લોકોએ હંગામો કરતા પોલીસ તેમજ પ્રદૂષણ નિયંત્રણની ટીમ કંપની પર આવી પહોંચી
ચોમાસાની મોસમનો ફાયદો ઉઠાવી ઉદ્યોગો દ્વારા પાણી અને હવા પ્રદૂષણ કરવાની ફરિયાદ અનેક સ્થળેથી સમયાંતરે ઊઠતી રહી છે. ત્યારે દાનહના ગલોંડા સ્થિત એડવાન્સ ડેટ કેમ લિમિટેડ નામની કેપની દ્વારા એસિડ યુકત પાણી અને ઝેરીલો ધુમાડો છોડતાં આજુબાજુના ગ્રામલોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. કંપનીના આ કૃત્ય સામે ગામના લોકોએ કંપની પર ભારે હંગામો કરી કંપની બંધ કરાવી હતી. જોકે એક દિવસ બંધ રહેલી આ કંપની દ્વારા પ્રદૂષણ છોડવાનું યથાવત રહ્યું છે.
સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ગલોંડા સ્થિત એડવાન્સ ડેટ કેમ લિમિટેડ કંપની દ્વારા થતા પ્રદૂષણની ફરિયાદ કેટલાક સમયથી ઉઠતી રહી છે. આ પ્રદૂષણ ચોમાસામાં વધતાં ગલોંડોની આજુ બાજુના ૫૦૦ થી ૬૦૦ જેટલા લોકોએ કંપની પર પહોંચી ભારે હંગામો કરી કંપની બંધ કરાવવાની માગ કરી હતી. જેના પગલે પોલીસ તેમજ પ્રદૂષણ નિયંત્રણની ટીમ કંપની પર આવી પહોંચી હતી.
જોકે તેમના વચ્ચે પડવા છતાં લોકોની સમસ્યાનો કોઇ નિવેડો આવી શક્યો ન હતો. કંપની દ્વારા થતા પાણી અને હવા પ્રદૂષણને કારણે આજુબાજુના વિસ્તારની ૪૦ એકર ખેતીને નુકશાન પહોંચી રહ્યું છે. ખેડૂતોનો પાક સદંતર નાશ થતાં તેમણે કંપની બંધ કરાવવાની માગ કરી છે.