યારેક પોતાને વશ થઇને રહે ને પોતાનું કહ્યું કરે એવો પતિ ગમતો હોય છે. સમાનતા પુરુષે આપવાની નથી હોતી; માણસમાં પોતાનામાં તાકાત હોય તો પોતે લઇ લેવાની હોય છે. બહુ ઓછી સ્ત્રીઓ અને બહુ ઓછા પુરુષો પણ એકમેક સાથે મૈત્રીનો સંબંધ રાખતા હોય છે. લગ્ન થાય પછી કોઇ ને કોઇ રૂપે માલિકીનો જ સંબંધ પ્રગટ થતો હોય છે- સાથે રહેતા હોય છે, એટલું જ; બાકી સહવાસ અને સહજીવન ભાગ્યે જ હોય છે.






