એક યુવતી અને ત્રણ યુવાને ભાડુઆતને મારમારી બાંધી દીધો
નાની દમણ ખારીવાડના કોળીવાડ વિસ્તારમાં નિકેતન રેસીડેન્સી કોમ્પ્લેકસના એક ફલેટમાં ગુરુવારે બપોરે એક યુવતી, બે યુવાન અને એક આધેડ સહિત ચાર લૂંટારુઓએ ફલેટમાં રહેતા ભાડુઆતને ઢોર મારમારી તિજોરીમાંથી રોકડા ૯પ હજાર અને ૨.પ કિલો સોનાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવની શુકવારે દમણ પોલીસમાં ફરિયાદ નોંધતા પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી છે. દમણ પોલીસે વલસાડ એફએસએલની મદદ લઈ ઘટનાના મૂળ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો અને ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ નાની દમણના કોળીવાડ િવસ્તારમાં નિકેતન રેસીડેન્સી કોપ્લેક્ષના ૩૦૨ ફલેટમાં રહેતા નવિનભાઇ ગજાનંદ પરમાર ઉંમર ૪પ વર્ષ જેઓ છેલ્લા ૩૦ વર્ષથી સોનું લઇને વ્યાજ ઉપર નાણા ધીરાણ કરીને લે-વેચનો ધંધા કરતા હતા,પરંતુ એકાદ વર્ષથી તેઓએ આ ધંધો બંધ કરી દીધો હતો. આ ફલેટમાં તેઓ એકલા રહેતા હતા. તેમનું ફીશ ટેન્ક વેચવાનું હોય તેમના મોબાઇલ ઉપર એક મહિલાના અવાજમાં કોઇએ હિન્દીમાં વાત કરી હતી. આ ફીશ ટેન્કનો રૂ.૨૦ હજારમાં સોદો કરી દેવાયો હતો.
જેથી ફીશ ટેન્ક જોવા માટે એક યુવતી અને એક યુવાન આવ્યા બાદ થોડાસમય પછી અન્ય એક યુવાન અને એક આધેડ આવી નવીનભાઇને મારમારી હાથ-પગ બાંધી દીધા હતા. લૂંટારુઆએ ઘરમાં વેરવિખેર કરી તિજોરીમાં ૯પ હજાર રોકડા અને ૨.પ કિલો સોનું લઇને ફરાર થઇ ગયા હતા.નવીનભાઇએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં દમણ પોલીસે વલસાડ એફએસએલની પણ મદદ લઈ વધુ તપાસ શરૂ કરી છે.