નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ચંદ્રકાંત મોરેએ સાગબારાના નાલગામના ખૂનકેસની તપાસ કરી હતી જેમાં ચંદ્રકાંત મોરેએ ઇન્કવેસ્ટ ભરવાની કામગીરી કરી હતી.
જ્યારે અનવર અને વણકર નામના બે શખ્સોએ બનાવને નજરે જોયા હોવાનો પુરાવો તપાસમાં રજૂ થયો હતો તેમ છતાં બંને સાક્ષીઓ બનાવ સમયે હાજર ન હોવાનું તેમજ મરનારની લાસ છતી હાલતમાં હોવા છતાં ઉધી હાલતમાં હોવાનું અને ગુનાવાળી જગ્યાનું પંચનામુ પોતે ન કર્યું હોવા છતાં તેમણે પંચનામુ કર્યું હોવાનું ચંદ્રકાંત મોરેએ અદાલત સમક્ષ જુબાની આપતી વેળા જણાવ્યું હતું. આ ઉપરાંત મરનારની પત્ની તથા માતાના કપડા ઉપર મરનાર વ્યક્તિનુ લોહી ન હોવા છતાં બંનેના કપડા લોહીવાળા હોવાનું ચંદ્રકાંત મોરેએ જણાવ્યું હતું.
આરોપીઓને બચાવવા માટે ખોટી જુબાની આપી કેશને નુકશાન પહોંચાડનાર ચંદ્રકાંત મોરે વિરૂદ્ધ પોલીસ સત્તાધિશોએ કાયદેસરની કાર્યવાહી કરી રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી એલસીબીના પીએસઆઇ જે.ડી.ડાંગરવાલાને તપાસ સોંપી છે.
એએસઆઈને બે દિવસ અગાઉ સસ્પેન્ડ કરાયો
સાગબારા તાલુકાના ચાપડ ગામે રહેતાં આદિવાસી પરિવારના ૧૬ વર્ષીય પુત્ર સહિત અન્ય સભ્યોને બેરહેમી પુર્વક માર માર્યો હતો. ગત વર્ષે નવેમ્બર માસમાં બનેલી ઘટનામાં એએસઆઈ ચંદ્રકાંત મોરે ચાપડ ગામે તપાસ માટે ગયો હોવાની વિગતો સપાટી પર આવી છે. આદિવાસી પરિવાર ઉપર અમાનુષી ત્રાસ ગુજારનાર એએસઆઈ સામે ચાઈલ્ડ વેલફેર સમિતિમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. નર્મદા જિલ્લા પોલીસવડાએ ઘટનાની ગંભીરતા સમજી તપાસ કરાવી હતી. જેમાં ચંદ્રકાંત મોરે કસુરવાર હોવાનું બહાર આવતા જિલ્લા પોલીસવડા દિવ્ય મિશ્રાએ બે દિવસ અગાઉ તેને સસ્પેન્ડ કરી દીધો હતો.