દેવકા દરિયા કિનારે સાડા પાંચ વર્ષ પહેલા દહાણુના મહેશ સુરતીએ પોતાની બે પુત્રીઓની હત્યા કરી દાટી દીધી હતી
દહાણુના એક ઇસમે પાંચ વર્ષ પહેલાં તેની બે દીકરીને દમણના દેવકા દરિયા કિનારે લાવી ગળું દબાવી હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જે કેસનો ચુકાદો દમણ કોર્ટમાં સોમવારે આવતાં ન્યાયાધીશ એ.જે.રોહીએ આરોપીને આજીવન કેદની સજા કરતો હુકમ કર્યો હતો.
ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્ર રાજ્યના દહાણુ ગામના મહેશ સુરતી ગત ૨પ એપ્રિલ ૨૦૦૬ના રોજ તેની દીકરી દિવ્યા ઉ. વ. ૮ અને નિશા ઉ.વ. પ ને મહાલક્ષ્મી મંદિરની જાત્રા કરીને લાવું છું એમ તેની પત્નીને કહીને લઇ ગયો હતો. દિવ્યા અને નિશાને લઇ મહેશ દમણ આવ્યો હતો. દેવકા દરિયા કિનારે રાત્રી દરમિયાન બન્નેનું ગળું દબાવીને હત્યા કરી ખાડો ખોદીને બન્નેની લાશને એક ઉપર એક મુકી દાટી દીધી હતી.
આ અંગે બન્ને પુત્રીઓની માતાએ દમણ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ પીઆઇ એન.એલ.રોહિતને સોંપવામાં આવી હતી. આ કેસ અંગે પિતા મહેશની પૂછપરછ કરતા તેણેજ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે આરોપી પિતા મહેશ સુરતીની ધરપકડ કરી હતી. આ કેસમાં સોમવારે ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટના ન્યાયાધીશ એ.જે. રોહીએ આરોપી મહેશ સુરતીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.