દમણ પ્રશાસન પાસે વીજળીના ભાવ વધારની જાહેરાત કરાતા ઔદ્યોગિક જગતમાં ફફડાટ ફેલાયો છે. જેને હલ કરવા સંયુક્ત વિધ્યુત નિયામક આયોગનું એકદળની દમણ ખાતે બેઠક મળશે તેમાં આ અંગે ચર્ચા વિચારણા કરાશે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણના ઉદ્યોગો અને વ્યવસાયીકો ઉપર સંભાવિત વીજળીનો ભાવ વધારોનો બોજો પડી શકે છે. કારણ કે, છેલ્લા ત્રણ વર્ષથી વીજળીના ભાવો વધશે તેવા સંકેતો તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતાં. પરંતુ દરેક વખતે ઉદ્યોગો દ્વારા વિરોધ નોંધાવતા આ મામલો ઠાળે પડ્યો હતો. હાલમાં સ્થિતિ એવી છે કે, હવે તંત્રના હાથમાં કશુ રહ્યું નથી.
દમણ પ્રશાસન પાસે વીજળીના ભાવ વધારવા અથવા ઘટાડવાનો કોઈ અધિકાર રહ્યો નથી અને આ અધિકાર હવે દિલ્હીની સંયુક્ત વિધ્યુત નિયામક આયોગ પાસે હોવાથી દમણના ઉદ્યોગોએ તેમને રજુઆત કરવી પડશે. દમણ ઔદ્યોગિક સંઘ દ્વારા આ બાબતે સખત વિરોધ કર્યો છે. જેના પ્રમુખ વિજય મિશ્રાએ મંગળવારે મળેલી ડીઆઈએની બેઠકમાં જણાવ્યું છે કે, જો વીજળીના ભાવ વધશે તો આવનાર સમયમાં દમણમાંથી ઉદ્યોગો ધીરે ધીરે પલાયન કરશે.
કારણ કે, હાલમાં ઉદ્યોગો પાસે ફક્ત વીજળીના દરો સસ્તા હોવાથી તેઓ ટકી રહ્યાં હતાં. પરંતુ જો વીજળી મોંઘી થશે, તો ઉદ્યોગોને રહેવું અને શ્વાસ લેવું અઘરૂ બની જશે. બીજી બાજુ દમણના નાના નાના વ્યવસાયીકો ઉપર પણ આની અસર પડશે અને આવનાર સમયમાં કદાચ ઘરેલું વીજળીના ભાવ પણ વધી શકે છે. તેથી આ વીજળી દરો વધવાથી ઉદ્યોગોની સાથે જનતાને પણ અસર પડવાની હોય ઉદ્યોગોને સહકાર આપવા અપીલ કરી હતી.
મંગળવારે સંયુક્ત વિધ્યુત નિયામક આયોગનો એક દલ દમણ આવી રહ્યો છે અને આવતીકાલે બુધવારે સવારે ૧૧ કલાકે સ્વામિ વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે ઉદ્યોગો અને જનતાની સાથે બેઠક કરશે તેવી માહિતી મળી છે.