પૂર્વ અમદાવાદમાં વીર સાવરકર રમતગમત સંકુલના નવા નજરાણાનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી, ગુજરાતની વિકાસયાત્રા રોકવા કોંગ્રેસે CBIને સોપારી આપી છે પણ ગુજરાતની જનતાનો મિજાજ એવો છે કે કોંગ્રેસનો સવાયો હિસાબ ચૂકતે કરશે જ
નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ અમદાવાદમાં વિકાસના નવા પાંચ નજરાણાનું લોકાર્પણ કરતાં મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસની નવી ઉંચાઇ સર કરી રહ્યું છે તે નહીં જોઇ શકતી કોંગ્રેસે સી.બી.આઇ.ને સોપારી આપીને ગુજરાતની વિકાસયાત્રા રોકવા તથા નરેન્દ્ર મોદીનું પત્તુ કાપવા મથી રહી છે પણ ગુજરાતની જનતા તેના અસલ મિજાજથી સમય આવ્યે કોંગ્રેસનો સવાયો હિસાબ ચૂકતે કરી દેશે.
મહાપાલિકા સેવાસદન દ્વારા પૂર્વ અમદાવાદના નગરજનો માટે વીર સાવરકર રમત સંકુલ, ખારીકટ કેનાલ કાયાકલ્પ પાયલોટ પ્રોજેકટ, નવનિર્મિત ઘોડાસર તળાવ અને રૂક્ષ્મણીબેન હોસ્પિટલ વિસ્તૃતિકરણ પ્રકલ્પ, આયુર્વેદ હોસ્પિટલ તેમજ રાજ્ય અનામત પોલીસ દળ માટે આવાસ બેરેકના વિકાસ પ્રોજેકટ મુખ્ય મંત્રી દ્વારા સમર્પિત કરવામાં આવ્યા હતાં.
ખારીકટ કેનાલના કાયાકલ્પના રૂ.65 કરોડના પ્રોજેકટના પાયલોટ પ્રોજેકટ તરીકે પ્રથમ ત્રણ કિ.મી.ના કાયાકલ્પથી આ કેનાલમાં ગંદકી પ્રદુષણમાંથી મુકિત મળી છે અને કોઇ ગંદકી કરશે નહીં તેવો સંકલ્પ મુખ્ય મંત્રીએ નગરજનોને લેવડાવ્યો હતો.
તેમણે સાબરમતી રીવરફ્રંટની જેમ આ 22 કિ.મી. લંબાઇની ખારીકટ કેનાલનો કાયાકલ્પ સ્વર્ણિમ જયંતિ વર્ષમાં પૂર્વ અમદાવાદના 50 વર્ષના દોજખ ખાનાની જગ્યાએ રમણીય પર્યાવરણ સર્જશે તેમ તેમણે જણાવ્યું હતું અને સમગ્ર કેનાલના પાયલોટ પ્રોજેકટમાં પદયાત્રા કરી જનતાનું અભિવાદન કર્યું હતું.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 50 વર્ષના ઇતિહાસમાં વિકાસનું જેટલું બજેટ ખર્ચાયું હતું તેના કરતાં પણ વધારે પાંચ જ વર્ષમાં અમદાવાદ શહેરના વિકાસનું બજેટ વાપરીને આધુનિક કાયાકલ્પ કર્યો છે તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.
દિલ્હીમાં કોમનવેલ્થ ગેઇમ્સના નામે હજ્જારો કરોડના ભ્રષ્ટાચારોનો ભોરિંગ દિન-રાત ખુલી રહ્યો છે અને ભારતની આબરૂ ધૂળધાણી થઇ ગઇ છે ત્યારે અમદાવાદ અને ગુજરાતમાં વીર સાવરકર રમત-ગમત સંકુલનું નિર્માણ કરીને પ્રજાનો પૈસો ઉગી નિકળ્યો છે તેવો સંકલ્પ પુરવાર કર્યો છે તેમ સંતોષપૂર્વક જણાવતાનરેન્દ્રભાઇ મોદીએ પૂર્વ અમદાવાદના વિકાસના નવા નજરાણા અને સાબરમતી રિવરફ્રંટ, કાંકરિયા લેક ડેવલોપમેન્ટ જેવાં જનસુખાકારી અને આર્થિક પ્રગતિના નવા આયામોથી શહેરી વિકાસ ક્ષેત્રે ઐતિહાસિક સિધ્ધિ હાંસલ કરી બતાવી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, ગુજરાત જે રીતે વિકાસની નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે ત્યારે ગુજરાતની પ્રગતિ જોઇ શકતી નથી તેવી કોંગ્રેસે સી.બી.આઇ.ને સોપારી આપી છે. "મોદીનું પત્તુ સાફ કરી દો, ગુજરાતનો વિકાસ રોકો''. પરંતું ગુજરાતની જનતાનો મિજાજ સમજી લેજો. ઇન્દિરાજીના રાજમાં કટોકટીના કાળમાં અત્યાચાર, જુલ્મો થયા ત્યારે આજ જનતાએ સવાયો હિસાબ ચૂકતે કરી દીધો હતો. સી.બી.આઇ.ના જોરે નાચતાં કુદતાં કોંગ્રેસીઓએ સમજી લેવાની જરૂર છે કે ગુજરાતની જનતા આ વખતે પણ હિસાબ ચૂકતે કરી દેશે. ગુજરાતના વિકાસની યાત્રાને રોકવાની મુર્ખામી કરશો નહીં.
પૂર્વ અને પશ્વિમ અમદાવાદના વિકાસની અને સુખાકારીની અસમતુલનની સ્થિતિ બદલી નાંખી છે અને પર્યાવરણ સાથે વિકાસ કર્યો છે તેની ભૂમિકા આપીનરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, શહેરી ગરીબ કલ્યાણ મેળા કરીને ગરીબોના હાથમાં આખે આખો સો પૈસાનો રૂપિયો અમે પહોંચાડયો છે.
અમદાવાદના મેયરકાનાજી ઠાકોરે સ્વાગત પ્રવચનમાં મહાનગરના વિકાસલક્ષી કાર્યોના પ્રોજેકટ નગરને ઉપલબ્ધ કરાવવાની ખુશી વ્યકત કરતાં તેનું સંપૂર્ણ શ્રેય મુખ્ય મંત્રીના દ્રષ્ટિવંત આયોજનને આપ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદના પ્રભારી અને મહેસુલ માર્ગ-મકાન મંત્રી આનંદીબહેન પટેલ, કાયદો અને ન્યાય રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ કિરીટભાઇ સોલંકી, અમદાવાદ શહેરના ધારાસભ્યઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં નગરજનો ઉમટયાં હતાં. મુખ્યમંત્રીના કન્યા કેળવણી નિધી માટે વિવિધ સંગઠનો અને વ્યકિતઓએ ચેક અર્પણ કર્યા હતા. આભાર દર્શન ડેપ્યુટી મેયર કલ્પનાબેન ભટ્ટે કર્યું હતું.