દમણના સરકારી વિભાગોમાં સ્થાનિક યુવાનોને નોકરી નહી મળતી હોવાથી દમણના જન પ્રતિનિધિઓ તથા તમામ રાજકીય પક્ષો દ્વારા મંગળવારે રાત્રે એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ઓલ પાર્ટી દમણ-દીવ નાગરિક કમિટીની રચના કરાઈ હતી. આ કમિટી દમણના સ્થાનિક યુવાનોને સરકારી નોકરીનો લાભ મળે તેથી તેમને અધિકાર આપવા માટેની લડત આપશે.
દમણના સરકારી વિભાગોમાં સ્થાનિક યુવાનોની ઉપેક્ષાના કારણે તેમને નોકરી અપાતી નથી. તેઓને ન્યાય આપવા દમણના જન પ્રતિનિધિઓ તથા તમામ રાજકીય પક્ષો દ્વારા મંગળવારે રાત્રે બેઠકનું આયોજન કરાયું હતું. સરકારી વિભાગોમાં અમુક સ્થાનિક અધિકારીઓ વગ અને ધાકના કારણે સરકારી નોકરીમાં વિવિધ વિભાગોમાં થતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અપનાવી હોવાનો પણ આક્ષેપ મુકયો હતો. જેમાં હાલમાં સંપન્ન થયેલી એક્સાઇઝ વિભાગ તથા પોલીસ વિભાગમાં ઇન્સપેક્ટરની પોસ્ટ અંગેની ભરતીમાં સ્થાનિક યુવાનોને બાદબાકી કરીને અધિકારીઓના લાગતા વળગતાં સગાસંબંધીઓને તક આપીને તેઓને સરકારી નોકરીની ભેટ આપી હોવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં દમણ-દીવ જિલ્લા પંચાયત પ્રમુખ કેતન પટેલ, પાલિકા પ્રમુખ જીગ્નેશ ટંડેલ, કોંગ્રેસ પ્રમુખ વિશાલ ટંડેલ, ભાજપના મહામંત્રી વાસુ પટેલ, જાગૃત નાગરિક ઉમેશ પટેલ, નવીન પટેલ, અનીલ ટંડેલ તથા બીજા ઘણા જન પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં તમામ રાજકીય પક્ષો, જન પ્રતિનિધિઓ તથા જાગૃત નાગરિકોનો સમાવેશ કરીને ઓલ પાર્ટી દમણ-દીવ નાગરિક કમિટીની રચના કરી હતી. આ કમિટી દમણના સ્થાનિક યુવાનોને સરકારી નોકરીનો લાભ મળે તેઓને અધિકાર આપવા માટેની લડત આપશે તથા જરૂર પડશે, તો ટૂંકમાં જનઆંદોલનની પણ ચીમકી આપવામાં આવી હતી.