-મેઘાણીએ ધરપકડનો વિરોધ ન નોંધાવ્યો -મેઘાણીની પ્રાર્થના સાંભળી કોર્ટમાં હાજર મેદની ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી -જેલમાં મેઘાણી સરદાર પટેલ, નાનાભાઈ ભટ્ટ અને અમૃતલાલ શેઠના સંપર્કમાં રહ્યાં -જેલમાં કેદીઓની મુલાકાતે આવતા લોકો પરથી 'જેલ ઓફિસની બારી' પુસ્તક લખ્યું
1930ના ભારતના સત્યાગ્રહ-સંગ્રામના બુંગિયા વાગ્યા. દાંડીકૂચનો કાર્યક્રમ આવ્યો. અમૃતલાલ શેઠ ને મિત્રમંડળ એ કાર્યક્રમ માટે ઉપડ્યું. હોંશભેર મેઘાણીભાઈએ 'સૌરાષ્ટ્ર' કાર્યાલય સંભાળી લીધું. સત્યાગ્રહ-યુદ્ધની છાવણીઓમાં પણ ઘુમવા માંડ્યુ. પોલીસ ઈન્સ્પેક્ટર પઠાણે જોધાણીને બદલે મેઘાણી પર વોરંટ બજાવી ગિરફ્તાર કર્યા. ચોખવટ કરે તો મેઘાણીભાઈ શાના ? મેઘાણીભાઈએ બચાવ ન કરતા જણાવ્યું "તમારાથી મને ફાંસીના માંચડાની ભેટ થઈ શકતી હોય તો હું તેને વધાવી લેવાને પણ તૈયાર છું. એ ભેટનું હું મારુ પરમ સૌભાગ્ય સમજીશ."અદાલતમાં ન્યાયાધીશ ઈશાણીની રજા લઈ મેઘાણીએ એક પ્રાર્થના ગાઈ...
"હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમભય કથાઓ, મરેલાંના રૂધિષ ને જીવતાંના આંસુડાઓ, સમર્પણ એ સહ તારે કદમ પ્યારા પ્રભુ ઓ ! નથી જાણ્યું અમારે પંથી શી આફત ખડી છે, ખબર છે આટલી કે માતની હાકલ પડી છે, જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે, ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે."
કોર્ટમાં હાજર મેદની તો ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી. ન્યાયાધીશની આંખ પણ ભીની થઈ. મેઘાણીભાઈને બે વરસની સજા મળી. સાબરમતી જેલમાં લઈ ગયા. સરદાર પટેલ, માવલંકર સાહેબ, અમૃતલાલ શેઠ, દરબાર ગોપાલદાસ, નાનાભાઈ ભટ્ટ અને કેટલાયે નેતાઓ જેલમાં સાથે હતા.
મેઘાણીભાઈએ ઘરખર્ચની અગાઉથી તૈયારી કરી ન હતી. જેલમાં જવાની તૈયારી પણ નહોતી, પણ અચાનક પરિસ્થિતિ આવી પડી તો સ્વીકારી પણ લીધી. જેલમાં વાચન-સર્જન ચાલુ રહ્યું. વખત ગાળવા તેઓ જેલરને મદદ કરવા માંડ્યા. જાતભાતના કેદીઓને મળવા આવતા મુલાકાતીઓની વાતો સાંભળીને એમને પ્રેરણા મળી અને ગુજરાતને પાછળથી 'જેલ ઓફિસની બારી' નામની લેખમાળા અને પછી પુસ્તક મળ્યાં.