સંઘપ્રદેશ દમણમાં આવતા પ્રવેશ દ્વાર ડાંભેલ ચેક પોસ્ટથી લઇને કલેરીયા સુધી ત્રણ કિલોમીટરનો રસ્તો હાલમાં આરસીસીમાં બની રહ્યો છે. રસ્તાનું બાંધકામ એક બાજુ ચાલી રહ્યું છે. ત્યારે બીજી બાજુમાં હજી નવિનર્મિત રસ્તામાં ઠેર ઠેર તીરાડો પડી ગઇ હોવાથી તે ઉપરાંત રસ્તાના બાંધકામમાં પણ ફક્ત વેઠ ઉતારવામાં આવ્યું હોવાનું ગત રોજ ગુરૂવારે મોડી સાંજે પ્રદેશના પ્રશાસક સત્ય ગોપાલે અચાનક લીધેલી તપાસ મુલાકાત દરમિયાન જોવા મળ્યું હતું.
દિલ્હી ખાતે યોજાનાર કોમન વેલ્થ ગેમ્સમાં હાલમાં અધિકારીઓ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારને લઇને દમણ પ્રશાસન પણ પોતાની તમામ સાવચેતી રાખવા અંગે પૂર્ણ તપાસ શરૂ કરી છે. જેમાં કોમન વેલ્થ ગેમ્સની મશાલ આગામી સપ્ટેમ્બર મહિનામાં દમણ ખાતે આવી રહી હોવાથી તેની તૈયારીઓમાં જોતરાયેલા દમણ પ્રશાસનના વડા સત્યગોપાલે ગુરૂવારે રાત્રે ૮ કલાકે દમણના પ્રવેશ દ્વાર ડાભેલથી મશાલ આવવાની હોય વિકાસ આયુક્ત પી. કે. ગુપ્તા, કલેક્ટર મનોજ સાહુ તથા જાહેર બાંધકામ વિભાગના એકઝીકયુટીવ ઇજનેર પંકજ પટેલ વગેરે ડાંભૈલમાં હાલમાં નવિનર્માણ થઇ રહેલા આરસીસી રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું.
જેને લઇને પ્રશાસક સત્ય ગોપાલ રોષે ભરાયા હતા અને સ્થળ ઉપર રહેલા ઇજનેરની ઝાટકણી કાઢી તાત્કાલીક સમારકામ કરવા જણાવ્યું હતું. ઉપરાંત ડ્રાઇવર્ઝનનો બોર્ડ લગાડવા બાબતે, રસ્તાના બન્ને બાજુએ ભારે ગંદકી, ટ્રકોનો નહીં જોવાતો ખડકલો વગેરે બાબતે અધિકારીઓને ફીટકાર આપ હતી.
પ્રશાસકની ફિટકાર સાંભળીને તેમના સાથે ચાલતા અધિકારીઓ પણ હેબતાઇ ગયા હતા. અને ઇજનેરને પ્રશાસકના સાથે સાથે આ અધિકારીઓનો ઠપકો પણ સાંભળવો પડયો હતો.