
ઝબકાર ગુજરાતનો- રજનીકુમાર પંડ્યા સિદ્ધપુરના પાદરમાં પણ એક નવું તીરથ..
સોંઘું ભાડું ને સિદ્ધપુરની જાત્રા કહેવત માત્ર માતૃતીર્થ સિદ્ધપુર માટે પડી છે પણ “એક સાથે એક ફ્રી”ના જમાનામાં સિદ્ધપુરની જાત્રા સાથે બીજી પણ જાત્રા કરી લેવી હોય તો ખરેખરા ચંદનવનની સુગંધે સુગંધે સિદ્ધપુર કાકોશી રોડ પર માત્ર છ જ કિલોમીટર દૂર ગામ સેદ્રાણા પાસે આવેલા ‘મંગલ જીવન ટ્રસ્ટ’ના રમણીય અને હરિયાળા સંકુલની મૂલાકાત લેવી જોઇએ. એમાં ખરેખર “યોગી” અટકધારી ડૉ. દેવચંદ યોગી કંઇ ને કંઇ કામ કરતા જોવા મળશે.
* * *
ડો.દેવચંદ યોગી મૂળ તો કડી સાયન્સ કોલેજમાં વિજ્ઞાનના અધ્યાપક હતા. વનસ્પતિશાસ્ત્રમાં તેમણે પી.એચ.ડી. પણ કરેલું. પણ તેઓ પોતે મૂળ તો સેવાનો જીવ. આથી નાની કડીમાં તેઓ ‘મમતા કેન્દ્ર’ નામની અપંગો માટેની સંસ્થા મિત્રોના સહયોગથી નાને પાયે ચલાવતા હતા.1997માં તેઓ નોકરીમાંથી નિવૃત્ત થયા અને વધુ સમય મળવા લાગ્યો એટલે તેમણે પોતાની પ્રવૃત્તિનો વ્યાપ વધારવાનું નક્કી કર્યું.
મૂળ વિચાર એવો કે જરૂરતમંદ વૃદ્ધો અને અનાથ બાળકો માટે કંઇક એવી વ્યવસ્થા વિચારવી કે જેથી બંને એકબીજાના પૂરક બની રહે. દાદાને પોતરાં અને પોતરાને દાદા મળી રહે. આ ઉપરાંત સમગ્ર સંકુલ એવું રળિયામણું હોય કે આવનારને ત્યાં બેઠા રહેવાનું જ મન થાય. અલબત્ત, આ બધા મનના અથવા તો કાગળ પરના ઘોડા હતા. એને દોડતા શી રીતે કરવા? સૌ પ્રથમ ‘મંગલ જીવન ટ્રસ્ટ’ નું રજીસ્ટ્રેશન કરાવ્યું અને શોધ આદરી તેને માટે અનૂકુળ જગાની. અનેક સ્થળોએ ફર્યા, જમીનો જોઇ, પણ કોઇ જગા નજરમાં ન વસી. એક ઇચ્છા એવી પણ ખરી કે બને ત્યાં સુધી ઉત્તર ગુજરાતમાં કોઇ જમીન મળે તો વધુ સારું.
એક વખત અનાયાસે તેમને સિદ્ધપુર જવાનું થયું અને ત્યાંથી કામસર સેદ્રાણા જવાનું હતું. આકસ્મિક જ તેમને કોઇએ નજીકની એક જમીન બતાવી. જમીન શું હતી! બધે ઝાડીઝાંખરા અને જંગલી ઘાસ ઉગેલું હતું. પહેલી દ્રષ્ટિએ જ નાપાસ થઇ જાય એવી એ જગા, પણ કોણ જાણે ત્યાં પગ મૂકતાંની સાથે જ ડો.યોગીને આ જગા સાથે વરસોનો નાતો હોય એવો અહેસાસ થવા લાગ્યો. મનોમન તેમણે આ જગા લેવાનું નક્કી કરી દીધું. નિવૃત્ત થયા પછી આવેલાં બચતના નાણાંની રકમમાંથી જમીન ખરીદવાની તેમની તૈયારી હતી,. તેરમી જુલાઇ, 2000ના રોજ આ જમીન પર ‘મંગલ જીવન ટ્રસ્ટ’નો વિધિવત આરંભ થયો.સૌ પ્રથમ કામ જમીન પરનાં ઝાડીઝાંખરાં દૂર કરવાનું હતું અને ત્યાર પછી પાણીની વ્યવસ્થા કરવાની હતી. પાણી માટે તો જમીનમાં ટાંકી બનાવીને બોરનું વેચાતું લાવેલું પાણી તેમાં ભર્યું. જમીનમાં જરાય કસ નહોતો, છતાં આંબળા, ચીકુ, નાળિયેરીના રોપાનું વાવેતર કર્યું.
ભૂંડ, નીલગાય વગેરે જેવા જંગલી પશુઓનો ત્રાસ હતો, તો ક્યારેક ચોરો પણ પરચો બતાવી જતા. આમ છતાં મક્કમ મનોબળને કારણે અનેક વિપરીતતાઓ વચ્ચે પણ જુસ્સો ટકી રહ્યો, જેનાં પરિણામ ધીમે ધીમે મળવા માંડ્યા. દિવ્યેશભાઇ દેસાઇએ એક પણ પૈસો લીધા વિના ‘મંગલમ’ નો પ્લાન તૈયાર કરી આપ્યો. અનેક મિત્રો, શુભેચ્છકો, દાતાઓને સંસ્થા વિષે જાણ થતી ગઇ અને સૌ કોઇ પોતપોતાની રીતે નાનીમોટી મદદ કરતા રહ્યા.
કોઇએ રોકડ સહાય આપી, કોઇએ સાધનોની સહાય આપી તો કોઇએ સામે ચાલીને કામની સેવા આપી. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા મુંબઇના પ્રફુલ્લભાઇ વોરા પોતે વૃક્ષપ્રેમી છે. તેમણે ‘મંગલમ’માં ખેતતલાવડી બનાવવા માટે સૂચવ્યું, એટલું જ નહીં, તે માટે આર્થિક સહયોગ પણ આપ્યો. ખેતતલાવડીના ખોદકામમાંથી નીકળેલી માટીનો ઉપયોગ કેમ્પસના મકાનોના ચણતર માટે, રસ્તા બનાવવા માટે કરવામાં આવ્યો. આને પરિણામે બેવડો લાભ થયો. સંસ્થા પોતે જળસંગ્રહ બાબતે સ્વાવલંબી બની અને અન્ય કામ માટે લાવવામાં આવનારી માટીનો ખર્ચ પણ બચ્યો.
શરૂઆતમાં અહીં વિજળીની સુવિધા પણ નહોતી, તેથી મીણબત્તીના અજવાળે જ રાત વીતાવવી પડતી. વરસાદમાં કે પવન હોય ત્યારે તો એ પણ મુશ્કેલ થઇ પડતું. આથી સૌર લાઇટો લાવવામાં આવી. આ રીતે વૈકલ્પિક ઉર્જાના ઉપયોગની એક નવી દિશા મળી.
વીસનગરના નિવૃત્ત આચાર્ય સ્વ. રામપ્રસાદ જાની તો પોતાના મિત્રોને પત્રો લખીને આ સંસ્થાની મુલાકાત લેવાની ભલામણ કરતા. તેઓ પોતાને આ સંસ્થાના ‘ચોકીદાર’ ગણાવતા. તેમના જ આમંત્રણથી તેમના પરમ મિત્ર એવા મુંબઇસ્થિત વૈજ્ઞાનિક ઉદ્યોગપતિ નવનીતરાય ત્રિવેદી અહીં આવ્યા અને બાલક્રીડાંગણ માટે જરૂરી આર્થિક સહાય કરી.
એ વાતને માત્ર થોડા જ વર્ષ થયા. પણ આજે આ કેમ્પસમાં આંબળા, ચીકુ, લીમડાથી લઇને સંતરાં, મોસંબી, ખારેક, સીતાફળ, અંજીર, કાજુ, નાળિયેરી, આંબા, શેતુર, સાગ, મેહોગની જેવી અનેક પ્રજાતિઓનાં વૃક્ષો લહેરાતાં નજરે પડે છે. આ ઉપરાંત દમવેલ, ગળો, સર્પગંધા, ચણોઠી, અરીઠાં જેવી અનેક ઔષધિઓ પણ ખરી. ત્રણ ગાયો, બે ભેંસો અને બે પાડી જેવાં દૂધાળાં ઢોર પણ અહીં છે. બે ભેંસોનું દૂધ સંસ્થાના બાળકોને માટે વપરાય છે, એ ઉપરાંત વધતું દૂધ સહકારી મંડળીમાં મોકલવામાં આવે છે. . * * * ઘણી વખત એવા સંજોગો ઉભા થતા હોય છે કે એ વખતે નિર્ણય તત્ક્ષણ લેવો પડે. ત્યારે નિયમ કે જોગવાઇ જોવા ન બેસાય. નહીંતર કોઇના જીવનું જોખમ થઇ જાય. એક વખત એક આદિવાસી કુમારિકા સગર્ભા બની. તેના કુટુંબીજનોએ આને ‘ખાનદાન કી ઇજ્જત’નો સવાલ બનાવી દીધો. એ હદે કે તેઓ તેને ખતમ કરી નાંખવા પર આવી ગયા. પણ ગીતાબેન નામનાં એક બહેનને આ વાતની જાણ થતાં તેઓ વચ્ચે પડ્યાં અને કન્યાની જવાબદારી પોતે લઇ લીધી. પૂરા મહિને આ કન્યાએ પુત્રને જન્મ આપ્યો અને ગીતાબેને તેને ઉછેરવાની જવાબદારી સ્વીકારી. માનવતાના નાતે પોતાનું કર્તવ્ય ગીતાબેને બજાવ્યું, પણ ત્યાર પછી કપરી વાસ્તવિકતા સામે આવીને ઉભી રહી.
પોતાની આર્થિક સ્થિતિ એવી નહોતી કે આ વધારાનો જીવ પોષાઇ શકે. એટલે ‘મંગલજીવન ટ્રસ્ટ’ તેમની વહારે આવ્યું અને બાળકના ઉછેરની જવાબદારી પોતાને શીરે લઇ લીધી. આ રીતે પ્રારંભ થયો ‘કલરવ’નો. આ બાળક અજય ‘કલરવ’નો સૌ પ્રથમ આગંતુક બની રહ્યો. આજે તે સંપૂર્ણ પરિવારની હૂંફ વચ્ચે ઉછરી રહ્યો છે. સેવાયોગી એવા ડો.યોગીની આ ખાસિયત ઝરણા જેવી છે. ઝરણું કંઇ કોઇ નિશ્ચીત એવા વહેણના માર્ગે વહેવા બંધાયેલું નથી હોતું. તે તો પોતાની મેળે માર્ગ કરીને વહેતું રહે છે. ક્યાંક તે અટકે પણ ખરું તો ક્યાંક તે ફંટાય પણ ખરું. ડો. યોગીના મનમાં પણ લાગણી અને માનવતાનું ઝરણું સદાય વહ્યા કરે છે. તેની વાત આવે ત્યારે તમામ ગણતરીઓ તેઓ કોરાણે મૂકી દે છે. તેમને મન સામે આવેલા માનવતાના કાર્યનું મહત્વ કોઇ પણ આયોજન કરતાં ઉપર છે. તેને પહોંચી વળવાની ગોઠવણ તો આપોઆપ થઇ રહેશે એવો વિશ્વાસ છે. અને મોટે ભાગે તેમનો વિશ્વાસ સાચો પુરવાર થયો છે.
‘કલરવ’માં ઉછરી રહેલા અન્ય બાળકોની કહાણીમાં વંચીતતાનું તત્વ સમાન હોય છે. આવાં કુલ અગિયાર બાળકો અહીં ઉછરી રહ્યાં છે. બે બહેનો અહીં એવી છે કે જેમના પિતાજી ગુજરી ગયા. તેમની માએ આપઘાત કર્યો અને તેઓ એકલી થઇ ગઇ. તેમને પણ સંસ્થાએ અપનાવી. આ તમામ બાળકો નજીકના ગાંગલાસણ ગામમાં આવેલી શાળાએ અભ્યાસ માટે જાય છે. ડો.યોગી કહે છે, “ આ બાળકોને અમારે એવા નાગરિક બનાવવા છે કે તેઓ ગૌરવભેર સમાજમાં રહી શકે અને કહી શકે કે પોતે ‘મંગલમ’ના છે.” સગાંવહાલાં કે કુટુંબીઓથી વંચિત આવાં બાળકોને સ્નેહ અને વાત્સલ્ય મળી રહે એ જરૂરી છે, તો સામે પક્ષે એવા અનેક વૃદ્ધો છે, જેમને જરૂર છે હૂંફ અને પ્રેમની. તેમના માટે ‘જીવનસંધ્યા’નું આયોજન કરવામાં આવ્યું છે. આમ, બાળકોને દાદા-દાદીનો સ્નેહ મળી રહે અને વૃદ્ધોના વાત્સલ્યભાવની આપૂર્તિ આ બાળકોના સહવાસ થકી થાય એવી અનોખી ગોઠવણ ‘મંગલજીવન’માં કરવામાં આવી છે.
અનેક શુભેચ્છકો અને મિત્રો એક યા બીજી રીતે મંગલજીવનને સહાયભૂત થવાનો પ્રયત્ન કરે છે. કોઇ ને કોઇ પ્રસંગની ઉજવણીનું આયોજન આ રળિયામણા સંકુલમાં કરીને પોતાના મિત્રોની જાણમાં તેઓ આ સંસ્થાની પ્રવૃત્તિઓ લાવે છે. આ વ્યવસ્થા બહુ અસરકારક પુરવાર થઇ રહી છે.
અન્ય અનેક પ્રવૃત્તિઓ પણ અહીં હાથ ધરવામાં આવી રહી છે. બાગાયતી ખેતી, આયુર્વેદીક ઔષધિઓનું વાવેતર, પશુ સંવર્ધન, વર્મીકલ્ચર જેવા અનેક પ્રોજેક્ટ તો અમલમાં મૂકાઇ ગયા છે અને દિનબદિન તે વિકસી રહ્યા છે. પણ સંસ્થાનું મુખ્ય લક્ષ બને તેટલું જલ્દી આર્થિક રીતે સ્વનિર્ભર થવાનું છે. કેમ કે અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ કરવાનું તેનું આયોજન છે. નવેક મહિના અગાઉ વનવિભાગની સહાયથી અહીં એક મેડીકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના પરથી ખ્યાલ આવ્યો કે આ વિસ્તાર તબીબી સુવિધાઓ બાબતે પણ ખૂબ જ પછાત છે. આથી બેએક મહિને જો આવો કેમ્પ યોજાય તો અનેક ગરીબ લોકોને તબીબી સારવારનો લાભ મળી રહે.
અહીં ‘માનો ખોળો’ અને ‘પ્રકૃતિનો ખોળો’ એમ બે મુખ્ય વિભાજન હેઠળ પ્રવૃત્તિઓનું વિભાજન કરવામાં આવ્યું છે. ‘પ્રકૃતિનો ખોળો’ અંતર્ગત ઔષધિ બાગ, સજીવ ખેતી, કુદરતી ઉપચાર કેન્દ્ર, મધમાખી સંવર્ધન, તરૂ સંવર્ધન, નર્સરી, પશુ સંવર્ધન, ગોબર ગેસ તથા સૌર ઉર્જા, જળસંચય જેમાં ચેક ડેમ તથા ખેતતલાવડીનો સમાવેશ થાય છે તેમજ વનકુટીર જેવાં પ્રકલ્પો કાર્યરત થઇ રહ્યા છે. તો ‘માનો ખોળો’ અંતર્ગત નિ:સહાય બાળકો માટેનો અનાથાશ્રમ તેમજ એવા જ વૃદ્ધો માટેનો વૃદ્ધાશ્રમ, વિકલાંગો માટે સ્વરોજગારની તાલીમ, યોગ તેમજ હેલ્થ સેન્ટર, વાનપ્રસ્થ આશ્રમ ઉપરાંત શિબિર, લાયબ્રેરી, કોન્ફરન્સ, સત્સંગ માટે એવું આયોજન કે જેથી વધુ ને વધુ લોકો અહીં આવતા થાય અને સંસ્થાનું કાર્ય પોતાની સગી આંખે નિહાળતા થાય.
અહીં અપાતું દાન આવકવેરાની કલમ 80 (જી) હેઠળ કરમુક્તિને પાત્ર છે. ચેક યા ડ્રાફ્ટ ‘મંગલ જીવન ટ્રસ્ટ’ ના નામનો બનાવવો. જંગલમાં જ નહીં, અનેક નિરાધારોના જીવનમાં પણ મંગલ કરનાર આ સંસ્થા ‘મંગલ જીવન ટ્રસ્ટ, મુ.પો.સેદ્રાણા, સિદ્ધપુર કાકોશી રોડ, (તા.સિદ્ધપુર, જિ.પાટણ)પીન કોડ-384 151, (ફોન: 02767-227527, 093758 44368, 098258 48288)’ના સરનામે કાર્યરત છે. જો કે, સેદ્રાણા સુધી ટપાલ જલ્દી પહોંચતી ન હોવાથી ટપાલ ‘મંગલજીવન ટ્રસ્ટ’, કેર ઓફ મારુતિ કુરીયર, સિદ્ધપૂર-384 151‘ ના સરનામે મોકલવી. ઉપર જણાવેલા પૈકી કોઇ પણ આયોજન માટે દાન આવકાર્ય છે, કેમ કે વિભાગ તો વહીવટી સરળતા પૂરતા કરવામાં આવ્યા છે. ડો.યોગીના હ્રદયમાં આવાં કોઇ ખાનાં નથી. તેમના હ્રદયમાં ફક્ત એક જ ખાનું છે-અને એ છે માનવતાનું.
આ સંસ્થાનું મૂળભૂત આયોજન તો વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકો માટે કરવામાં આવ્યું હતું, જેથી વૃદ્ધોને જીવનસંધ્યાએ વાત્સલ્યભાવની પૂર્તિ થાય તેમજ બાળકોને વડીલોની હૂંફ મળે. ‘મંગલ જીવન ટ્રસ્ટ, મુ.પો.સેદ્રાણા, સિદ્ધપુર કાકોશી રોડ, (તા.સિદ્ધપુર, જિ.પાટણ)પીન કોડ-384 151, (ફોન: 02767-227527, 093758 44368, 098258 48288) ખાતે આવેલી આ સંસ્થામાં કેન્દ્રવર્તી વિચાર જ વાત્સલ્યનો છે, પણ તેની સાથે સાથે સ્વનિર્ભર બનવા તરફની બીજી અનેક પ્રવૃત્તિઓ અહીં થઇ રહી છે.
માત્ર એટલું ઉમેરવાનું કે સેદ્રાણા સુધી ટપાલ જલ્દી પહોંચતી ન હોવાથી ટપાલ ‘મંગલજીવન ટ્રસ્ટ’, કેર ઓફ મારુતિ કુરીયર, સિદ્ધપૂર-384 151 ના સરનામે મોકલવી
લેખક સમ્પર્ક-રજનીકુમાર પંડ્યા, ડી-8, રાજદીપ પાર્ક. મીરા ચાર રસ્તા,બલીયાકાકા માર્ગ, મણીનગર,અમદાવાદ-380 028/ ફોન- 079-2532 3711 /મૉબાઇલ-+91 98980 15545 ઇ મેલ-rajnikumarp@gmail.com./બ્લૉગ-http;//zabkar9.blogspot.com
