નોટકાંડમાં ભ્રષ્ટાચારને તાબે ન થનારા સાંસદો જવાબદાર નથી, કેન્દ્રની સરકારને ધરપકડ કરવી હોય તો મારી કરો . જનચેતના યાત્રા શનિવારે રાત્રે દમણ પહોંચી હતી.જાહેરસભામાં ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે લાંચ લેવી ન હોવાથી મારા બે સાથી સાંસદોએ સંસદમાં નોટ લઇ ગયા હતા. તેમની ધરપકડ કરીને કેન્દ્રની સરકારે ખોટુ કર્યું છે ખરેખર ધરપકડ કરવી હોય તો મારી કરવી જોઇએ.
જાહેરસભામાં સામેલ લોકોએ અડવાણીની આ વાતથી તાળીઓ સભા ગજવી મૂકી હતી. અડવાણીએ મુદ્દાને વધુ કલીયર કરતાં કહ્યું હતું કે બંને સાંસદોના મત માટે કેટલાંક લોકો દ્વારા રીતસર સોદો કરવામાં આવ્યો હતો. શીડ્યુઅલ ટ્રાઇબ અને શીડ્યુઅલ કાસ્ટની સીટની ટર્મ હવે પૂરી થઇ જવાની છે આથી તમે ફરીવાર તમારા વિસ્તારમાંથી ટિકિટ મેળવી શકશોનહીં. આથી અમે કહીએ છીએ તેમ કરો અને ત્રણ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી આથી આ બંને સાંસદોએ કહ્યું હતું કે અમે અમારી પાર્ટીમાં પૂછી જોઇએ. પછી તેમણે લાંચ ન લેવાનો નિર્ણય લીધો હતો અને સીધા સંસદમાં જઇને સ્પીકરને કહ્યું હતું કે અમે લાંચ લઇને ખરીદાવા માગતા નથી આ પૈસા તમે જ રાખી લો.
ત્યારે તો કંઇ ન થયું પરંતુ પછી આ બંને સાંસદોની ધરપકડ કરીને તિહાર જેલમાં મોકલી અપાયા. હું આ વાત જાણતો હતો. આથી જો એ સાંસદોએ લાંચ લેવાનો ઇનકાર કર્યો તે તેનો ગુનો હોય તો હું તેમનો નેતા હતો. આથી ખરો ગુનેગાર તો હું કહેવાવ. મારી ધરપકડ કરવી જોઇએ. તેમણે બંને સાંસદોની હિંમતને બિરદાવી હતી.દમણમાં પણ અડવાણીએ દાદરા નગર હવેલી વાળી સ્પીચ જ કહી હતી. ભ્રષ્ટાચાર, કાળાનાણાના મુદ્દે વાત કરી હતી. સ્વીસ બેંકમાં પડેલા ૨૫ લાખ કરોડ રૂપિયા ભારતમાં લાવીને ગામડા સધ્ધર કરવાની વાત પણ દમણમાં કરી હતી.
દમણની હોટલો પેક
જનચેતના યાત્રાની સાથે સાથે અડવાણીનો કાફલો તેમજ ગુજરાત ભાજપના નેતાઓ પણ દમણ પહોંચી ગયા હતા. આથી તમામ હોટલો પેક થઇ ગઇ હતી. શનિ-રવિ વિકએન્ડનો માહોલ અને જનચેતના યાત્રાને લીધે દમણમાં ઠેરઠેર ટ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
પુરુષોત્તમ રૂપાલા અને સાંસદ દર્શનાબેન જરદોશ હાજર રહ્યાં
દમણની જાહેર સભામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલા તેમજસુરતના સાંસદ દર્શનાબેન જરદોશ હાજર રહ્યા હતા. જોકે, સેલવાસ અને દમણના દર્શનાબેન જરદોશ પ્રભારી હોવાથી તેમણે હાજરી આપી હતી.
સુરતનાં સાંસદને લોકોની વચ્ચે બેસાડ્યાં
સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ શનિવારે બપોરે નિયત સમયે સેલવાસ જાહેરસભાના સ્થળે પહોંચી ગયાં હતાં. પરંતુ સેલવાસના નેતાઓએ તેમના માટે કોઇ જ વ્યવસ્થા કરી ન હતી. આથી તેઓ લોકોની વચ્ચે જઇને સામાન્ય માણસની જેમ બેસી ગયાં હતાં. થોડા વખત પછી સેલવાસના નેતાઓનું ધ્યાન પડતાં તેમને સ્ટેજ પર બોલાવી લેવામાં આવ્યાં હતાં.