મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલામાં દરિયાઇ માર્ગનો આતંકવાદીઓએ ઉપયોગ કર્યાનું ખુલ્યા બાદ કેન્દ્ર સરકારે દરિયાઇ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવ્યાનો દાવો કર્યો છે. પરંતુ એ સુરક્ષાનું સુરસુરિયું થઇ જાય તેવી પ્રવૃત્તિ કસ્મટ દ્વારા આચરાઇ રહ્યાનો ચોંકાવનારો આક્ષેપ ઉઠ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા માછીમારોને મધદરિયે ફીશીંગ વખતે કોઇ અડચણ કે ગેરસમજનો ભોગ ન બનવું પડે તે માટે વિનામુલ્યે ઓળખકાર્ડ ઇસ્યુ કરાય છે. કસ્ટમ વિભાગ તે ઇસ્યુ કરે છે. માછીમારોએ આ માટે ચૂંટણી ઓળખકાર્ડ, પોલીસ સર્ટીફીકેટ, પંચાયત કે નગરપાલિકાનો દાખલો વગેરે જરૂરી પુરાવાઓ રજૂ કરવાનાં રહે છે. કસ્ટમ દ્વારા ઇસ્યુ કરાતા કાર્ડની પણ ચોક્કસ મુદ્દત હોય છે. ગરીબ માછીમારોને રોજગાર મેળવવા માટે ઓળખકાર્ડ વિના બિલકુલ ન ચાલે.
પરંતુ દીવ કસ્ટમ કચેરી ખાતે કાર્ડ ઇસ્યુ કરવા માટે રૂ.૨૦૦ થી લઇ ૧૦૦૦ સુધીની લાંચની માંગણી કરાતી હોવાની ચોંકાવનારી વીગતો મળી છે. જો કોઇ માછીમાર પૈસા ચુકવવાની ના પાડે તો તેને પુરતા પુરાવા હોવા છતાં કાર્ડ મેળવવા ધક્કા ખાવા પડે છે. આનો અર્થ એ થયો કે જો કોઇ દેશ વિરોધી એવા પાંચમી કતારિયા પૈસા આપે તો પણ કસ્ટમ વિભાગ તેને કાર્ડ ઇસ્યુ કરી દે. આ બાબતને લઇને હાલ દીવ માછીમાર સમાજમાં પણ ભારે રોષ ફેલાયો છે. માછીમાર એસોસિએશન આ મામલે દરમિયાનગીરી કરે તેવી માંગ માછીમારોમાંથી ઉઠી છે.