સંઘપ્રદેશ દમણમાં પણ વીજ દરમાં વધારો કરવામાં આવે તે પહેલા વિરોધ કરવાનું શરૂ કરાયું છે. સોમવારે દમણની ઓલ પાર્ટી નાગરિક સમિતિએ સંઘપ્રદેશના વિત્ત સચિવ તથા વિધ્યુત વિભાગના સચિવ જ્ઞાનેશભારતીને આ બાબતે વિરોધ દર્શાવીને આવેદનપત્ર પણ આપ્યું છે. મંગળવારે સવારે ૧૦ થી ૧૧ એક કલાક માટે નાની દમણ અને મોટી દમણને જોડતો દમણગંગા નદી પરના નવા રાજીવ ગાંધી સેતુ બંધ રાખીને ચક્કાજામ કરવાનો નિર્ણય લેવાયો છે.
દમણની ઓલ પાર્ટી નાગરિક સમિતિના સભ્યો સોમવારે ભેગા થયા હતા. સાંસદ લાલુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કેતન પટેલ, પાલિકા પ્રમુખ જીગ્નેશ ટંડેલ, કોંગ્રેસ પ્રમુખ વિશાલ ટંડેલ, ભાજપના મહામંત્રી વાસુભાઇ પટેલ, દમણ ઔદ્યોગિક સંઘના પ્રમુખ વિજય મિશ્રા, જનપ્રતિનિધિઓમાં ઉમેશ પટેલ, નવીન પટેલ, રમેશ પામસી, અનીલ ટંડેલ, વગેરેએ સોમવારે બપોરે ૧૨.૩૦ કલાકે સંઘપ્રદેશના પ્રશાસકને સંબોધીને વિત્ત સચિવ તથા વિધ્યુત વિભાગના સચિવ જ્ઞાનેશભારતીને આવેદન પત્ર પાઠવ્યો હતો. જેમાં જેઇઆરસી દ્વારા દાનહની જેમ દમણમાં પણ ઘરેલુ વીજ વપરાશના દરમાં વધારો થાય તે પહેલા વિરોધ કરી રહ્યાંનું સૂચવ્યું હતું.
સંઘપ્રદેશના વિત્ત સચિવ તથા વિધ્યુત વિભાગના સચિવ જ્ઞાનેશભારતીએ જણાવ્યું કે વિધ્યુત વિભાગે દમણમા વીજ વપરાશના દરોમાં વધારો કરવા બાબતે જેઇઆરસીને પ્રપોઝલ મોકલાઈ નથી, છતાં આ કમિશન સ્વતંત્ર હોવાથી તેઓ કોઇનું સાંભળવા વગર દાનહમાં વિધ્યુત દરોમાં વધારો ઝીંકાયો છે. દમણનો રિપોર્ટ આવ્યો નથી, પરંતુ રિપોર્ટમાં વીજ વપરાશના વધારો હશે, તો પ્રશાસન પણ આગળ અપીલમાં જશે. દમણમાં વીજ દરમાં વધારા સામે પ્રશાસન પણ લોકોની સાથે હોવાની બાંયધરી આપી હતી.