સ્વર્ણિમ ગુજરાત જયંતી વર્ષની ઉજ્વણીના સમાપન તબક્કામાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગુજરાતની વૈશ્વિક યાત્રાની વિસ્તૃત ઝાંખી કરાવતું મેગા પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ સ્વર્ણિમ જયંતી સમારોહને વધુ ભવ્યતા આપવા યોજાયેલા પ્રદર્શનનું તા. ર૯મી એપ્રિલના રોજ સાંજે ૬-૦૦ કલાકે રાજ્યપાલ ર્ડા. કમલાજી, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરશે. આ પ્રદર્શન જાહેર જનતા માટે તા. ૩૦ એપ્રિલ, ર૦૧૧થી તા. ૬ મે, ર૦૧૧ દરમિયાન સાંજે ૪-૦૦થી રાત્રે ૯-૦૦ સુધી ખુલ્લું રહેશે.
તાપી, સાબરમતી અને નર્મદાના નામથી ઊભા કરાયેલા ત્રણ હોલમાં ગુજરાતના વૈશ્વિક વિકાસની ઝાંખી કરાવતું સ્ટોલ્સ પ્રદીર્શત કરવામાં આવ્યા છે અહિં રાજ્યના વિકાસની આગેકૂચ દર્શાવતા જુદા જુદા સ્ટોલ્સમાં રાજ્યને મળેલા ઈનામો, એવોર્ડ, ઔદ્યાગિક વિકાસ, ઊર્જા, શહેરીવિકાસ, ગીફટ, રક્ષાશક્તિ, જ્ઞાનશક્તિ, જળશક્તિ, જનશક્તિ, ઊર્જા શક્તિ, આદિજાતિ વિકાસ, પ્રવાસન, મહિલા અને બાળવિકાસ, બિનનિવાસી ગુજરાતી પ્રભાગ, આરોગ્ય, સરદાર સરોવર નિગમ, કલ્પસર યોજના, જળસંપત્તિ, પાણી પુરવઠા યોજના, વન વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, કૃષિ, પંચાયત, ગ્રામ વિકાસ, યાત્રાધામ વિકાસ અને ઇન્ડેક્ષ-બીના સ્ટોલ્સ છે.
અહીં જુદાં જુદાં જિલ્લાઓના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. પ્રદર્શન મંડપની બહાર સૌર ઊર્જાનગર અને કલા-કારીગરી અને હુન્નર નગર તેમજ ગ્રામોદ્યોગનું જીવંત નિદર્શન પણ થશે. વાંસકામ, મોતીકામ, આરીભરત કામ, લેધરવર્ક, મેરેજ ડેકોરેટીવ આઇટમો, ઇમીટેશન ઝવેલરી, પેચવર્ક જેવી હસ્તકલાઓનું પણ જીવંત નિદર્શન જોવા મળશે.
ગુજરાત માટી કામ કલાકારીગરી બોર્ડ, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના સહયોગ થકી રાજ્યના ગામડાંઓની સંસ્કૃતિ અને હસ્તકલાની વિવિધ બનાવટો અહીં જોવા મળશે.
મુલાકાતીઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત અલ્પાહાર માટેના સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ મેગા પ્રદર્શનના આગળના ભાગે પૂ. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના શિલ્પો, રંગ-બેરંગી ફૂવારા તથા સુવર્ણજયંતીના પ્રતિક એવા વિશાળ કળશનું દશ્ય સુંદર વાતાવરણ ઊભું કરશે.
તમારો અભિપ્રાય
શું ગુજરાત સરકારે રાજ્યના દરેક જિલ્લા મથકે આવા પ્રદર્શનનું ખાસ આયોજન કરવું જોઇએ, જેથી નાગરિકોને ગાંધીનગર સુધી ના આવવું પડે? આ અંગે તમારો અભિપ્રાય અહીં દર્શાવવામાં આવેલા ફીડબેકમાં લખો.