
- કોલેજ રોડ પર મોડી રાત્રે સર્જાયાં દિલધડક દ્રશ્યો
- ૧૫ ટન એસિડ ભરેલું ટેન્કર ઝાડ સાથે અથડાતાં ક્લિનર ફસાઈ ગયો
- બે કલાકના રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયરબ્રિગેડની જીત, કાળની હાર
નડિયાદ કોલેજ રોડ ઉપર બુધવારે મોડી રાતે એસિડ ભરેલું ટેન્કર ઝાડ સાથે અથડાતાં અફડાંતફડી મચી ગઈ હતી. આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે, ક્લિનરનો પગ ઝાડ અને ટેન્કરની વચ્ચે ફસાઇ જતાં રેસ્કયુ ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું. ક્લિનરની કણસતી પીડા વચ્ચે બચાવો, બચાવોની બૂમરાણ અને ટેન્કરમાંથી એસિડની ઉડતી વરાળ વચ્ચે ફાયરબ્રિગેડે ક્લિનરનો જીવ બચાવી લીધો હતો. આ ઘટનાને નજરે નિહાળનારાંઓએ ફિલ્મોમાં જોવા મળતાં દ્રશ્યો જીવંત જોતાં જીવ તાળવે આવી ગયો હતો.
નડિયાદના કોલેજ રોડ પર બુધવારે મોડી રાતે વડોદરાના પાદરાથી પંદર ટન એસિડ ભરેલી દસ વ્હીલવાળી વિશાળ ટેન્કર નં.જી.જે.૧બી.ટી.૮૯૪૩ અમદાવાદ જવા નીકળી હતી. આ ટેન્કર નડિયાદના કોલેજ રોડની નહેર ઊતરીને નીચે આવતું હતું ત્યારે એકાએક ચાલકે કાબૂ ગુમાવતાં ઝાડ સાથે ધડાકાભેર અથડાયું હતું. ચાલક રમેશભાઇ ચંદુભાઇ ઠાકોર સામાન્ય ઇજાઓ સાથે હેમખેમ બહાર આવી ગયા હતા, પરંતુ ક્લિનર અશોકભાઇ પટેલનો એક પગ ઝાડ અને ટેન્કરની વચ્ચે ફસાઇ ગયો હતો. ટેન્કર અથડાતા વાહનમાંથી હાઇડ્રોકલોરિક એસિડના ધુમાડાના ગોટેગોટા ઉડતાં હતા.
બીજી તરફ ક્લિનરની બચાવો બચાવોની ચિચિયારીઓથી આજુબાજુના લોકો ભેગાં થઈ ગયા હતા. તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચેલા બે ફાયર ફાઇટરના જવાનોએ જીવના જોખમે ટેન્કરના પાછળના ભાગના પાટિયાને કાઢી લઇને ક્લિનરને એસિડની વરાળમાંથી ઉગારી લીધા હતા. આ સમયે ઘટના સ્થળે હાજર લોકોએ બાયરબ્રિગેડના જવાનોને તાળીઓ અને જજકાર બોલાવી વધાવી લીધા હતા. ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિસ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ક્લિનર અશોકભાઇ પટેલના પગમાં ભારે ફેકચર હોવાથી બંનેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતા.
એસિડ માઇલ્ડ હોવાથી ઢોળી દેવાશે
ટેન્કરના માલિક અમદાવાદના ભવાની એન્ટરપ્રાઇઝનાં નીતાબહેન હસમુખભાઇ પટેલ દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘પંદર હજાર લિટર એસિડ હવે ઘટના સ્થળે ઢોળી દેવા માટે કાર્યવાહી ગુરૂવારે રાત્રે હાથ ધરાશે. આ એસિડ પશુઆહાર બનાવવા તથા ગ્લેઝેડ ટાઇલ્સ ધોવા માટે વપરાતો માઇલ્ડ એસિડ છે.’ ભારે ટ્રાફિકના કારણે આ કામગીરી રાત્રિના સમયે કરવી વધુ ઉચિત રહેશે, તેવું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું. આ સંદર્ભે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.



