Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Gujarat's Heritage
 

દિલ્હીના બાદશાહો પણ આ અમદાવાદીનો પડ્યો બોલ ઝીલતા

 
Source: Dr. Rizwan Kadri   |   Last Updated 9:43 PM [IST](01/09/2011)
 
 
 
 
 
અમદાવાદના પહેલા નગરશેઠ-શાંતિદાસ ઝવેરી

એક અમદાવાદીને બાદશાહ અકબરની બેગમ ભાઈ માને અને નગરશેઠની ઉપાધી અપાવે છે. બાદશાહ જહાંગીર તેને ‘ઝવેરી મામુજાન’ કહીને માનથી આવકારે. ઔરંગઝેબે કરેલા ક્રુત્ય માટે ખુદ શાહજહાં દિલગીરી વ્યક્ત કરે અને તે ભૂલ સુધારવા ફરમાન કરે છે. એક વખતે ભૂલ કરનાર ખૂદ ઐરંગઝેબે પાલીતાણ, ગિરનાર અને આબુના જૈન તીર્થો અંગે ફરમાન આપીને બિરદાવ્યા હતા. આ અમદાવાદીને દિલ્હીમાં કોયડાઓ ઉકેલવા માટે બોલાવવામાં આવતો. એની સલાહ લેવામાં આવતી અને એનો પડ્યો બોલ ઝીલી લેવામાં આવતો. આ અમદાવાદી માત્ર વેપાર કરીને ધન ભેગું કરતો ન હતો, પરંતું તે ધનનો સમાજ પાછળ પણ તેટલો જ ઉપયોગ કરતો હતો. આ અમદાવાદીની વેપારી પેઢીઓ તો સમગ્ર દેશમાં ફેલાયેલી હતી અને તેણે જ અમદાવાદમાં ઝવેરીવાડની સ્થાપના કરી હતી. આ છે અમદાવાદના સર્વપ્રથમ નગરરોડ શાંતિદાસ ઝવેરી.

શેઠ શાંતિદાસ અને એમના વંશજો ઓસવાળ વણિક તરીકે ઓળખાય છે, પરંતું એમના અસલ વડવાઓ મેવાડના શુદ્ધ સિસોદીયા રાજપૂતમાંથી ઉતરી આવેલા છે એમ માનવામાં આવે છે. શાંતિદાસના પિતાનું નામ સહસ્ત્રકિરણ હતું અને દાદાનું નામ વત્સા શેઠ હતું. વત્સા શેઠના પિતા હરપાલ શેઠ સિસોદીયા વંશના મેવાડના રાજાના સગાં થાતા હતા, પરંતુ હરપાલ શેઠે જૈન ધર્મ અંગીકાર કરી ક્ષત્રિયોનો ધંધો છોડી વેપાર કરવા માંડતા એમના કુટુંબીજનો ઓસવાળ જ્ઞાતિમાં ભણ્યા. શાંતિદાસનો જન્મ ચોક્કસ ક્યારે થયો તે ખબર નથી, પરંતુ અકબરના સમયમાં થયો હતો તેમ માનવામાં આવે છે. શાંતિદાસને બાદશાહ અકબર સાથે પણ કૌટુંબિક સંબંધો હતા.

એક વખતે અકબરની બેગમ રિસાઈને દિલ્હીથી અમદાવાદ આવી ત્યારે શેઠ શાંતિદાસે એક સગો ભાઈ જે રીતે પોતાની બહેનને સાચવે છે, આગતા-સ્વાગતા કરે છે, તેવો બાદશાહની બેગમ સાથે વ્યવહાર કર્યો. આથી બાદશાહની બેગમ ખૂબ જ ખુશ થઈ અને શાંતિદાસને ભાઈ માનવા લાગી. ભાઈ પોતાની બહેનને સમજાવીને વિદાય કરે છે તે સમયે ભેટ સોગાદો આપે છે તેમ શાંતિદાસે કિંમતી રત્નજડીત કંકણો બેગમને આપ્યા. પોતાની માતાને લેવા આવેલા શાહજાદા જહાંગીર સાથે બેગમે શાંતિદાસની ઓળખાણ પોતાના ‘ભાઈ’ તરીકે કરાવી ત્યારથી દિલ્હીના બાદશાહી કુટુંબમાં શાંતિદાસ ‘ઝવેરીમામા’ તરીકે ઓળખવા લાગ્યા.

રૂઠેલી બેગમ દિલ્હી પહોંચી ત્યારે તેણે બાદશાહ અકબરને પોતાના માનેલા ભાઈ શાંતિદાસની, તેમની આગતા-સ્વાગતાની, ધર્મ પરાયણતાની અને ઈમાનદારીની વાત કરી. આથી બાદશાહ ખૂબ જ ખુશ થઈ ગયો અને તેણે શાંતિદાસની દિલ્હી દરબારમાં પ્રથમ પંક્તિના અમીર તરીકે નિમણૂંક કરી તથા અમદાવાદના નગરશેઠ તરીકે સ્થાપિત કરવાનો હુકમ કર્યો. શેઠ શાંતિદાસ ઝવેરીને નગરશેઠ પદ અકબર, જહાંગીર કે શાહજહાંના સમયે મળ્યું તે અંગે વિદ્વાનોમાં મતભેદ છે.

શેઠ શાંતિદાસની સફળતા માટે ચિંતામણી મંત્રની કરેલી અંગે જુદા જુદા સમયે લખવામાં આવેલા જુદા જુદા ગ્રંથોમાં ભિન્ન ભિન્નઘટનાઓ લખવામાં આવેલી છે.

એક ગ્રંથ જૈન ઐતિહાસિક રાસમાળામાં લખ્યું છે કે સુરતમાં કોઈ એક શાંતિદાસ રહેતા હતા અને તેમને પુત્ર ન હોવાથી તેમના ગુરૂએ આરાધના શરૂ કરી. આ આરાધના જે દિવસે પૂરી થઈ તે દિવસે અમદાવાદના શાંતિદાસ યોગાનુયોગ સુરત જાય છે. અને તે ગુરૂ અમદાવાદના શાંતિદાસને સુરતના શાંતિદાસ માની મંત્ર સાધવા બેસાડે છે. આ રીતે અમદાવાદના શાંતિદાસને મંત્રનું ફળ મળે છે. અને અઢળક ધનનો સ્વામી બને છે.

તો મગનલાલ વખતચંદ તેમના ગ્રંથ અમદાવાદનો ઈતિહાસમાં જણાવે છે કે દિલ્હી પાસેના એક ગામમાં શાંતિદાસ નામના શેઠને ત્યાં નોકર પણ શાંતિદાસ હોવાનું જણાવે છે. આ શેઠ શાંતિદાસની સેવાથી ખુશ થઈને એક જોગી પેલા નોકર શાંતિદાસને શેઠ સમજી તૈયાર થયેલો મંત્ર આપી દે છે. અને કહે છે કે તું તથા તારી પેઢીમાં કોઈ નાગો ભૂખ્યો નહીં રહે.

પરંતુ આ વાત નિશ્ચિત છે કે શાંતિદાસ સામાન્ય માણસમાંથી સફળતાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચ્યા જરૂર હતા. તે મંત્રની સિદ્ધિના પ્રતાપે કે પોતાને આવડતના પ્રતાપે કે ભાગ્યના પ્રતાપે અથવા એમના ઘનિષ્ઠ રાજદ્વારી સંબંધોને લીધે? જે કંઈ પણ કારણ હોય, પરંતુ તેઓ અને તેમના આજના વારસો પોતાની સંપત્તિનો ઉપયોગ સદકાર્યોમાં કરતાં જ રહ્યાં. આજ કારણથી શેઠ શાતિદાસ ઝવેરીએ અમદાવાદમાં ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યું હતું અને તેનું વર્ણન જર્મન મુસાફર આલબર્ટ ડી.મન્ડેલસ્લોએ પોતાની પ્રવાસીનોંધમાં કર્યું છે. શેઠ શાંતિદાસના બુધ્ધિચાતુર્યના આપણને અનેક પ્રસંગો જોવા મળે છે.

એક વખતે અકબરે પોતાના દરબારમાં ઝવેરીઓ સમક્ષ એક અમૂલ્ય હીરાની કિંમત કરવાનો પડકાર ફેંક્યો. દરબારના જૂના ઝવેરીઓ ચૂપચાપ બેઠા રહ્યા ત્યારે શાંતિદાસ નામના નવા સવા યુવાને વેપારીએ વિવિધ ગ્રંથોના આધાર લઇ યોગ્ય ચકાસણી કરી હીરાની કિંમત કહેતા બાદશાહ ખુશ થઈ ગયો. તેણે આ યુવાન અમદાવાદી વેપારીને બાદશાહી ઝવેરીનું બિરૂદ આપ્યું.

મગનલાલ વખતચંદે તેમના ગ્રંથમાં શાંતિદાસના જીવનના એક પ્રસંગમાં બાદશાહનું નામ લખ્યા વગર શાંતિદાસની ચતુરાઇનું એક ઉદાહરણ આપ્યું છે. તે મુજબ દિલ્હીના બાદશાહે રાજદરબારના ઝવેરીઓને બોલાવીને હુકમ કરેલ કે આ ઝવેરાતનું પારખું કરો અથવા પ્રાણદંડની સજા ભોગવો. આથી ઝવેરીઓએ બાદશાહ પાસેથી એક દિવસની મુદત લીધી. અને તે ઝવેરાતની કિંમત કરી શકે તેવી વ્યક્તિની શોધ શરૂ કરી અને મળ્યા અમદાવાદના વેપારી શાંતિદાસને. બીજે દિવસે શાંતિદાસે દરબારમાં બાદશાહના ઝવેરાતમાં જીવડું હોવાનું જણાવતા સન્નાટો ફેલાઇ ગયો અને બાદશાહે ઝવેરાત તોડવાનો હુકમ કર્યો. ઝવેરાત તોડતા તેમાંથી જીવડાનો કટકો નીકળતા બાદશાદ શાંતિદાસ પર વારી ગયો અને સન્માન કર્યું.

શાંતિદાસ પોતે માત્ર બુધ્ધિશાળી વેપારી જ ન હતા, પરંતુ હાજરજવાબી પણ હતા. આ વાતનું દ્રષ્ટાંત આપણને આ પ્રસંગ પરથી મળે છે.

એક વખતે બાદશાહ જહાંગીરે પોતાના દરબારીઓને કહ્યું, મારી કિંમત કરો. દરબારીઓ ગભરાયા અને કહ્યું, કિંમત તો ઝવેરીઓ કરે માટે ઝવેરીઓને બોલાવો. આથી બાદશાહે ઝવેરીઓને બોલાવ્યા. ઝવેરીઓ પણ હવે ફસાઇ ગયા હતા. તેમણે બાદશાહને કહ્યું, જહાંપનાહ આપની કિંમત નક્કી કરવા માટે અમને એક અઠવાડિયાની મહેતલ આપો. બાદશાહે અઠવાડિયાની મહેતલ આપતા ઝવેરીઓ નાઠા અને અઠવાડિયા પછી શાંતિદાસને લઇને દરબારમાં હાજર થયા.

શાંતિદાસે બાદશાહ સમક્ષ ઝવેરાત જોખવાનો કાંટો કાઢી એના બંને પલ્લામાં એક એક રતિ મૂકીને સરખા કર્યા. આ પછી શાંતિદાસે ત્રીજી એક રતિ એક પલ્લામાં મૂકતા તે પલ્લો તરત જ નમી ગયો. આ દ્રશ્ય બાદશાહ જહાંગીર ખૂબ જ ધ્યાનથી જોતો હતો. અને તેને શાંતિદાસે કહ્યું, બાદશાહ સલામત તમારું મૂલ્યુ થઇ ગયું. આથી જહાંગીર ગૂંચવાતા શાતિદાસે સમજાવ્યું કે આપનું મૂલ્ય માત્ર રતિ છે, માત્ર રતિ! જે રીતે ગાજવાના બંને પલ્લામાં એક એક રતિ હતી ત્યારે બંને પલ્લા સરખા હતા, તેમ બાદશાહ અને બધા મનુષ્યો સરખા જ છે.

પરંતુ આપ બાદશાહ છો અને બીજા રૈયત છે, એનું કારણ એટલું જ કે આપનામાં ભાગ્ય રૈયત કરતાં રતિ ભાર વધારે છે. આથી આપ બાદશાહ બન્યા. શાંતિદાસમામાનો આ જવાબ સાંભળીને જહાંગીર આફરીન આફરીન પોકારી ઉઠ્યો. શેઠ શાંતિદાસની મુઘલ દરબારમાં કેટલી હાક હતી. તેનો પુરાવો તેમને શારજહાં તરફથી આપવામાં આવેલા ફરમાન પરથી મળે છે. ઔરંગઝેબે પોતાની ગુજરાતની સુબાગીરી દરમ્યાન ચિંતામણી પાર્શ્વનાથના મંદિરને અપવિત્ર કરાવ્યું હોવાની ફરિયાદ શેઠ શાંતિદાસે બાદશાહને કરતાં તેણે 3 જુલાઇ, 1648ના રોજ જવાબરૂપે આ મંદિરને સમરાવવા ફરમાન કર્યું.

તપાસ કરતાં જાણવા મળ્યું કે શેઠ શાંતિદાસને તો ઔરંગઝેબે પણ એક ફરમાનથી ત્રણ પર્વતોના માલિકીહક્કો આપ્યા હતા. આ અસલ ફરમાન અમદાવાદમાં રતનપોળમાં આવેલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં સચવાયેલું છે. જે મુજબ બાદશાહ ઔરંગઝેબે 12 માર્ચ 1660ના રોજ ફરમાન લખ્યું હતું. આ ફરમાનમાં બાદશાહનો સિક્કો તથા મહોર છે. મહોરમાં લખવામાં આવ્યું છે, 'હે વિશ્વાસુ અલ્લાહના, પયગંબરના અને તારી સમક્ષ જે અધિકારી હોય તેના કહ્યા મુજબ કર.'

ખૂબ જ ધર્મઝનૂની અને કટ્ટર તરીકે ચિતરાયેલ એ ઔરંગઝેબે પોતાના આ ફરમાનથી શાંતિદાસ ઝવેરીને શેત્રુંજય તરીકે જાણીતો પાલિતાણાનો પર્વત, તેના પરનું દેરાસર, તે પર્વત પર ઘાસ ચરાવવાનો હક્ક, લાકડું મેળવવાનો હક્ક આપ્યો હતો. વળી પાલિતાણાના આ મંદિરના નિભાવ માટે પાલિતાણાની જે આવક થાય તે મેળવવાનો હક્ક ચાલુ રાખવા જે તે સરકારોને વિનંતી કરી હતી. ઉપરાંત કોઇ પણ વહીવટદાર કે જાગીરદારોએ આ લખાણમાં કોઇ સુધારો કે ફેરફાર ન કરવાનો પણ હુકમ કરેલ.

આ ફરમાનમાં ગિરનાર અને આબુ પર્વતો પણ શાંતિદાસને આપ્યા હોવાનું જણાવ્યું છે. અને આ પર્વતોમાં અન્ય કોઇ પણ ઘૂસે નહીં તેનું ધ્યાન રાખવાની અમલદારોને તાકીદ કરવામાં આવી છે.

સાથે સાથે એવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે આ ત્રણે પર્વતો અમે શાંતિદાસને આપી દીધા હોવાથી આ અંગે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો દાવો કરશે તો તે વ્યક્તિ અલ્લાહ (ઇશ્વર) અને પ્રજા બંનેના શ્રાપ અને ઠપકાને પાત્ર બનશે. આ પ્રકારનું લખાણ લખીને ચૂસ્ત ધર્મપરાયણ ઔરંગઝેબે શેઠ શાંતિદાસ ઝવેરીને જૈન ધર્મના દેરાસરના નિભાવ તથા વિકાસ માટે ત્રણેય પર્વતો ભેટ આપી દીધા હતા.

આપણે શાંતિદાસની જહોજલાલી, આવડત અને હિંમતને દાદ આપવી પડશે કે જેણે ઔરંગઝેબ જેવા બાદશાહમાં પણ પરિવર્તન લાવી દીધું હતું! પર્યુષણના પવિત્ર પર્વ નિમિત્તે સર્વને શુભેચ્છાઓ અને મિચ્છામી દુક્ડમ.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.