શહેરમાં મચ્છરના ઉપદ્રવ તેમજ ડેન્ગ્યુની સાથે જીવલેણ સ્વાઇન ફ્લૂએ ફરી માથું ઉચકયું છે અને એક મહિલા સહિત બે દર્દીનો ભોગ લીધો છે. આ સાથે શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાંથી સ્વાઇન ફ્લૂના છ અને ડેન્ગ્યુના ચાર કેસ નોંધાતા મ્યુનિ. કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે. ગત શિયાળામાં અનેકોને મોતના મુખમાં ધકેલી દેનારા સ્વાઇન ફ્લૂએ ફરી દેખા દેતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં તાજેતરમાં મુંબઇથી આવેલા પ્રદયુમન મહેતાને સ્વાઇન ફલૂની અસર જણાતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું. જ્યારે નવા વાડજ વિસ્તારના ક્રિષ્નાબેન પટણી નામની મહિલાને સ્વાઇન ફલૂની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, તેમનું પણ શુક્રવારે રાત્રે મોત થયું હતું. બીજી બાજુ શહેરમાં સ્વાઇન ફલૂના વધુ છ કેસ નોંધાયા છે, જેમાં સૈજપુર બોઘા, સરદારનગર, કાલુપુર, ઘાટલોડિયા, ઓઢવ અને પાલડીમાં એક એક કેસ નોંધાયા છે અને તેમાંથી ૩ જણાને સિવિલમાં અને એક જણાને વાડીલાલમાં તથા બે જણાને સ્ટિલઁગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લૂના અચાનક છ કેસ નોંધાતા હેલ્થ ખાતું દોડતું થઈ ગયું છે અને છ જણા જયાં રહે છે તેમની આસપાસના તમામ નાગરિકોની પણ તપાસ કરવામાં આવી રહી છે અને દવાઓ આપવામાં આવી છે.
દરમિયાનમાં મચ્છરનો ઉપદ્રવ વધતાં ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો થઈ રહયો છે અને આજે વધુ ચાર કેસ નોંધાયા છે. મચ્છરનો ઉપદ્રવ ડામવા મ્યુનિ. હેલ્થ અને મેલેરિયા ખાતા દ્વારા ડોર ટુ ડોર સર્વે જેવા અનેક પગલાં લેવાઈ રહયાં છે. તેમ છતાં નાગરિકો અને સંસ્થાઓ વગેરેની બેદરકારીના કારણે મચ્છરની ઉત્પત્તિ વધી રહી છે તેમ મ્યુનિ. સૂત્રોએ જણાવ્યું હતું.
થિયેટર અને કન્સ્ટ્રકશન સાઇટ પર મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો મળતાં ૧૦ હજાર તથા પાંચ હજારનો દંડ
મચ્છરજન્ય રોગચાળાને ડામવા મ્યુનિ. કર્મચારીઓએ હાથ ધરેલી તપાસમાં ગુજરાત હાઇકોર્ટ સામે આવેલા રેડ કાપેgટ અને સિનેમેકસ સિનેમા કોમ્પ્લેકસ પરિસરમાં મચ્છરના લારવા મોટા પ્રમાણમાં મળી આવતાં દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. પાલડીમાં કેતુ કોટયાર્ડ બિલ્ડિંગ કન્સ્ટ્રકશન સાઇટને પાંચ હજાર, પરિમલ રેલવે ક્રોિંસગ પાસે રત્ન કળશ કન્સ્ટ્રકશન સાઇટને બે હજાર અને પાલડીમાં પંડયા કોલેજ રોડ ઉપર પુષ્કર કન્સ્ટ્રકશન સાઇટને પાંચ હજાર દંડ ફટકારવામાં આવ્યો છે.