ઝબકાર ગુજરાતનો-રજનીકુમાર પંડ્યા
વિદાય થતી વેળા પણ પોતાની ચેતનાને જીવાડવાનો કિમીયો આપી જનારાં સિંધુબહેન શાહ
માત્ર રાજકોટ કે સુરેન્દ્રનગરવાસીઓને જ નહીં, પણ આગલી પેઢીના સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને બહુ મોટા ગજાના સામાજિક કાર્યકર સ્વર્ગસ્થ મનસુખભાઇ દોશીની અને વિનોબા ભાવે સાથેની આત્મિક નિકટતાની સાંભરણ હશે. અને એ યાદ હશે તો અવશ્ય તેમનાં નાનાંબહેન (હવે તો તેઓ પણ સ્વર્ગસ્થ) સિંધુબહેન કુમારપાળ શાહની અનેક ક્ષેત્રની અનન્ય સેવાઓની પણ સ્મૃતિ હશે, બન્ને ભાઇબહેન સારો એવો સમય વર્ધા ગાંધીજીના આશ્રમમાં રહી આવ્યા હતા, વિનોબા જેવા ગીતાધર્મી મહામાનવની નિકટ રહેવાથી તેમની સેવાવૃત્તિનો પીંડ એવો ઘડાયો હતો જેમાંથી હંમેશા નિરાડંબર અને સૌમ્યતા જ ફોરતા રહે.હાલમાં જ અવસાન પામેલાં શારદાબહેન અરવિંદભાઇ આચાર્ય સાથે સિંધુબહેનને બહુ આત્મિયતા હતી, અરવિંદભાઇ અને શારદાબહેનની સાથે તેમણે સુરેન્દ્રનગરની લોકશાળામાં અને સ્વર્ગસ્થ અરુણાબહેન દેસાઇની સાથે વઢવાણ મહિલા વિકાસગૃહમાં વર્ષો લગી નિસ્વાર્થભાવે અવિરત સેવાકાર્ય કર્યું, ઉપર મથાળામાં જે શબ્દો ટાંક્યા છે તે મૂળ તો એક મહાજ્ઞાની જૈન મુનીશ્રીનાં છે જે બીજા એક સજ્જને સ્મશાનભૂમી પર ઉચ્ચાર્યા હતા. 2000ની સાલમાં સિંધુબહેનનાં દેહાવસાન વખતે તેમની જીવનભરની આવી સમાજ કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓથી પરિચિત એ સજ્જને તેમના પરીવારજનો પાસે ઉચ્ચારેલા એ અર્થગર્ભ વેણને એ વખતે જ એમનાં પતિ કુમારપાળ શાહ અને પુત્ર-પુત્રીઓએ આત્મસાત કરી લીધાં.
બહુ થોડા જ વખતમાં રાજકોટની સ્મશાનભૂમિ ઉપર કુમારપાળ શાહે સર્વધર્મ સમભાવને પ્રબોધતા ચૌદ મંદિરો ખડાં કરી દીધાં . એ કોઇ સામાન્ય ધમસ્થાનો નહોતા પરંતુ એવા થિમેટિક ( એક ચોક્કસ વિચારતત્વને પરિપુષ્ટ કરતા) સ્મારકો હતા( અત્યારે પણ છે ) કે જેમાં હરેક ધર્મની ગાથાઓમાં એક પાત્રરૂપે નિરુપાતી માતાનો મહિમા કરવામાં આવ્યો હોય.એ રીતે એ માતૃમંદિરો છે, એમાં મહાવીર સ્વામીનાં માતા કે જેમને ચૌદ સ્વપ્નો આવેલાં તેમની પ્રતિમા ઉપરાંત શીખ ધર્મની વિરાંગના માતા સરદારણી કૌરની મૂર્તી છે. તેમાં અંગ્રેજો સામે યુધ્ધે ચડતી રાણી લક્ષ્મીબાઇની, ઉપરાંત સીતામાતાની ગુરુ હેમચંદ્રાચાર્યનાં માતા પાહિણીદેવી. શ્રીમદ રાજચંદ્રના માતા દેવબા, શિવાજીનાં માતા જિજાબાઇ, યશોદામૈયા,ભગવાન આદિનાથ અને મરુમાતા ઉપરાંત ગાંધીજીનાં માતા પૂતળીબાઇ પણ છે.
સિંધુબહેનના દેહવિલય સાથે તેમના દેહમાં પરિબધ્ધ એવી તેમની ચેતના વધુ કાર્યાન્વિત બની. તેનો આ પ્રથમ આવિર્ભાવ બન્યો. રાજકોટમાં રામનાથપરાનું આ મુક્તિધામ માત્ર એક અવલમંજલનું સ્થાન કે કેવળ જોવાલાયક જગ્યા ના બની રહેતા જીવનના અફાટ ,અતાગ અને જેમાં સતત વિરાટ બિહામણાં મોજાંઓ ઉછળ્યા કરે છે તેવા સાગરમાં એક આત્મદર્શનનો રાહ ચિંધતી દિવાદાંડી બની રહ્યું.
આ સંસ્કારોના સગડ સિંધુબહેન અને કુમારપાળ શાહના પોતપોતાના કુટુબોની કથામાંથી મળે . સિંધુબહેનને પોતાના મોટાભાઇ લોકસેવક મનસુખભાઇ દોશીની પ્રેરણા અને દોરવણીમાં લોકસેવાની રાહ પકડી પણ જો 1959 માં લગ્ન પછી પણ પતિ કુમારપાળ શાહ તરફ્થી એવો જ પ્રોત્સાહક અને સમર્થક સહયોગ મળી રહ્યો. 1964 માં આબુ-દેલવાડામાં પ.પૂ.વર્ધમાન તપોનિધી ભુવનભાનુ વિજયજીની નિશ્રામાં યોજાયેલી આધ્યાત્મિક ગ્રિષ્મ શીબીરમાં કુમારપાળભાઇએ હાજરી આપી હતી.મહારાજશ્રીના વચનોએ તેમની જીવન વિચારણા ધરમૂળથી બદલી નાખી. માતાપિતા દલિચંદભાઇ અને કમળાબેનની પરગજુ વૃત્તિનું તેમનામાં રહેલુ અનુસંધાન જાણે કે એ શીબીર થકી વધુ જાગૃત થયું. એ પૂના યુનિવર્સીટીના સ્નાતક છે અને ગાયન-વાદનની જન્મજાત પ્રતિભાના માલિક છે. સંગીત- વિશારદની પદવી ધરાવે છે તેમણે નક્કી કર્યું કે હવે પછી તેઓ માત્ર પોતાની સંપત્તિ જ નહીં પરંતુ કળાને પણ ધર્મ અને સેવાને માર્ગે વાળશે. દોડતા હોય અને ઢાળ મળે તેમ તેમાં પત્ની સિંધુબહેનનો પૂરેપૂરો સાથ મળ્યો. એથી તેમની સક્રિયતા અનેકગણી વધી. એ પછી એ દામ્પત્ય માત્ર વ્યાવહારિક અર્થમાં સાયુજ્ય બની ગયું. 1964 માં તેમણે સાથે મળીને “ભક્તિ”નામની સંસ્થાની સ્થાપના કરી ..
વ્યવસાયને કારણે કોલ્હાપુર,,પૂના અને બીજા અનેક સ્થળોના પરિભ્રમણ દરમ્યાન આ દંપતિએ કુમારભાઇના અને બીજા ગાયકોના ભક્તિસંગીતની અનેક કેસેટો બહાર પાડી અને છૂટથી વહેંચી. તેમના દ્વારા અનેક નવા નવા કલાકારો તૈયાર થયા જેમાંથી અનેક આજે સુપ્રસિધ્ધ થયા છે.સિંધુબહેન કુમારપાળની પ્રવૃત્તિના માત્ર પ્રેરક જ નહીં પણ સહયોગી બળ પણ બની રહ્યાં.
જીવનકાળ દરમ્યાન સિંધુબહેન થકી નારી ઉત્કર્ષના ક્ષેત્રે જબરદસ્ત કામ થયું હતું. સુરેન્દ્રનગરના લોક વિદ્યાલય ઉપરાંત વઢવાણના સ્ત્રી વિકાસગૃહમાં તેમની દીર્ઘ અને ઉજળી કામગીરી એક દાખલારૂપ ગણાય છે. લગ્ન પહેલા પણ સિધુબહેન સુરેન્દ્રનગરની આર.પી,પી. ગર્લ્સ હાઇસ્કૂલમાં મહામંત્રી તરીકે રહીને મહિલા શિક્ષણના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી. એ જ રીતે માનવમંદિર સંસ્થા અને બહેરા-મુંગા બાળકોની શાળાના ઉત્કર્ષમાં તેમને જીવ રેડીને કામ કર્યું. અંધશાળા,અપંગાશ્રમ, વૃદ્ધાશ્રમ જેવી અનેક સંસ્થાઓ સાથે છેક 1984થી કારોબારી સભ્ય રહ્યાં.અંધશાળાના મુખપત્ર “નયનજ્યોતિ” નું તંત્રીપદ વર્ષો સુધી સંભાળીને તેને ધર્મ અને કર્મ એમ બન્નેનો રંગ આપ્યો. દિન-દુઃખી,તરછોડાયેલાં.લાચાર,નિરાધાર, અને પૈસેટકે બેહાલ લોકોની વહારે ચડવાની તેમની કામગીરી એટલી બધી વ્યાપક,મૂળગામી અને અસરકારક રહી કે લોકો તેમને માતૃસ્વરૂપ જ ગણીને “મા” તરીકે જ સંબોધતા.
2000ના એપ્રિલની 12 મી એપ્રિલે તેમની ચીર વિદાય થઇ. તે દિવસ રામનવમીનો ચૈત્ર સુદ ચોથનો હતો, તે વેળા તેમની વય માત્ર ચોસઠ વર્ષની હતી, પાછળ બે પુત્રો અને એક પુત્રીની લીલી વાડી હતી કે જેમણે “જાતસ્ય હી ધ્રૂવો મૃત્યુ”( જન્મે છે તે જાય છે)નું વાસ્તવ સ્વીકાર્યા પછી પિતા સાથે મળીને તેમણે માતા સાથે આદરેલા અને જારી રાખેલા સેવા અને ધર્મના કાર્યો આગળ વધારવાના હતા. ભલે માતાનો દેહ વગર પણ ચેતના તો અમર રહેવાની હતી, 2000 ના જુલાઇમાં તેમણે “મા-બાપને ભૂલશો નહીં” ઑડીયો કેસેટ બહાર પાડી અને તેનું જાહેર સમારંભમાં વિમોચન કર્યું. તે ઉપરાંત ભક્તિગીતોના અનેક કાર્યક્રમો કર્યા. તેમના અવસાનના પ્રસંગે આયંબીલ કરેલું અને તે પછી તેમની સ્મૃતિમાં.પંચવટી જૈન ઉપાશ્રયમાં તેમના તરફથી પારણા કરાવવામાં આવ્યા.
તેમના એક પુત્ર ડૉ શ્રેણિક શાહ માત્ર રાજકોટના જ નહીં પણ પૂરા ગુજરાતમાં વિખ્યાત કાન અને ગળાના સર્જન છે. તેઓ માતાની સ્મૃતિમાં અનેક દર્દીઓને સાવ રાહત દરે અથવા વાજબી કેસ લાગે તો સાવ નિઃશુલ્ક સારવાર આપે છે. સિંધુબહેનના સાચા તર્પણરૂપે રાજકોટમાં જ ટ્રસ્ટની એક હૉસ્પિટલ “સૌરાષ્ટ્ર ઑડિયોલૉજિકલ એન્ડ હિયરીંગ એઇડ સેંટર સ્થાપવામાં આવી છે. ( 101-102, ગુરુકૃપા ટાવર .મોટી ટાંકી પાસે,સદર,રાજકોટ -360 001) ત્યાં સાધુ સંતો. જરૂરતવાળા લોકોને રાહત દરે અથવા યોગ્ય હોય તો નિઃશુલ્ક શ્રવણયંત્રો,ઉપકરણો ,દવા,સારવાર,પૂરા પાડવામાં આવે છે. જરૂર પડ્યે યોગ્ય થેરાપી પણ આપવામાં આવે છે. મૂંગા બાળકોને બોલતા કરવા માટેની સ્પીચ થેરાપી પણ એ જ ધોરણે આપવામાં આવે છે.કાન –નાક-ગળાના દર્દો માટેનો નિદાન અને સારવાર કેમ્પ દર બે માસે યોજવામાં આવે છે જેમાં પૂનાથી ખાસ આવીને ડૉ કૈલાસ સંત સેવાઓ આપે છે. બીજા દિકરા શ્રેયાંસ શાહ અને પુત્રી શ્રીદેવી તંબોલી પણ દરેક સેવાકાર્યોમાં પિતાને સાથ આપે છે.
કુમારપાળ શાહ ,રાજકોટને તેમના સેવાકાર્યોમાં હાથ બટાવવા કે તેમના સેવા કાર્યોનો યોગ્ય લાભ લેવા અથવા તેવા સેવા કાર્યો કરવા માટેનું માર્ગદર્શન મેળવવા તેમના મોબાઇલ ફોન નંબર- +91 93773 71005 પર અવશ્ય સંપર્ક કરી શકાય.ધર્મપ્રેમી અને કર્મપ્રેમી કુમારપાળ શાહ પોતાનાં પત્નિની સેવાભાવનાને જીવંત રાખીને એ રીતે તેમની ચેતનાને હમેશાને માટે ધબકતી રાખે રહ્યા છે.
લેખક સંપર્ક- rajnikumarp@gmail.com
બ્લૉગ-http://zabkar9.blogspot.com




