દુનિયાના વેપારીઓ ખરીદી કરશે, જેથી તમામને ભાવમાં પણ લાભ થશે : નાયબ વન સંરક્ષક સંદીપસિંગ
ગુજરાત રાજ્યોના જંગલ વિસ્તાર ધરાવતા જિલ્લાઓ પૈકી આજરોજ વલસાડ સર્કલમાં આવેલ ડાંગ જિલ્લામાંથી સૌપ્રથમ લાકડાની ઓનલાઈન ઈ-ઓકશન પદ્ધતિથી હરાજી કરવામાં આવી હતી. રાજ્યના વન વિભાગના અગ્ર સચિવ અને ડાંગ જિલ્લાના પ્રભારી સચિવ ડૉ. એસ.કે.નંદાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ઓનલાઈન હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો.
દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક પ્રદિપસિંગે જણાવ્યું હતું કે આ ઈ-ઓકશન પદ્ધતિથી હરાજી શરૂ કરાતા માલિકીના લાભાર્થીઓને મહત્તમ લાભ મળશે. તાજેતરમાં જ હીરા ઉદ્યોગમાં ઈ-ઓકશન પદ્ધતિથી હરાજી કરવામાં આવી હતી. ઓકશન પદ્ધતિનો વિકાસ જી.એન.એફ.સી.ના મેનેજર કલ્પેશ શેઠ દ્વારા કરાયો છે. આ ઓનલાઈન હરાજીમાં સમગ્ર દેશ તેમજ વિશ્વમાંથી પણ વેપારીઓ ભાગ લઇ શકશે. આમ હરાજીની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક બની રહેશે. હાલમાં દક્ષિણ ડાંગ મારફત આજરોજ ઓનલાઈન હરાજીમાં ૫૦ લોટ મુકવામાં આવ્યા હતા.
વન વિભાગની આ પહેલથી આમ વેપારી અને માલિકીના વૃક્ષો ધરાવનાર બંનેને લાભ થશે. હરાજીની આ પ્રક્રિયાને ભારે પ્રતિસાદ મળ્યો હતો. ૧૩મી સપ્ટેમ્બરના રોજ વલસાડ અને ઉત્તર ડાંગ વિભાગની હરાજી થઈ હતી. ડૉ.બી.સુચિન્દ્રા, જી.એન.એફ.સી.નાઅધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓએ હરાજીની સમગ્ર કામગીરી પાર પાડી હતી.
આ સાથે વન વિભાગે પણ ટેકનોલોજિના ઉપયોગ સાથે નવતર અભિગમ અપનાવ્યો તેને બધી બાજુથી આવકાર મળ્યો છે. ઓનલાઇન હરાજીમાં ૪૦૦ જેટલા વેપારીઓએ રસ દાખવી ભાગ લીધો એજ બતાવે છે કે વનવિભાગને આ કાર્યમાં સારી સફળતા મળી છે. આ સાથે વેચનાર અને ખરીદનાર બંને માટે પારદર્શી વ્યવહાર બની ગયો છે.