ચક્કર આવતા હોવાથી બોટને ચપ્પૂ નહીં મરાતા માલિકે ભારે ત્રાસ આપ્યો
શરીર ઉપર ડામ આપી પટ્ટાથી માર મરાયો, પાણીમાં માથુ ડૂબાડી દેવાયું
દમણ પરત ફરેલા ખલાસીને મરવડ હોસ્પિટલમાં દાખલ કરાયો
દમણમાં મચ્છીમારી માટે ગયેલી એક બોટમાં અચાનક એક ખલાસીની તબીયત બગડી ગઇ હોવાથી તેને ચકકર આવ્યા હતા. જેના કારણે તેનાથી બોટને ચપ્પુ નહીં મરાતા બોટના માલિકે તેના પર અત્યાચાર કર્યો હતો. તેના શરીરને ઉપર ડામ આપી પટ્ટાના વડે માર માર્યો હતો. આ ઉપરાંત દરિયાના પાણીમાં મોઢાને ડુબાડીને તેની સાથે ઘણો અત્યાચાર કર્યો હતો. હાલમાં તેને સારવાર માટે દમણની મરવડ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેને આ તમામ સાચી હકીકત જણાવી હતી.
નાની દમણના છપરી શેરીની બાજુમાં ફકીરજા શેરીમાં રહેતા લલ્લુભાઇ(૫૦) ટંડેલની બોટમાં ખલાસીના કામ માટે મચ્છીમારી કરવા ગયા હતા. આ દરમિયાન ૯મી તારીખે તેની તબિયત અચાનક બગડી જતા મધદરિયે તેને ચકકર આવ્યા હતા. જેના કારણે લલ્લુભાઈથી બોટને ચપ્પુ નહીં લગાડી શકાતા તે આરામ કરી રહ્યો હતો. દરમિયાન બોટના માલિકે લલ્લુભાઇના શરીરના પર અસંખ્ય ડામ આપ્યા હતા. આ ઓછુ હોય તો તેમાં તેને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો. આ રીતે અમાનવીય વ્યવહાર બાદ તેનું મોઢું પાણીમાં ડુબાડીને ત્રાસ અપાયો હતો. સોમવારે સવારે તેઓની બોટ પરત દમણ ફરતા આ ખલાસીને તાત્કાલીક તેના પરિવાર દ્વારા સારવાર માટે મરવડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યાં તેને સારવાર આપવામાં આવી રહી છે.
દમણમાં આ ઘટનાની ખબર પડતા માછીમાર સમુદાયમાં આ બોટના માલિક સામે ભારે રોષની લાગણી પેદા થઈ હતી. માછીમાર સમાજના આગેવાનો આવા બેરહેમ માલિકની સામે મેદાનમાં આવે તેવું ભોગ બનેલા ખલાસીના પરિવારજનો ઈચ્છી રહ્યા છે. જો કે, આ પરિવારની આર્થિક હાલત ખૂબ ખરાબ હોવાથી તે પોતે લડી શકે તેમ નથી.