Advertisement
Home >> Gujarat >> Vishesh >> Amitab Bachan, Rekah And Parvin Babi First Intro

"આ અમિતાભ બચ્ચન છે. 'પરવાના'માં મારી સાથે કામ કરે છે."

Dr. Sahrad Thakar | Apr 28, 2012, 20:50PM IST
 
 


ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ –46


મૈને રિવોલ્વર પહેલી વાર ઉઠાયા હૈ...
લેકિન ઇતના જાનતા હું કી ટ્રિગર દબાને સે ગોલી ચલતી હૈ...
-'મજબૂર'


અમિતાભ બચ્ચને ઊંચી, ગોરી અને પાતળી સ્ત્રીઓ વધારે ગમે છે. આવું અમિતજીએ પોતે ક્યારેય કહ્યું નથી, લખ્યું નથી. પણ આ મારું અંગત નિરીક્ષણ છે. બીજા કેટલાંયે ફિલ્મ વિવેચકોનો પણ આવો જ અભિપ્રાય છે.

સવાલ એ છે કે તો પછી અમિતજીએ જયાજી સાથે લગ્ન શા માટે કર્યાં? જયાજીમાં ઉપર જણાવેલી ત્રણમાંથી એક પણ ચીજ મૌજુદ નથી. આનો જવાબ તદ્દન સ્પષ્ટ છે: અમિતાભ જેવો બુધ્ધિશાળી પુરુષ માત્ર બાહ્ય દેખાવને જોઇને કોઇ યુવતીની સાથે લગ્ન ન કરી નાખે. જયાજીનું ભીતરી વ્યક્તિત્વ એમને બાહ્ય આકર્ષણ ધરાવતી સ્ત્રીઓ કરતાં વિશેષ આકર્ષી ગયું હશે.

પણ એ પછી એમની અંદરના પુરુષને (પતિને નહીં, પણ પુરુષને) પોતાની રૂચિ અનુસારનું રૂપ ધરાવતી સ્ત્રીઓ જોવા મળે ત્યારે મન તો એના દિયામાં અવશ્ય ખેંચાઇ જવાનું. આવું અનેક વાર બન્યું છે અને બનતું રહ્યું છે.

પરવીન બોબી, ઝીન્નત અમાન, રેખા, વિની દાસ (મુકામ: પોસ્ટ: કોલકત્તા) અને બીજી જાહેર-ખાનગી રૂપ સામાગ્રીઓ અમિતાભની જિંદગીમાં આવી અને ચાલી પણ ગઇ. એ બધી જ અમિતાભની પ્રેમિકા હતી એવું તો આપણાથી કેવી રીતે કહેવાય? પણ એ તમામની સાથે અમિતાભની જોડી વધુ જામતી હતી એ તો પડદા ઉપર જોઇ શકાય તેવી વાત છે. મુખ્ય મુદ્દો એ છે કે ખુદ અમિતાભને પણ એ અભિનેત્રીઓની સાથે કામ કરવાનું ગમતું હતું.

પરવીન સાથેના સંબંધે પછીથી દુ:ખદ વળાંક લઇ લીધો. પરવીનને સૌએ પાગલ ઠરાવી દીધી. પ્રશ્ન એ છે કે પાગલ થઇ ગયેલી પરવીને માત્ર અમિતાભ વિષે જ શા માટે એલફેલ વિધાનો કર્યા હશે? અન્ય કોઇ અભિનેતા વિષે કેમ ન કર્યા?

પરવીન બાબી જૂનાગઢના નવાબના ખાનદાનની દીકરી. દેખાવમાં અત્યંત સુંદર અને વિચારોમાં જમાનાથી આગળ. એ જ્યારે અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ કોલેજમાં ભણતી હતી, ત્યારે એનાં રૂપની ચર્ચા પૂરા શહેરમાં ચાલતી હતી. મલ્લિકા સારાભાઇ, પરવીન બાબી અને પંકજ સિંગતેલવાળા ખોજા વેપારીની દીકરી એ જમાનામાં સેન્ટ ઝેવીયર્સની સોંદર્ય ત્રિપુટી ગણાતી હતી.

ગુજરાતમાં જ્યારે છોકરીઓ બેલબોટમ અથવા સાડીઓ પહેરીને કોલેજમાં જતી હતી, તે જમાનામાં મીની સ્કર્ટ અને ટૂકું વનપીસ પહેરવાની પહેલવહેલી શરૂઆત પરવીને કરી હતી. ઝેવીયર્સના બેડમિંગ્ટન કોર્ટ પર હાથમાં રેકેટ લઇને શોર્ટસ અને ટી-શર્ટ પહેરેલી ઊંચી, ગોરી, સ્માર્ટ પરવીન પ્રવેશ કરતી, ત્યારે કોલેજના છેકરાઓમાં રાતોરાત બેડમિંગ્ટનની રમત માટેનો પ્રેમ ઊભરાઇ જતો હતો.

પણ બહારથી પાશ્ચાત્ય જીવનશૈલી ધરાવતી આ આધુનિક છોકરી અંદરથી અતિશય ભાવુક હતી. એને તરસ હતી પ્રેમની અને તલાશ હતી સાચા પ્રેમીની. એ માટે એણે ઘણાં વલખા માર્યા. એક કરતાં વધુ પુરુષોના દિલના દ્વાર પર ટકોરા મારી જોયા.

અમદાવાદમાં એક ક્રિશ્ચિયન ગિટારવાદક એનો પ્રથમ પ્રેમી હતો. સંગીતના સ્ટેજ પ્રોગ્રામ્સમાં એને ગિટાર વગાડતાં જોયો હોય એવા હજારો સંગીતપ્રેમીઓ આજે પણ અમદાવાદમાં હયાત છે. કમનસીબે એ યુવાનને પરવીનનાં સૌંદર્યના નશા કરતાં પણ શરાબનો નશો વધારે લલચાવી ગયો. એ બોટલમાં ડૂબી ગયો અને પછી જેવું બનતું આવ્યું છે તેમ બહુ વહેલો આથમી ગયો.

પરવીને એ પછી કાંદા-લસણ વગરના સંબંધમાં રસ લેવા માંડ્યો. એક જૈન યુવકની સાથે એ ખૂબ જ નિકટતા બાંધી બેઠી. પરવીન એના ધરે પણ જતી-આવતી હતી. મુસલમાન હોવા છતાં એણે એ સમયે માંસાહારી ભોજનનો ત્યાગ કરી દીધો હતો. વાત છેક લગ્ન સુધી પહોંચી ગઇ હતી, પણ કોઇક કારણસર આ સંબંધ પણ તૂટી ગયો.

એ દિવસોમાં પરવીન બાબીની બેઠક લાલદરવાજા વિસ્તારોમાં રૂપાલી સિનેમાની બાજુમાં આવેલી બાંકુરા રેસ્ટોરન્ટમાં રહેતી હતી. રોજ સાંજે એના બોય ફ્રેન્ડની સાથે કેન્ડલ લાઇટના આછા ઊજારામાં પરવીન સિગારેટના કશ ખેંચતી જોવા મળતી હતી.

યસ, સિગારેટ એ પરવીનનો પ્રથમ પ્રેમ હતો. ફિલ્મ 'દિવાર'ના એક ર્દશ્યમાં અમિતાભની સાથે પથારીમાં સૂતેલી અને ધૂમ્રપાન કરતી બિંદાસ્ત પરવીનને જોઇને દેશભરના પ્રેક્ષકો ચોંકી ઊઠ્યા હતા. આજની ફિલ્મોમાં પણ સિગારેટ પીતી હિરોઇનો બહુ જોવા નથી મળતી; ખલનાયિકાઓ મળે છે. પણ 'દીવાર'માં પરવીનને સિગારેટની સાથે શરાબ પણ પીતી બતાવવામાં આવી હતી. આ વાત 1973-'74ની છે. પરંતુ અમદાવાદની જનતા તો સાંઇઠના દાયકાના ઉત્તરાર્ધમાં જ આવા ર્દશ્યો જોઇ ચૂકી હતી.

- અમિતાભ અને પરવીન...

અમિતાભ અને પરવીન પહેલી વાર ફિલ્મ 'મજબૂર'માં એકસાથે આવ્યાં. ફિલ્મ સંપૂર્ણપણે અમિતાભ અને પ્રાણ સાહેબની આસપાસ ધૂમરાતી હતી. પરવીનનું પાત્ર માત્ર ગ્લેમર દેખાડવા પૂરતું જ સિમિત હતું. પણ એટલાં નાનાં પાત્રમાંયે પરવીનનું સૈંદર્ય ઝળકી ઊઠ્યું હતું.

એ પછી પરવીન 'દીવાર'માં અમિતાભ સાથે આવી. આ ફિલ્મમાં બંનેના 'ઇન્ટીમેટ' ર્દશ્યો હતા. એ પછી 'અમર, અકબર, એન્થોની', કાલા પત્થર, સુહાગ, દો ઔર દો પાંચ, શાન, કાલિયા, ખુદ્દાર, નમક હલાલ અને મહાન જેવી ફિલ્મોમાં અમિતાભ અને પરવીન બાબીએ સાથે કામ કર્યું હતું.

અહીં બે વાત નોંધવા જેવી છે. એક, અમિતાભની સાથે રેખાને બાદ કરતાં જો બીજી એક પણ હીરોઇન જામતી હોય તો તે પરવીન હતી. પરવીનની અભિનય ક્ષમતા બહુ સાધારણ સ્તરની હતી, પણ એની ઊંચાઇ, ફીગર, સુંદરતા અને સ્માર્ટનેસ તમામ અભિનેત્રીઓ કરતાં અમિતાભની સાથે વધુ 'મેચ' થાય તેવી હતી.

નોંધવા જેવી બીજી વાત એ હતી કે અમિતાભ-પરવીનની અગ્યારમાંથી દસ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ હતી. આવો જબરદસ્ત સ્ટ્રાઇક રેટ બીજી કોઇ હિરોઇનનાં નસીબમાં લખાયો ન હતો. રેખા કે ઝિન્નતની સાથે પણ નહીં.

પૂરો ખેલ માત્ર દસ જ વર્ષમાં સમેટાઇ ગયો. 1974માં મજબૂર આવી અને 1983માં મહાન. એ પછી પરવીન ક્રમશ: ગૂમનામીની ખીણમાં ગાયબ થઇ ગઇ. વચગાળામાં એ એક પુરુષના હાથમાંથી બીજા પુરુષના હાથમાં ફેંકાતી ને ઝીલાતી રહી. કબીર બેદી, ડેની, મહેશ ભટ્ટ અને પછી તો કોઇકની સાથે એનાં લગ્ન પણ થઇ ગયાં. એ બધાં પડાવો સાબિત થયા, મંઝીલ નહીં. દરેક પુરુષે એની કામણગારી કાયામાંથી મન ભરીને રસ ચૂસી લીધો, પછી એને ફેંકી દીધી.

અમિતાભ અને પરવીન વચ્ચે પ્રેમસંબંધ હતો એ વાતની કોઇ સાબિતી મળતી નથી. પણ એમ તો રેખા-અમિતજીના પ્રેમસંબંધ વિષે પણ ક્યાં કોઇ પુરાવો આપણી પાસે છે? ક્યારેક કેટલીક બાબતો તર્ક ઉપર આધાર રાખતી હોય છે. કેટલાંક એવા સવાલો છે જેના જવાબો મળતા નથી.

સૌથી અઘરો પણ અગત્યનો સવાલ એ થાય છે કે જે હીરોઇનની સાથે દસ-દસ સુપરહિટ ફિલ્મો આવી હોય, એની સાથે અચાનક કામ કરવાનું બંધ શા માટે થઇ ગયું?

બીજો પ્રશ્ન: અમિતાભની સાથે નાયિકાનાં પાત્રમાં કામ કરતી વખતે પરવીનની આંખોમાં, ચહેરામાં અને એની પ્રેત્યેક દૈહિક ભાવભંગિમામાં જે સાચો પ્યાર ઝલકતો દેખાય છે એનું કારણ શું હોઇ શકે? એને માત્ર અભિનય ન કહી શકાય, કારણ કે પરવીન એટલી સારી અભિનેત્રી તો ક્યારેય હતી જ નહીં.

ત્રીજું કારણ, પરવીનને એક સાચા પુરુષની ઝંખના હતી. એ માટે તો બિચારી જીવનભર તડપતી રહી હતી. છેલ્લે તો એ ડેની અને મહેશ ભટ્ટ જેવા પુરુષોના બારણાં પણ ખટખટાવી ચૂકી હતી. આવી પ્રેમ ધેલી રાધા અમિતજી જેવા ડેશીંગ પુરુષ પાછળ ગાંડી ન થઇ હોય એવું માનવા માટેનું કોઇ કારણ નથી. સામે પક્ષે અમિતાભ પણ એક રોમેન્ટીક પુરુષ હતા. જે પુરુષે અનેક સ્ત્રીઓ જોડે નીકટની મૈત્રી વિકસાવેલી હોય એ માત્ર પરવીનથી દૂર રહ્યો હોય એવું સ્વીકારવું જરાક અઘરું છે.

છેલ્લો સવાલ: પરવીન એકાએક ગૂમ થઇ ગઇ. વર્ષો પછી એ પછી ઝબકી. એણે અમિતાભ વિષે માની ન શકાય તેવા ગંભીર આક્ષેપો કર્યા. અમિતાભે એક જ વાક્યમાં એ બધાં આક્ષેપોને રદિયો આપી દીધો. સવાલ એ છે કે અમિતજી જેવી પ્રખ્યાત સેલિબ્રિટીએ પરવીન ઉપર માનહાનીનો કેસ શા માટે ઠોકી ન દીધો? અને પરવીન જો પાગલ હતી, તો એણે બીજા કોઇ પુરુષ માટે એવું કેમ ન કહ્યું કે એ માણસ મારી હત્યા કરાવી દેવા માગતો હતો; માટે હું અર્દશ્ય થઇ ગઇ હતી!

આખી દુનિયાએ પરવીનને પાગલ સમજીને હસી કાઢી. છેવટે એ ગૂમનામીની ગટરમાં સબડીને મરણને શરણ થઇ ગઇ. બંધ ફલેટના દરવાજા પાછળ એનો મૃતદેહ ત્રણ દિવસ સુધી સડતો રહ્યો. જૂનાગઢના નવાબી બાગતું આ મહેંકતું ગુલાબ અકાળે મુરઝાઇ ગયું.

પાછળ જે 'સત્ય' બાકી બચ્ચું તે આ હતું કે અમિતાભ અને પરવીન વચ્ચે કોઇ પણ પ્રકારનો પ્રેમસંબંધ ક્યારેય હતો જ નહીં!

- અમિતાભ અને રેખા નીચે પહેલી મુલાકાત

પરવીનની વિદાયથી બચ્ચન સાહેબને કશો જ ફરક પડતો ન હતો. પૂર્વ ભારતથી (કોલકત્તાથી) શરૂ થયેલો એમનો પ્રેમરથ પશ્ચિમ ભારતની પરવીનને જીતી લીધા પછી દક્ષિણ ભારતની દિશામાં વળી ગયો. ત્યાં એક આગની ભઠ્ઠી જેવી સેક્સી દસ્યુ કન્યા આ ઉત્તર ભારતના રાજવીનું સ્વાગત કરવા માટે પોતાનું હૈયું, હિંમત ને હાથ ધરીને પ્રતીક્ષા કરતી ઊભી હતી.

રેખા એ દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા અભિનેતા જૈમિની ગણેશન અને હીરોઇન પુષ્પાવલિનું અનૌરસ સંતાન હતી. રેખાનાં મા-બાપે લગ્ન કર્યા ન હતા. શી વોઝ એ ઇલેજીટીમેટ ચાઇલ્ડ.

રેખા પોતાની જરાપણ ઇચ્છા વગર ફિલ્મોમાં આવી ગઇ હતી. શરૂઆતની ફિલ્મોમાં સેટ ઉપર ગપ્પા મારવા અને હસી-મજાક કરવી એ જ એની જિંદગી હતી અને ફિલ્મોમાં કામ કરીને પૈસા કમાવવા એ જ એનો એક માત્ર ઉદ્દેશ હતો. જાડી-પાડી, ગોળમટોળ રેખાની શરુઆતી ફિલ્મોમાં મોટા ભાગે કિરણ કુમાર, નવીન નિશ્ચલ અને રણધીર કપૂર જેવા અભિનેતાઓ જ જોવામાં આવતા હતા. મોટા ભાગની ફિલ્મો ક્યારે આવી અને ક્યારે ગાયબ થઇ ગઇ એની પણ કોઇને ખબર પડતી ન હતી. જે કોઇ બે-પાંચ ફિલ્મો ચાલી એ પણ પોતાનાં સેક્સી બદન અને આકર્ષક સૌંદર્યના કારણે રેખાએ ફિલ્મઉદ્યોગમાં પોતાનું એક અલગ સ્થાન અવશ્ય બનાવી લીધું હતું.

અને એક દિવસ ચેન્નઇના એરપોર્ટ ઉપર એની મુલાકાત બીજી એક અભિનેત્રી યોગીતા બાલી સાથે થઇ ગઇ. બંને અભિનેત્રીઓએ લગભગ એક સાથે જ હિંદી ફિલ્મોમાં પગ મૂક્યો હતો. બંનેનું બજાર પણ લગભગ એક સરખું જ ઠંડુ-ગરમ ચાલ્યા કરતું હતું. બંને સારી એવી સહેલીઓ પણ હતી.

1971નું વર્ષ હતું. યોગીતા એ સમયે 'પરવાના' ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. એરપોર્ટ પર એની સાથે એક ઊંચો, પાતળો, શરમાળ યુવાન પણ હતો. યોગીતાએ રેખાની સાથે એની ઓળખાણ કરાવી, "આ અમિતાભ બચ્ચન છે. 'પરવાના'માં મારી સાથે કામ કરે છે.""તારો હીરો છે?"રેખાએ પૂછયું. "ના, મારો હીરો તો નવીન નિશ્ચલ છે; અમિતાભની ભૂમિકા નેગેટીવ છે. પણ એ ખૂબ સારા અને ઇન્ટેન્સ કલાકાર છે."યોગીતાએ વખાણ કરતાં કહ્યું.

રેખાએ અમિતાભની સામે જોઇને બે હાથ જોડીને 'નમસ્તે' કર્યું. અમિતાભે પણ એમ જ કર્યું. એ પછી રેખા અને યોગીતા ખાસ્સી વાર સુધી ગપ્પાં મારતાં રહ્યાં. થોડી વારે રેખા અમિતાભની સામે જોઇ લેતી હતી. એ શરમાળ બનીને ચૂપચાપ બંને હાથની છાતી ઉપર ચોકડી મારીને ઊભા રહ્યાં હતા અને ખોટું-ખોટું હસી રહ્યાં હતા. રેખા એમનાથી જરાપણ 'ઇમ્પ્રેસ' થઇ ન હતી. એને એવું માનવાનુંએ અધરું લાગ્યું હતું કે આ યુવાન સારો અભિનેતા હોઇ શકે છે. એને લાગ્યું કે યોગીતા ખાલી અમથાં એના વખાણ કરતી હશે. પછી એ લોકો છૂટા પડ્યા. જતાં-જતાં અમિતાભે રેખાને એક નાનું પણ હુંફાળું સ્મિત આપ્યું. રેખાને એ સ્મિતમાં ગજબની સચ્ચાઇ અને આત્મિયતા લગ્યા હતા. એને ક્યાં આ તો હજુ શરૂઆત હતી!



 
 
 

Your Opinion
 
 
Code:
4 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment