બનાસકાંઠા જિલ્લાના છેવાડે રણના વિશાળ પટ માભોમને રક્ષતા સૈનિકો અને શ્રધ્ધાળુઓથી ઉભરાતો આ રણદ્વિપ ભકિત અને શકિતનો સુભગ સમન્વય છે. વાવ તાલુકાના સુઇગામથી ૨૦ કી.મી. દુર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ નડાબેટ લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. દર વર્ષ ચૈત્ર નોમના દિવસે ભરાતા આ મેળામાં હજારો યાત્રિકો નડેશ્વરી માતાના દર્શને ઉમટી પડે છે. નડાબેટ નજીક આવેલા બી.એસ.એફ.કેમ્પના જવાનો પણ શ્રધ્ધાથી માતાજીની પુજા-આરાધના કરે છે. એક દંતકથા મુજબ જુનાગઢના રાજા નવધણે પોતાના વિશાળ લશ્કરી કાફલા સાથે પોતાની બહેન જાસલને સિંધના મુસલમાન રાજાની કેદમાંથી છોડાવવા આક્રમણ કરેલ ત્યારે અહીંથી પસાર થતાં નડાબેટ મુકામે મુકામ કર્યો હોવાનો ઉલ્લેખ છે. તે વખતે ચારણ કન્યાએ લશ્કરી કાફલાને જમાડી રણનો સલામત રસ્તો બતાવી વિજયના આશીર્વાદ આપેલા. આ ચારણ કન્યા શ્રી નડેશ્વરી માતાજી તરીકે પુજાય છે. નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે. આઝાદી પહેલાં નડાબેટની ખુબજ જાહોજલાલી હતી. પુષ્કળ ખડીધાસ થતું. જાગીરદારો તથા માલધારીઓ અહીં રહેતા. કુદરતી ઝરણાં વહયા કરતા હતા. દુષ્કાળના વખતમાં લોકો સિંધ પ્રદેશ તરફ મજુરી માટે જતા ત્યારે નડેશ્વરી માતાને વંદન કરીને પ્રસાદી ચડાવીને જતાં. નડેશ્વરી માતાજીના મંદિરની બાજુએ ગૌશાળા આવેલ છે. ડાબી બાજુ જતાં બી.એસ.એફ.નો કેમ્પ આવેલો છે. મંદિરમાં ઉત્તર દિશામાં હનુમાનજીની મુર્તિનુ મંદિર આવેલું છે. આ ભુમિ ઉપર ઘણા સંતોએ તપ કરેલ છે માટે પવિત્ર ભૂમિ કહેવામાં આવે છે.