જ્યારે લંડનમાં ચિત્રકારે ભાવનગરના દિવાનને માટે ગાંધીજીનું તૈલચિત્ર બનાવ્યું!
લંડનમાં ભાવનગરનો દબદબો? આનો એક જવાબ પ્રજાસત્તાક દિવસની ઊજવણી સમયે મળી ગયો. આ નગર આજકાલ કેટલીક જન્મશતાબ્દીઓના રંગે રંગાયેલું છે. આંતરરાષટ્રીય પ્રખ્યાત પત્રકાર કૃષ્ણબાલ શ્રીધરાણી જનમ્યા હતા ભાવનગર નજીકના ઉમરાળામાં. ભણ્યા ભાનાભાઇ ભટ્ટથી જાણીતી ધરશાળામાં; દોસ્ત રહ્યાં કવિ પ્રહલાદ પારેખ. (પછીથી બંને ગુજરાતના ગુલમહોરી કવિ તરીકે છવાઇ ગયા.) ભાવનગરથી ગુજરાત વિદ્યાપીઠમાં આવતાં તરુણ કૃષ્ણલાલ ગાંધી - રંગે રંગાયા. 1930ના ઐતિહાસિક દાંડીસત્યાગ્રહના સક્રીય સાક્ષી બન્યા અને 'સપુત' કાવ્યમાં લખ્યું, 'આવવું ન આશ્રમે, મળે ન જો સ્વતંત્રતા!' ગાંધીજીએ તો આ છોકરડાને નારાજ કર્યો; 'આમ કવિતા લખવા કરતાં રેંટિયો કાંતવામાં ગાળ્યો હોત તો?' પછી, છેક અઢાર વર્ષે દિલ્હીમાં પત્રકાર શ્રીધરાણી ગાંધીજીને મળવા ગયા ત્યારે તો ને આંતરરાષ્ટ્રીય સ્તરે કલમનવીશ તરીકે પ્રતિષ્ઠિત થઇ ગયા હતા. 'આવો કૃષ્ણલાલ, તમે તો મોટા માણસને...' બાપુએ આમ કહ્યું અને સારાં ખાદીનાં વસ્ત્રો માટે ખાદીભંડાર પર ચિઠ્ઠીયે લખી આપી!
શ્રીધરાણીનાં શ્રેષ્ઠ વર્ષો અમેરિકામાં વિત્યાં. બર્ટ્રાંટ રસેલ, સમરસેટ મોમ, પર્લ બક, ડી રુઝવેલ્ટ, બ્રૂમફિલ્ડ અને બીજા અનેકોની નજીક રહેલા શ્રીધરાણી વિજયાલક્ષ્મી પંડિતની સાથે અમેરિકામાં પરિભ્રમણ કરીને 'આઝાદી ઇચ્છતાં ભારત'ની સહી તસ્વીર રજૂ કરી રહ્યાં હતા. તે આપણો ભૂલાયેલો ઇતિહાસ છે. 1947 પૂર્વે તેમણે બે મહત્વનાં પુસ્તકો લખ્યાં, અમેરિકામાં છપાયાં અને 'ગાંધીજીને સમજવા માટેનું બાઇબલ' ગણાયાં! આ પુસ્તકો 'માય ઇન્ડિયા, માય અમેરિકા' અને 'વોટ વિધાઉટ વાયોલન્સ'ની અનેક દેશોમાં આવૃતિ છપાઇ, પણ ગુજરાતીમાં હજુ સુધી તેનો અનુવાદ કોઇ પ્રકાશન કે સાહિત્યસંસ્થાને સૂઝ્યો નથી!
સ્વતંત્રતા પછી શ્રીઘરાણી નવી દિલ્હી - નિવાસી રહ્યાં અને 49માં વર્ષે તેમનું અવસાન થયું; ભાવનગરમાં તેમની સ્મૃતિવિશેષ તો ક્યાંય સ્મારક રૂપે નથી પણ પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ 'ભાવ સભર ભાવનગર' કાર્યક્રમમાં તેમનું લખેલું એક રમણીય ગીત ગૂંજતું રહ્યું: 'આવ્યું આવ્યું રે ગુજરાત, સોરઠ કરે સામૈયું!'
શ્રીધરાણી જે રાજ્યની છાત્રવૃત્તિ લઇને કોલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વ અને સમાજશાસ્ત્રમાં પી.એચ.ડી. થયા, તે રાજવી કૃષ્ણકુમાર સિંહની યે આ જન્મશતાબ્દી છે! 'ભાવેણા' નગરની શાન અને બાનના એ નિર્માતા હતા. દેશ આખામાં પહેલવેલા "પ્રજા ધારાસભા"અને "પંચાયત રાજ"અહીં જ સ્થપાયેલાં. આરોગ્ય, શિક્ષણ, રસ્તા, ખેતી અને વ્યાપારમાં ભાવનગર આગળ રહ્યું. કૃષ્ણકુમાર સિંહે અહીંની 'ગીર ગાય' બ્રાઝિલને ભેટ આપી તો આજે સ્થિતિ એવી છે કે બ્રાઝિલ ડેરી ઉધોગમાં સર્વશ્રેષ્ઠ છે. કૃષ્ણકુમાર સિંહની એક સુંદર પ્રતિમા બ્રાઝિલના નગર - ચોકમાં શોભે છે. ગુજરાત કરતાં ત્યાં ગીર ગાયોની સંખ્યા અને સાચવણી વધારે!!
કૃષ્ણકુમાર સિંહ કે ભાવનગરના સ્થાપક રાજવી ભાવસિંહજી ગોહિલ કે અત્યારે પણ પ્રકૃતિવિદ્ તરીકે જાણીતા શિવભદ્રસિંહજી ગોહિલ: બધાંની પોતાની ઓળખ છે; માત્ર રાજવી તરીકેની નહીં, નિષ્ણાત તરીકેની યે! સૌરાષ્ટ્ર - એટલે કે 1947 પહેલાનું કાઠિયાવાડ - માં 202 રજવાડાંઓમાં 'ગોહિલ વાડ' (હાલનો ભાવનગર જિલ્લો) ઉત્તમ શાસન માટે જાણીતું હતું. અહીં મુસ્લિમ સમાજના વિકાસને માટે શરૂઆતથી જ કામગીરી રહી એટલે ભાવનગરમાં મુસ્લિમ વસતિનું પ્રમાણ ઘણું મોટું છે.
1947માં ભારત સ્વતંત્રતા સમયે જૂનાગઢ - માણાવદરના નવાબોએ તો પાકિસ્તાનની સાથે જોડાવાની જાહેરાત કરી દીધેલી, ત્યારે જ ભાવનગર રાજવી ગાંધીજીની પાસે ગયા, પોતાનું રાજ્ય ચરણે ધરીને કહ્યું; 'બાપુ, ભારતના એક ભાગલા થયા, બીજા થવા દેવા નથી...' ભારતમાં વિલીનીકરણની ઘોષણા કરવામાં આ રાજ્ય સર્વપ્રથમ રહ્યું.
...અને પ્રભાશંકર પટ્ટણી? એ હતા રાજ્યના વિચક્ષણ દિવાન - નાગર પરંપરામાં શાસન - ભક્તિ અને વહીવટ કૌશલ્ય હોય છે તે પૂરેપૂરાં ઉતરેલાં. સફેદ દાઢીધારી દિવાન કવિ પણ હતા! 'ઉધાડી રાખજે બારી' તેમની કવિતા એ સમયનો દેશ નાટક મંડળીનાં નાટકોમાં અચૂક ગવાતી અને 'દુબારા'નું માન મેળવતી!
પ્રભાશંકર પટ્ટણીની ગાંધીજીની સાથે મૈત્રી હતી. 1930ની દાંડીકૂચ શરૂ થઇ તે પહેલાંની સાંજે પટ્ટણી સાબરમતી આશ્રમમાં તેમને મળ્યાં હતા. ગોળમેજી પરિષદ લંડનમાં થઇ ત્યારે રાજરવાડાંઓના પ્રતિનિધિઓમાંના એક પ્રભાશંકર પણ ખરા.
લંડનમાં તેમણે એક પ્રયોગ કર્યો, તે ગાંધીજીનું તૈલચિત્ર બનાવડાવવાનો! સર ઓસ્વાલ્ડ બિર્લિ ઇંગ્લેન્ડનો જાણીતો ચિત્રકાર હતો. પ્રભાશંકર પટ્ટણીએ કહ્યું કે ગાંધીજીનું ચિત્ર દોરવું છે. ચિત્રકાર કહે: 'તેને માટે તેમણે બેઠક (સિટીંગ) આપવી પડે.' 'કેટલા દિવસ?' 'આઠ દિવસ, એક ક્લાક માટે.' પટ્ટણીએ ગાંધીજીને મન આ 'નિરર્થક કામ' માટે ય મનાવી લીધા. ગાંધી આઠ દિવસ સ્ટુડિયોમાં આવે, બેસે, ચિત્રકાર રંગરેખાથી તેમનું ચિત્ર સજાવે!
અંતે તે ચિત્ર તૈયાર પણ થયું પ્રભાશંકર પોતાની સાથે ભાવનગર લઇ ગયા. તેમણે ધાર્યું હોત તો ભાવનગરની શામળદાસ કોલેજના પૂર્વ વિદ્યાર્થી ગાંધીજી આ ચિત્ર ભાવનગરમાં ક્યાંક સ્થાપિત કર્યું હોત! પરંતુ તેમની ઇચ્છા તો હતી, ભારત આઝાદ થાય ત્યારે તેની એસેંબલી (સંસદ)માં મૂકાવવાની! પટ્ટણીની એ ઈચ્છા પણ પૂરી થઇ. 1950માં સંસદગૃહમાં શોભતું ગાંધી - ચિત્ર લંડનના ચિત્રકારના હસ્તે દોરાયેલું છે.. અને ભાવનગરની તે દેશના સંસદસભ્યોને ભેટ છે!
એવું સ્થાપિત થયું છે કે શિષ્ટ ગુજરાતી ભાષના બે મોટાં પ્રારંભિક સ્થાનો - ભાવનગર અને વઢવાણ - હતાં.. અહીં કવિ, સંગીતકાર, નૃત્યકાર, ચિત્રકાર, અભિનેતા, શિક્ષક... એમ તરેહવારની પ્રતિભાશક્તિ પડી છે. યાદી કરવા જઇએ તો થાકી જવાય એટલાં નામ હોઠે અડે! આજે તો જો કે વણેલા ગાંઠિયા અને મરચાંની મોજ સાથે આ નામવલિ યાદ કરવાનું ભાવનગરનિવાસી સાવ ભૂખ્યો નથી! 'ભાવેણું' છે, ભઇ!!