ગુજરાતને પ્રવાસનને પ્રમોટ કરવા માટેની કેમ્પેઇન ખુશ્બુ ગુજરાત કી..ના એડશૂટ માટે બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાપુતારા સહિત ડાંગની મુલાકાતે છે. સાપુતારા-વઘઈ માર્ગ સ્થિત ચીખલી ગામના લક્ષ્મણ ઝુલુભાઈ વાળુના ઘરે બીગ બી એ વારલી પેઈન્ટિંગ સહિત આદિવાસી સંસ્કૃતિની ઝાંખી નિહાળી વિવિધ શોટ શૂટ કર્યા હતા. બીગ બી નાસિકથી નિર્ધારિત દસ વાગે બાય કાર સાપુતારા પોતાના કાફલા સાથે આવી પહોંચ્યા હતા. ડાંગના ચીખલીમાં લક્ષ્મણભાઈના ઘરે નાગલીની રોટલી, લીલા વાંસનું શાક અને મરચાની ચટની બીગ બી એ આરોગી ખુશી વ્યક્ત કરી હતી. બીગ બીએ એક આદિવાસીના ઘરે સામાન્ય વ્યક્તિની જેમ આદિવાસી ભોજન આરોગતા ભોળા આદિવાસીઓ ગદગદિત થઈ ઉઠ્યા હતા. નાસિકથી બાય રોડ પ્રવાસન નિગમના ચેરમેન કમલેશ પટેલ, એમડી સંજય પટેલ, ડિરેક્ટર દિનેશ દાસા, મેનેજર ડી.એમ. કાઠિયા, માર્કેટિંગ મેનેજર રાજન ભટ્ટ સહિતના કાફલા સાથે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાપુતારાથી સીધા ચીખલી (ડાંગ) આવી પહોંચ્યા હતા.