દમણમાં ડાભેલ ચેક પોસ્ટથી લઇને કલેરીયા સુધી હાલમાં નિર્માણ પામી રહેલો આરસીસી રોડને કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સ્થળે ટ્રાફિક પોલીસનો એક પણ જવાન રસ્તા ઉપર શોધવાથી પણ મળતો નથી. આ બાબતે પ્રશાસક સુધી ફરિયાદ જતા દમણ કલેક્ટરે આ રસ્તાના બન્ને છેડે વાહનો ઊભા રાખવા પર રોક લગાડતા આદેશ આપ્યા છે. ટ્રાફિકના નિયમનની તમામ જવાબદારી ટ્રાફીક પોલીસ અને ડાભેલ ચેકપોસ્ટના ઇન્ચાર્જને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ત્રણ મહિનાથી ડાભેલ ચેક પોસ્ટથી લઇને કલેરીયા સુધીનો ત્રણ કિલોમીટરનો રસ્તો આરસીસીમાં નિર્માણ થઇ રહ્યો છે. આ કારણે ટ્રાફિકની કાયમી સમસ્યાઓ રહે છે.ટ્રાફિકને કારણે આ સ્થળે અકસ્માતોના પણ ઘણા બનાવો બન્યા છે. ટ્રાફિક પોલીસના બેજવાબદારી ભર્યા વલણના કારણે આ પરિસ્થિતિ ઊભી થઇ છે. કલેક્ટર મનોજ સાહુએ એક ઓર્ડર પસાર કરી ડાભેલ ચેક પોસ્ટથી કલેરીયા સુધી રસ્તાના બન્ને છેડા પર પાકિઁગ પર રોક લગાડી છે.