ગુજરાત અને દીવનાં પાકિસ્તાન જેલમાં બંદીવાન માછીમારોને મુકત કરવા પ્રશ્ને દમણ-દીવનાં સાંસદે નવી દિલ્હી ખાતે વિદેશ મંત્રીની મુલાકાત લઈ ધારદાર રજુઆત કરી હતી. સાંસદ બાલુભાઈ પટેલ અને રામજીભાઈ પારસમણીએ વિદેશમંત્રી એસ.એમ. ક્રિષ્નાને રૂબરૂ મળી ધ્યાન દોયું હતું કે, ગુજરાત અને દીવનાં ૫૩૭ માછીમારો પાક જેલમાં બંદીવાન છે. જેમાં દીવનાં ૧૦૯ માછીમારોનો સમાવેશ થાય છે. પાકિસ્તાન મરીન સીકયુરીટી બોટો સાથે માછીમારોનું અપહરણ કરી જેલમાં ધકેલી દે છે. અને તેમનાં પર અમાનુષી ત્રાસ ગુજારે છે. માછીમારો પાક જેલમાં બંદીવાન બનતાં તેમનાં પરિવારજનો પર અનેક પ્રકારનાં આર્થિક-માનસિક સંકટોનાં વાદળો ઘેરાય છે અને બેહાલીની જીંદગીમાં ધકેલાય જાય છે. વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં બંને દેશોનાં વિદેશમંત્રી અને વિદેશ સચિવોની ઈસ્લામાબાદ ખાતે મળેલી મીટિંગમાં ૪૩૪ માછીમારોને મુકત કરવાનો સૈધ્ધાંતિક નિર્ણય લેવાયો છે. અને ૧૫ મી ઓગષ્ટ પહેલા માછીમારોને મુકત કરવાની વિચારણા ચાલી રહી હોવાનો સંકેત પણ આપ્યો હતો. ભારતીય માછીમારો માદરે વતન આવે એવી આશાથી બંદીવાન માછીમારોના પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ છે.