
ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની 26મી ફેબ્રુઆરીએ જન્મજંયતિ છે. અમદાવાદની 601મી જન્મજયંતિ નિમિત્તે દિવ્યભાસ્કર ડોટ કોમ અમદાવાદની વર્ષો જુની અને પહેલીવાર શરૂ થયેલા ડિપાર્ટમેન્ટલ સ્ટોર અંગે જણાવી રહ્યું છે.
આઘુનિક અમદાવાદના 'લેન્ડમાર્ક' તરીકે 'પારેખ્સ' સ્થાન પામ્યું હતું. પરંતુ આજના યુવાન અમદાવાદીઓને કદાચ ગુજરાતના આ પહેલા ડિપાર્ટમેન્ટલ સ્ટોર અંગેની ખાસ માહિતી મળી ન હોય તે સ્વભાવિક જ છે. મોલક કલ્ચરના આજના જમાનામાં અનેક લોકો પોતાની મોટાભાગની ખરીદી મોલમાંથી કરે છે. પરંતુ આજથી 50 વર્ષ પૂર્વેના અમદાવાદમાં મોલ કલ્ચરની માહિતી જ ન હતી. એ સમયે સ્પેન્સર્સનો ચેન્નાઇમાં અને અકબરઅલીનો મુંબઇમાં જુનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર ગણાતો હતો. અમદાવાદના બે ભાઇઓ પરદેશ ભણવા ગયા અને ત્યાં તેમણે મોલ કલ્ચર જોયું. ભાગદોડના વ્યસ્ત જમાનામાં લોકો પાસે જુદા જુદા બજારમાં ખરીદી કરવાનો સમય ન હોવાથી એક જ સ્થળે પોતાની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ ખરીદી શકે તે માટે મોલ કલ્ચર વિકાસ પામ્યું હતું.
અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ, સમાજસુધારક અને અગ્રણી શેઠ મંગળદાસ ગીરધરદાસના નાનાભાઇ શેઠ ચમનલાલ ગીરધરદાસ(જેમના નામ પરથી અમદાવાદનો જાણીતો સી.જી. રોડ પડ્યો છે)ના બે દીકરા વિરેન્દ્રભાઇ અને કમલભાઇએ 'પારેખ્સ' શરૂ કર્યું હતું. જે તેમની અટક પરથી નામ રાખવામાં આવ્યું હતું. ઇન્ટીરિયર ડીઝાઇનનુ એક કારખાનું શરૂ કરવામાં આવ્યું અને તેમાં બનતી ચીજવસ્તુઓનો શોરૂમ લાલ દરવાજા વિસ્તારમાં શીદી સઇદની જાળી સામેના પોતાના પૈતુક બંગલામાં ચીજવસ્તુઓ સાથએ-સાથે ગ્રામોફોનની રેકર્ડ વેચવાનું એક કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું.
એ જમાનામાં ગ્રામોફોનનું ચલ ખૂબ હતું. સંગીતરસીયાઓ લેટેસ્ટ રેકર્ડ ખરીદવા માટે મોટી સંખ્યામાં આવવા લાગ્યા. વિરેન્દ્રભાઇ અને કમલભાઇ પ્રયોજકો હતા. તેમણે પરદેશમાં શોપીંગ મોલ નજરે જોયા હતા. તેથી તેમણે પોતાના પૈતુક બંગલામાં પોતાના શોરૂમની સાથે-સાથે અન્ય વ્યવસાયિકોને સાંકળીને એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર કરવાનો વિચાર થયો. જુદા-જુદા લોકો સાથે વાટાઘાટો થઇ અને 1964થી ગુજરાતનો સર્વપ્રથમ ડિપાર્ટમેન્ટલ સ્ટોર 'પારેખ્સ' શરૂ થયો.
એ સમયે અમદાવાદીઓને ડિપાર્ટમેન્ટલ સ્ટોર કેવો હોય તેની ખાસ ખબર ન હતી. તેથી અનેક લોકો જોવા માટે આવતા, પણ ખરીદી કર્યા વિના જતા રહેતા. ધીરે-ધીરે લોકોને ખબર પડવા લાગી કે આ વિશાળ દુકાનમાં દરેક વસ્તુઓ ઉપર ભાવ લખવામાં આવ્યા છે. કોઇ ભાવતાલ થતો નથી. ફિક્સરેટ અને તે પણ બજારભાવ કરતાં ઓછો છે. આથી ધીરે-ધીરે લોકો આવવા લાગ્યા અને 'પારેખ્સ' ગ્રાહકોથી ધમધમવા લાગ્યું. 'પારેખ્સ'ની કીર્તિ અમદાવાદથી જુદા-જુદા નગરો સુધી પહોંચી અને બહારગામથી અમદાવાદ ખરીદી કરવા આવતા લોકો પણ મોટી સંખ્યામાં આવવા લાગ્યા. રમકડા, તૈયાર વસ્ત્રો, કાપડ, આભૂષણ, સ્ટેશનરી, ફળો, બેગ, પ્રોવિઝન, ડ્રાયફૂટ, મુખવાસ વગેરે વિભાગોની સાથે-સાથે બહેનો માટે 'બ્યુટી પાર્લર' શરૂ કરવામાં આવ્યું. જે અમદાવાદનું પ્રથમ બ્યુટી પાર્લર બન્યું અને તે બહેનોમાં ખુબજ લોકપ્રિય થયું.
અમદાવાદમા સિઝનલ સેલની શરૂઆત 'પારેખ્સ' દ્વારા શરૂ થઇ હોવાનું નુતનભાઇ પારેખનું કહેવું છે. પારેખ્સમાં થતા સેલની મોટી જાહેરાતો અખબારમોમાં પ્રસિદ્ધ થવા લાગી તેથી લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી પડતા હતા. ઘણી વખતે લોકોનો એટલો મોટો ઘસારો થતો કે તેને નિયંત્રિત કરવા માટે સેલ દરમિયાન વધારાના માણસો મુકવા પડતા હતા. પારેખ્સ દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. આજે તો નાતાલ દરમિયાન અમદાવાદમાં ઠેર-ઠેર 'સેન્ટાક્લોઝ' જોવા મળે છે. પરંતુ કોઇપણ વ્યવસાયિકે પોતાના ધંધાનાં વિકાસનો પ્રયોગ કર્યો હોય તોતે 'પારેખ્સ' દ્વારા થયો હતો.
ડિપાર્ટમેન્ટલ સ્ટોરને ખૂબ જ સજાવવામાં આવતો. ચારેબાજુએ રંગબેરંગી ફુગ્ગાઓ, તોરણો, પટ્ટીઓ, ઝુમખા, રંગીન લાઇટો વગેરે લગાવવામાં આવતી. એખ નાનકડો સ્ટેજ ઉભો કરવામાં આવતો. જેના ઉપર 'સેન્ટક્લોઝ' ઉભો રહેતો અને તેની સાથે બાળકો હાથ મિલાવતા તથા યાદગાર ફોટોગ્રાફ પડાવતા. મોટી સંખ્યામાં વાલીઓ બાળકોને લઇને 'પારેખ્સ'માં આવતા. આમ મનોરંજનની સાથે-સાથે ખરીદી પણ થતી. મનોરંજન માટે 'હોરર શો' પણ યોજવામાં આવતો. ગ્રાહકો માટે ખાણીપીણીના સ્ટોલ પણ લાગતા. આવનારા તમામ બાળકોને સ્ટોરના સંચાલકો દ્વારા ચોકલેટ, વ્હીસલ, પીપૂડી ભેટ આપવામાં આવતી. 'પારેખ્સ'ની સફળતા જોઇ અન્ય ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ શરૂ થયા, પરંતુ તેની કોઇ જ અસર થઇ નહીં. આઇ.આઇ.એમ. અમદાવાદના વિદ્યાર્થીઓએ પણ 'પારેખ્સ'નો કેસ સ્ટડી તરીકે અભ્યાસ કર્યો હતો, જે આજે બંધ થઇ ગયો છે!
નોંધઃ ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતિ અને અમદવાદ- 600 નિમિત્તે દિવ્યભાસ્કર દ્વારા પ્રકાશિત અને ડો. રિઝવાન કાદરી સંશોધિત 'પ્રથમના પગરણ'માંથી
