દમણ પ્રશાસનને કેન્દ્ર સરકારને કરેલી નવા ફાયર સ્ટેશનની માગ પૂરી થતાં હવે નાની દમણ શહેરથી ભીમપોરની વચ્ચે યોગ્ય સ્થળે નવું ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવશે. આ માટે જરૂરી સ્ટાફની પ્રક્રિયા આરંભાઈ ચૂકી છે, તો બીજી તરફ જમીનની ફાળવણી માટે પણ પ્રપોઝલો મુકી છે.
દમણમાં સોમનાથમાં આવેલા ફાયર સ્ટેશનથી ભીમપોર અને મોટી દમણ શહરી વિસ્તારમાં જો આગના બનાવો બને તો, અગ્નિશામક દળને ઘટના સ્થળ સુધી પહોંચવામાં ઘણો સમય લાગતો હોય છે. જેના કારણે સમયસર રાહત આપી શકાતી નહોતી. આ સમસ્યા દમણમાં ઘણા સમયથી વર્તાતી હતી.
દમણ ફાયર ઓફિસર એ.કે.વાલા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ૨૦૦૪ની સાલમાં નાની દમણથી ભીમપોરની વચ્ચે દમણ પ્રશાસન દ્વારા નવા ફાયર સ્ટેશનની પ્રપોઝલ કેન્દ્ર સરકારને મોકલી હતી. મિનસ્ટિ્રી ઓફ ફાયનાન્સ અને હોમ દ્વારા નવા ફાયર સ્ટેશનની મંજુરી આપી દેવામાં આવી છે. આ ફાયર સ્ટેશનની સાથે ૪૪ પોસ્ટોની પણ નિયુક્તિ કરી છે. આ ઉપરાંત ફક્ત જમીનની જરૂરીયાત છે, જેના માટે પ્રપોઝલ મોકલી આપવામાં આવ્યા છે. જમીનની ફાળવણી બાદ તાત્કાલીક નવા સ્ટેશનની શરુઆત કરી દેવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.