દમણના અગ્રણી અને સ્વાતંત્રય સેનાની લલ્લુભાઇ જોગી પટેલની ૭૦ વર્ષીય પત્નીની ગુરુવારે રાત્રીના સુમારે નાનીદમણ દેવકામાર્ગ ઉપર આવેલા મરવડ ખાતેના તેમના બંગલામાં સૌથી નાના પુત્રેે મિલકત અને રૂપિયાની માગણી ન સંતોષતા તીક્ષ્ણ હથિયારથી ઠંડા કલેજે હત્યા કરી હતી.
સંઘપ્રદેશ નાનીદમણના અગ્રણી અને સ્વાતંત્રય સેનાની લલ્લુભાઇ જોગી પટેલની પત્ની ચંપાબેન પટેલની ગુરુવારે તેમના બંગલામાં જ ઘરના તમામ સભ્યોની ઉપસ્થિતીમાં છરા જેવા તીક્ષ્ણ હથિયારથી છાતી તથા પેટના ભાગે ઉપરાછાપરી ઘા મારી ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હતી. ઘરના નોકરે શુકવારે સવારે ૬ કલાકે વૃધ્ધ ચંપાબેનને બંગલાના બીજા માળે પોતાના બેડરૂમમાં લોહીલુહાણ હાલતમાં જોતા મામલો પ્રકાશમાં આવ્યો હતો.હત્યા થઇ ત્યારે ભોગ બનાર ચંપાબેનના પતિ લલ્લુભાઇ જોગી, બંગલાના નીચેના ભાગમાં સુતા હતા. તેમનો પુત્ર સંદીપ અને તેમની પત્ની ઉપરના માળે સુતા હતા.
ઘરનો એક નોકર અને વોચમેન પણ ઉપસ્થિત હતા.બનાવની જાણ થતા જ દમણના ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.પોલીસે એફએસએલની ટીમ અને ફિંગર પ્રિન્ટના નિષ્ણાતની ટીમ બોલાવી હત્યારા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. હત્યા કર્યા બાદ આરોપી બંગલાના બીજા માળ સુધી લોહીલુહાણવાળા કપડાં સાથે ફર્યો હતો, જેના કારણે ત્રણ રૂમમાં લોહીના ડાઘા જોવા મળ્યા હતા.
ચંપાબેનને એક રુમમાં થી બીજા રુમમાં લઇ જઇને શરીર ઉપર ખાસ કરીને ગળાના ભાગે, છાતીના ભાગે, હાથના ભાગે, પાછળ બરડાના ભાગે તીક્ષ્ણ હથિયારના અસંખ્ય વાર મારવામાં આવ્યા હતા. હત્યાની માહિતી મળતા આઇજી મુક્તેશચંદ્ર, એસપી ઉપાધ્યાય, સીઓપી કપુર સિંગ તથા પોલીસ ફોજે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે કરેલી તપાસમાં આખરે લલ્લુ જોગી પટેલના સૌથી નાના પુત્ર સંદીપે મળસ્કે પોતાની વૃધ્ધ જનેતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
સંદીપની કબૂલાતના આધારે દમણ પોલીસે ચંપાબેનની હત્યામાં પુત્ર સંદીપની ધરપકડ કરી હતી. હાલમાં લલ્લુ જોગીએ વેચેલી જમીનના કરોડો રૂપિયા ચંપાબેનના ખાતામાં જમા હોવાથી આ રૂપિયાની માગણી કરવામાં આવતી હતી. બિઝનેશ અથવા કન્સ્ટ્રકશન લાઇન શરૂ કરવા માટે રૂપિયાની માગણી ન સંતોષાતા આખરે પુત્ર સંદીપે પોતાની માતાનું કાસળ કાઢી નાંખવાની યોજના બનાવી ગુરૂવારે રાત્રે તેને અંજામ આપ્યો હતો. પુત્રના હાથે જ માતાની થયેલી હત્યાના પગલે દમણમાં ચકચાર મચી ગઈ હતી.
છરો અને લોહીવાળા કપડાં અભેરાઇમાં સંતાડી બિન્દાસ બંગલામાં ફર્યો
માતાના લોહી માટે તરસ્યો બનેલા પુત્રેે હત્યા કર્યા બાદ આખા બંગલામાં બિન્દાસ કોઇ રાક્ષસને પણ શરમાવે તે રીતે ફર્યો હતો. નીચેના રૂમમાં હત્યા કરી છેક બીજા માળ સુધી ફરીને આખરે લોહીવાળા કપડા ંબદલીને તથા હત્યામાં વપરાયેલો છરો અભેરાઇએ ચઢાવી દઇ નચિંત બની ગયો હતો.
ભાઇના આપઘાત પછી અમેરિકાથી પરત આવી દમણ સ્થાયી થયો
લલ્લુ જોગીના બે પુત્રો અમેરિકામાં સ્થાયી થયા હતા. જોકે, અઢી વર્ષ અગાઉ એક પુત્ર નામે દિલીપે કોઇક કારણોસર પોતાની જાતે રિવોલ્વરથી ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો. આ આપઘાત પછી લલ્લુ જોગીનો સૌથી નાનો પુત્ર સંદીપ પટેલ પણ પરત દમણ આવી સ્થાયી થયો હતો.
ત્રણ પૈકી બે પુત્રના અવસાનથી સંદીપ એક માત્ર વારસદાર હતો
લલ્લુ જોગીએ દમણ અને આજુબાજુના વિસ્તારમાં અબજો રૂપિયાની જમીન વસાવી હતી. ત્રણ પુત્ર પૈકી સૌથી મોટા પુત્રનું વર્ષો અગાઉ દમણમાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે અઢી વર્ષ પહેલા વચલા પુત્ર દિલીપે અમેરિકામાં આપધાત કર્યો હતો. આમ હાલ સંદીપ એકમાત્ર લલ્લુ જોગી પટેલનો વારસદાર હતો.
સોફટવેર એન્જિનિયર સંદીપ બન્યો જનેતાનો હત્યારો
૭૦ વર્ષીય વૃધ્ધ માતાની હત્યા કરનાર ૩૫ વર્ષીય સંદીપ પટેલ અમેરિકામાં સોફટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. સંદીપે અમેરિકામાં જ રહેતી ગુજરાતી યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે, અણબનાવના કારણે છુટાછેડા થઇ ગયા હતા. આમ સોફટવેબ ડીઝાઇન કરનાર સંદીપ આજે માતાની હત્યાનો આરોપી બની જેલની હવા ખાઇ રહયો છે.