વલસાડના ઇતિહાસમાં ગુરૂવારનો દિવસ સૌથી ઠંડો રહયો હતો. અહિં ન્યુનત્તમ તાપમાનનો પારો સૌ પ્રથમવાર પ.૦પ ડિગ્રી નીચું ગગડી જતાં વલસાડ ઠંડુગાર બની ગયું હતુ. હિમપ્રપાતનો એહસાસ કરાવે તેવી ઠંડી પડતાં લોકોમાં ધુ્રજારો વ્યાપી ગયો હતો. બુધવારે ૮ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન નોંધાયા બાદ એક જ દિવસમાં ઠંડીનો પારો અઢી ડિગ્રીના કડાકા સાથે ઐતિહાસિક ઢબે ગગડી જતાં લોકો થથરી ઉઠયા હતા. ગત રાત્રિથી લઇ બીજા દિવસ દરમિયાન પણ વાતાવરણ ઠંડુગાર થઇ જતાં લોકોએ સૂર્યના કિરણોનો ગરમાટો મેળવવાના પ્રયાસો કર્યા હતા. સવારે અને મોડી સાંજે તીવ્ર ઠંડકને લઇ માર્ગો સૂમસામ થઇ ગયા હતા.
આ વર્ષે શિયાળાની ઋતુ દોઢ માસ લંબાયા બાદ ડિસેમ્બરનાં બીજા સપ્તાહથી ૧૮ થી ૨૦ ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જો કે મહત્તમ તાપમાન ૩૧ થી ૩પ ડિગ્રી રહેતા ગરમીનુ પ્રમાણ ખાસ્સુ રહેવાના પગલે શિયાળાની અસર વર્તાઇ ન હતી. પરંતુ ત્યારબાદ ૯ જાન્યુઆરીએ દાયકાનુ સૌથી નીચું તાપમાન ૮ ડિગ્રી નોંધાતા કડકડતી ઠંડીની લોકોએ અનુભૂતિ કરી હતી. આ ઘટના બાદ છેલ્લા એક માસથી ઠંડીનો પારો સરેરાશ ૯ થી ૧૪ ડિગ્રી વચ્ચે રહેતા ઠંડકનો માહોલ છવાયો હતો. બીજી તરફ મહત્તમ તાપમાન પણ સરેરાશ ૨૬ થી ૩૧ ડિગ્રી નોંધાતા બંન્ને તાપમાનમાં ઘટાડાથી ખાસ્સી ઠંડી રહી હતી. દરમિયાન બુધવાર ફરીથી તાપમાન નીચુ ઉતરીને ૮ ડિગ્રી થયા બાદ બીજા જ દિવસે ગુરૂવારે અઢી ડિગ્રીના ઘટાડા સાથે તાપમાનનો પારો પ.૦પ ડિગ્રી સેલ્સિયસ નીચે ગગડી જતાં હાડકા થિજાવી દે તેવી તીવ્રતા સાથે ઠંડી પડતા ચારેકોર વાતાવરણમાં હિમ જેવી ઠંડકનો માહોલ સર્જાયો હતો. આખો દિવસ ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ ગરમ વસ્ત્રો પેહરીને ઘરની બહાર નીકળવાની નોબત આવી હતી.
નાના ભૂલકાંઓને ગરમ વસ્ત્રો કાનટોપી પહેરાવી ઘણા વાલીઓ સ્કુલના રિક્ષાના બદલે જાતે જ શાળાએ મુકવા આવવાની પરિસ્થિતિ સર્જાઇ હતી. દ્વિચક્રી વાહનચાલકોની હાલત વધુ કપરી બની ગઇ હતી. ગરમ વસ્ત્રો ધારણ કરવા છતાં સ્ટિયરિંગ ઉપર હાથના પંજા ઠંડીથી થીજી ગયા હોય તેવી સ્થિતિનુ નિર્માણ થયું હતું.