૧૨મી પંચવર્ષિય યોજના માટે પ્રપોઝલ રિપોર્ટ બનાવવા પ્રશાસનની બેઠક મળી
દમણ પ્રશાસન દ્વારા સોમવારે સવારે ૧૧ કલાકે મોટી દમણ સચિવાલયમાં દમણ-દીવના વિકાસ માટે પ્લાનિંગ બોર્ડની બેઠક રાખવામાં આવી હતી. જેમાં ૧૨મી પંચવર્ષિય યોજના અંગે પ્રપોઝલ રિપોર્ટ અંગે સમીક્ષા કરાઈ હતી. પ્રશાસક નરેન્દ્રકુમારના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં તમામ રાજકીય પક્ષો અને જન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા કરીને જરૂરી પ્લાનમાં ફેરફાર કરાયા હતા.
પ્રશાસન દ્વારા ૧૨મો પંચવર્ષિય યોજના માટે કુલ દમણ-દીવ મળીને ૨પ૩૦ કરોડ રૂપિયાનો પ્રપોઝલ પ્લાન તૈયાર કરાયો હતો. જેમાં દમણ માટે ૨૨૩૦ અને દીવ માટે ૩૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ હતી. બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર પ્લાનમાં ઘણા ફેરફાર થશે અને અંતિમ રિપોર્ટ બુધવાર સુધીમાં સંપન્ન કરીને કેન્દ્ર સરકારને મોકલાશે.
બેઠકમાં તમામ ક્ષેત્રે કેટલાક ફંડની ફાળવણી થવી જોઇએ અને ક્યા પ્રોજેક્ટને પ્રાથમિકતા આપીને કાર્ય કરાશે, તેના ઉપર ચર્ચા થઈ હતી. પ્રશાસન દ્વારા ઘરેલુ વીજળીના ૨૦૦ યુનિટના વપરાશ ઉપર સબસિડી આપવામાં પ્રશાસક નરેન્દ્રકુમારે જણાવ્યુ હતું. જેની પ્લાનમાં સમાવેશની વાત પણ કરી હતી. ઉપરાંત સ્થાનિકોને રોજગારી મળે તે માટે એસએસઆઇ યુનિટની સ્થાપના અને તેઓને તાલીમની પણ વિચારણા કરાઈ છે. પર્યટન ક્ષેત્રના વિકાસ માટે પ્રશાસન દ્વારા મિની પોર્ટ બનાવવાની યોજના છે.
કોસ્ટગાર્ડ દ્વારા એરપોર્ટનો કબજો લેવામાં આવ્યો હોવાથી સિવિલ માટે ઉપયોગી એરપોર્ટ માટે પ્રશાસન દ્વારા કાર્ય થશે. કોસ્ટલ હાઇવે અને મેજર ડિસ્ટ્રીક રોડના જંકશન ઉપર ફ્લાયઓવર બનાવવા કોંગ્રેસના પ્રમુખ વિશાલ ટંડેલે રજુઆત કરી હતી. જેને પ્રશાસકે સ્વિકાર્યું હતું. પ્રશાસન પાસે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની અછત હોવાથી વિકાસના કાર્યોની મોનિટરિંગ થતું નથી, શિક્ષાનું સ્તર વધારવા માટે બાળકોમાં પહેલા તે પ્રકારનું વાતાવરણ ઊભુ કરાશે.
બાળકોને શાળા સુધી લઇ-જવા માટે બસની સેવા શરૂ કરવાની જરૂર છે. બેઠકમાં સાંસદ લાલુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કેતન પટેલ, પાલિકા પ્રમુખ અનીલ ટંડેલ તથા વિકાસ આયુકત મોહનજીત સિંગ, ફાઇનાન્સ સેક્રેટરી જ્ઞાનેશભારતી, કલેક્ટર સંજય ગોયલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.