જ્યારે 'રેખા'ને જીતવા અમિતાભ જાણી જોઈને 'હારી' ગયાં...!

ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ –51
છેક 1995ની સાલથી હું ‘રણમાં ખીલ્યું ગુલાબ’ નામની કટાર લખતો આવ્યો છું. મોટાભાગની સત્ય ઘટનાઓ ઉપર આધારીત આ પ્રણયકથાઓમાં હું સ્ત્રી-પુરુષ વચ્ચેના નાજુક સંબંધોનું અલગ-અલગ ‘એન્ગલ’થી નિરૂપણ કરતો રહ્યો છું. એના માટે મારે સેંકડો-હજાર પ્રેમી પંખીડાઓને મળવું પડ્યું છે. દરેક યુગલની વાત જુદી, જાત જુદી, ભાત જુદી, પણ મને એમના મિલનની રીતમાં જેટલો રસ નથી પડ્યો એટલો રસ એ જાણવામાં પડ્યો છે કે એ લોકો વિખૂટા શી રીતે પડ્યા! (મોટા ભાગના પ્રમી-પ્રેમિકાઓ આખરે તો છૂટા જ પડી ગયાં છે.)
મરીઝ સાહેબે સાચું જ કહ્યું છે :
“બધો જ આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ. ”
દરેક પ્રેમી પ્રેમિકાના સંસ્કાર એમના અલગ થતી વેળાની રીતમાં પરખાઈ આવે છે. હળવાશથી કડવાશ સુધી, સમાધાનથી સંઘર્ષ સુધી અને પરસ્પરની સમજણથી લઈને આત્મહત્યાની કોશિશ સુધીની ‘રેન્જ’ જોવા મળી છે મને. ક્યાંક અદાલતી કાર્યવાહી તો ક્યાંક અખબારી ભવાડો, ક્યાંક મારામારી તો ક્યાંક એસીડ ફેંકીને બદલો લેવાની વૃત્તિ. જે વ્યક્તિને એકવાર ભરપૂર પ્રેમ કર્યો હોય એના ચહેરા પર કોઈ જલદ તેજાબ શી રીતે ફેંકી શકે !
છૂટા પડવાની સૌથી સંસ્કારી રીત સાહિર લુધ્યાનવીએ બતાવી છે. :
“વો અફસાના જીસે અંજામ તક લાના ના હો મુમકિન, ઉસે ઈક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા.”
જો પ્રેમસંબધની રમ્ય નવલકથાના વધારે પ્રકરણો લખવાનું શક્ય ન જ હોય તો એને એક સુંદર વળાંક આપીને પૂરી કરી દેવી જોઈએ.
અમિતાભ અને રેખાએ આવું જ કર્યું.
-જીવનનો જૂગાર
એખ વાર બોની શ્રીકાંતના ફ્લેટ પર અમિતાભ પત્તાનો જુગાર રમવા બેઠા હતા. ચાર-પાંચ અંતરંગ મિત્રો હતા; સાથે રેખા પણ હતી. બંનેની વચ્ચે હજું ‘રંગ બરસે’ જેવો સંબંધ આકાર પામ્યો ન હતો.
હણહણતા તોખાર જેવો પુરુષ હરિયાળા મેદાનાના કુણાં,ભીનાં ઘાસ પર ડાબલા માડવા માટે થનગનતો હતો. બોની શ્રીકાંત જોઈ શકતા હતા કે અમિતાભ જાણી જોઈને બાજી પર બાજી હારતા જતા હતા.રેખાને જીતાડવા માટે ફાલતુ પત્તા પર પણ મોટી રકમ મુક્યે જતા હતા.
બોનીએ એને ખેચી જઈને પુછ્યું હતુ “અમિત તું આ શુ કરે છે.?” અમિતાભનો ઉત્તર હતો, “ પ્રેમમાં જીતવુ હોય તો ક્યારેક જુગારમાં હારવુ પડે છે.”
દાયકાઓ પછી જ્યારે રેખાના ધ્યાન પર આ વાત લાવવામાં આવી ત્યારે એને ખુબ નવાઈ લાગી હતી. પછી જ્યારે એને પુછવામાં આવ્યુ હતુ, “ શું તમે આ વાતને સાચી માનો છો? અમિતજીએ કહ્યુ તે વાતમાં તમે સંમત છો?”
રેખાએ માથુ હલાવીને જવાબ આપ્યો હતો, “ના,હું એવુ નથી માનતી. જુગારમાં હારીને તમે કોઈનુ દિલ જીતી નથી શકતા. પત્તાનો જુગાર એ જિંદગીનો જુગાર હરગીઝ નથી.”
રેખાની માન્યતા કમ-સે-કમ એના પોતાના માટે તો સાચી જ સાબિત થઈ. પત્તાનો જુગાર જીતી ચૂકેલી એ સ્વપ્નિલ યુવતિ જિંદગીનો જુગાર બહુ કરુણ રીતે હારી ગઈ.
‘સિલસિલા’ વખતે પુર બહારમાં ખીલી ઉઠેલો પ્રેમ સબંધ આખરે આકસ્મિક રીતે સમાપ્ત થઈ ગયો. કારણ આકસ્મિક હતુ. અને શબ્દશ: એક અકસ્માત જ હતું.
એ અકસ્માત ‘કુલી’ના શુટીંગ દરમ્યાન થયો હતો. ઈજા અમિતાભને પહોચી હતી, પણ જીવસટોસટનો જંગ અંતે તે જીતી ગયા હતા.પરંતુ ક્યારેક ભરી ન શકાય તેવો ઘેરો ઝખમ રેખાને પહોચ્યો હતો અને મૃત્યુ છેવટે એ બંન્ને વચ્ચેના પ્રણયનુ થયુ હતુ.
એ બંન્ને સાહિરે ચિંધેલી રીત પ્રમાણે છુટા પડી ગયા; જે સફરને લંબાવી શકાય તેમ ન હતી, એને એક ખુબસુરત વળાંક આગળ ખતમ કરી દીધી.
એક ઐતહાસિક અંત
1982નુ વર્ષ હતુ. 24મી જુલાઈની તારીખ હતી.એ દિવસે શનિવાર હતો. મનમોહન દેસાઈની ફિલ્મ ‘કુલી’નુ બેંગલોરમાં શુટીંગ ચાલી રહ્યુ હતુ. મનમોહન દેસાઈ હિંદી ફિલ્મ ઉદ્યોગનુ મોટુ માથુ હતા. ધડમાથા વગરની ચીલાચાલુ ફિલ્મો બનાવવામાં એમનો કોઈ વિકલ્પ ન હતો.
બચપણમાં વિખુટા પડીને દાયકાઓ બાદ પાછા ભેગા મળેલા ભાઈઓની એકની એક કથાવાળી કૈંફ ફિલ્મો બનાવી શકવાની એમનામાં આવડત પણ હતી અને હિંમત પણ.’લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ એ એમની અત્યંત પ્રિય ‘થીમ’ હતી.
એક વાત કબુલ કરવી જ રહી.ભારતીય સિનેરસાકોની એ એના હાથમાં અવાસ્તવીક વાર્તાને એ મનોરંજનના ‘પેક’માં એવી તો સજાવીને પેશ કરી આપતા કે ટિકિટબારી પર એ ફિલ્મ ટંકશાળ સાબિત થઈ જતી હતી.
અમિતાભના સંઘર્ષના દિવસોમાં આ જ મનમોહન દેસાઈએ એને પોતાની ફિલ્મમાં કામ કરવાની જડબેસલાખ ના પાડી દીધી હતી. ખાનગીમાં એમણે આ શબ્દો કહ્યા હતા: “એનો ચહેરો ઘોડા જેવો છે.”
એ જુદી વાત છે કે આ અશ્વમુખી કલાકારે જ્યારે પોતાની જાતને લાંબી રેસનો ઘોડો સાબિત કરી આપ્યો,એ પછી મનમોહન દેસાઈએ પોતાની દરેક ફિલ્મમાં એને જ લેવાનુ પસંદ કર્યુ. અમર-અકબર-એન્થોની,નસીબ,સુહાગ,પરવરીશે જેવી પાંચ અને(છઠ્ઠી ‘કુલી’ તો ખરી જ) એની સાથે બનાવી. અને દેશભરમાં ધુમ મચાવી દીધી હતી. હવે એમનુ વાક્ય આ હતુ : “ જો અમિત મારી સાથે ફિલ્મ કરવાની ના પાડશે, તો હુ ફિલ્મો બનાવવાનુ બંધ કરી દઈશ.”
આટલુ કહ્યાં પછી એક વાત કબુલ કરવી જ રહી કે મનમોહન દેસાઈ જેવો મનોરંજનનો મહારાજા એક માત્ર રાજકપુરને બાદ કરતા બીજો કોઈ પાક્યો નથી. મગજને ઘરે મુકીને એમની સિનેમાઓ જોવા જાવ, તો તમે ક્યારેય નિરાશ નહી થાવ! આ કામ પણ અધરુ છે બીજા દિગ્દર્શકો આવુયે કરી શકતા નથી. વાહિયાત કથાવસ્તુ પરની ફિલ્મો પણ હવે તો વાહિયાત જ બને છે.
‘કુલી’ એ અમિતાભ સાથેની મનમોહન દેસાઈની છઠ્ઠી ફિલ્મ હતી. એ દિવસે જે દશ્યનુ ફિલ્માંકન કરવાનુ હતુ એ આવુ હતુ: કુલી બનતા અમિતાભને જાણ થાય છે કે ચીટફંડના વહિવટમાં રુપિયાની ઘાલમેલ થઈ રહી છે. બેંગ્લોરની ભારતી યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં ચીંટફંડનો સેટ ઉભો કરવામાં આવ્યો હતો.અમિતાભ ત્યાં પહોચી જાય છે.અને ખલનાયક પુનિત ઈસ્સારની સાથે મારામારી કરે છે.
અમિતાભ બચ્ચનને બેંગ્લોરની ‘વેસ્ટ એન્ડ’ હોટલના લક્ઝુરીઅસ સ્યુટમાં ઊતારવામાં આવ્યા હતા. લગભગ બે અઠવાડીયાથી તેઓ બેંગ્લોરમાં હતા.જયાજી થોડાક દિવસો પહેલા પોતાના કાકા હિમાંશુ ભાદુડી(જેઓ કેન્સરની વ્યાધીના કારણે આયુષ્યના અંતિમ પડાવ પર હતા)ને છેલ્લી વાર લંડન જોવા માટે ગયા હતા. ત્યાંથી પાછા મુંબઈ આવ્યા કે તરત જ અમિતજીએ એમને ફોન કર્યો હતો,” મને અહી એકલા ગમતુ નથી,તુ બાળકો સાથે થોડા દિવસ બેંગ્લોર આવી જા !”
છેલ્લા ત્રણ દિવસ જયા અને બંન્ને બાળકો અમિતજીની સાથે જ હતા. એ દિવસ અન્ય દિવસોની જેવો જ સામાન્ય દિવસ હતો.જ્યારે હોટલમાંથી નિકળ્યા ત્યારે અમિતાભ બચ્ચનને ક્યાં ખબર હતી કે એમની સાથે શુ બનવાનુ છે ?
સેટ પર પહોચ્યા પછી અમિકજીને દશ્ય સમજવવામાં આવ્યુ. મનમોહનજીને પુછ્યું "પુરો ફાઈટ સીન"તો લાંબો છે, આપણે શુ કરવુ છે? આખુ દશ્ય ડમીને લઈને શુટ કરવુ છે? કે પછી....? "મનજી તમે તો જાણો છો કે મને ફાઈટ કરવી ગમે છે. એમાં જો કેમેરા મારા પર કેન્દ્રીત રહે તો મને વધારે ગમે છે. આ પહેલુ દશ્ય તો સાવ મામુલી છે. પુનિત મને મુક્કોમારશે, મારે એનો વાર છાતીની નીચે પેટના ડાબા પડખા ઉપર ઝીલી લેવાનો રહેશે, પછી તરત જ હુ પલ્ટી મારીને પાછળના ટેબલ ઉપર ફેકાઈ જઈશ,એ પછીના દશ્ય માટે તમે ડમીનો ઉપયોગ કરી શકશો. "
મનજી સંમત થઈ ગયા જે કલાકાર ઉડતા હેલિકોપ્ટરમાંથી દોડતી ટ્રક પર છલાંગ લગાવી શકતો હોય એના માટે ચાંર પાંચ સેકન્ડનુ આ દશ્ય તો નગણ્યું કહી શકાય તેવુ હતુ.
પહેલા રિહસલ કરવામાં આવ્યુ ,ત્યાં સુધી બધુ સરસ રહ્યુ, હવે ફાઈનલ ટેક લેવાનો સમય આવ્યો .મનજીએ મોટેથી આદેશ આપ્યો "સાયલન્સ પ્લીઝ.., લાઈટ્સ.., કેમેરા રોલિંગ.., સાઉન્ડ.., એકશન.., સ્ટાર્ટ..,"એ સાથે જ હવે ટેકનિકલ ટીમ તૈયાર થઈ ગઈ. પુનિતના ઈસારે તેમણે હાથ હવામાં ઊછાળ્યો અને અમિતજીના પેટના ડાબા હિસ્સામાં મારી દીધો.પુનિતનો મુક્કો વાગતાની સાથે જ અમિતજી પલ્ટી ખાઈને ટેબલ સાથે અથડાયા અને પછી જમીન ઉપર પડી ગયા. આ છેલ્લુ પગથિયુ એ દશ્યનો ભાગ ન હતુ.
મનમોહન દેસાઈએ બુમ મારી "કટ"એ સાથે જ બધાએ અમિતાભ પેટ પર હાથ દબાવીને કમરથી સહેજ ઝુકી જઈને આગળ વધીને ખુરશી પર બેસી પડ્યા હતા. મનમોહનજી એમની પાસે દોડી ગયા. શું થયુ અમિત? લાગે છે મુક્કો ખોટી જગ્યાએ વાગી ગયો છે..પીડા થઈ રહી છે.અમિતાભનો હાથ હજુ પણ પેટ પર જ હતો.
આ ઘટના બની ત્યારે બપોરના ત્રણ વાગ્યા હતા. એકવીસમી જુલાઈની બપોર અને ત્રણ વાગ્યાનો સમય.ભગવાન સિવાય બીજા કોઈને ખબર ન હતી કે અમિતાભના પેટની અંદર કેટલી ગંભીર ઈજા થઈ ચૂકી છે !
દસ મિનીટ પસાર થઈ ગઈ.અમિતાભ હજુ પણ માથુ ઝુકાવીને બેસી રહ્યા હતા.ઉપર છેલ્લો માર હોય તો સામાન્ય રીતે આટલીવારમાં કળ મનમોહનજીએ અમિતાભનુ શર્ટ ઉચુ કરીને પેટ પર નજર ફેરવી લીધી હતી.ત્યારે બ્રાહ્ય ઈજાની કોઈ જ નિશાની દેખાતી ન હતી.પણ અમિતજીના ચહેરા ઉપર તો માત્ર પીડાની લીપી અંકાયેલી હતી..
મનજી તેમ તોય ગુજરાતી માણસ. ઘરગથ્થુ ઉપાયો અજમાવ્યા વગર એ કેવી રીતે રહી શકે . એમની સાદી સમજણ એવી હતી કે જો પેટમાં વાગ્યુ હોય તો એ વાતની ચકાસણી બે રીતે કરી શકાય, કાં તો મોં વાટે કશુક અંદર નાખીને અથવા ટોઈલેટમાં જઈને કશુક બહાર કાઢીને. જો આ બન્ને ક્રિયાઓ સારી રીતે થઈ શકતી હોય તો આંતરડામાં બધુ ઓલ ઈઝ વેલ છે એવુ માની શકાય.
મનજીએ કોફી મંગાવી. અમિતજી પી ગયા. દર્દમાં જરા પણ ફર્ક ન પડ્યો.મનજીએ એમંને ટોઈલેટમાં ધકેલ્યા.અમિતજી પેશાબ કરીને પાછા આવ્યા. દર્દ ચાલુ જ હતુ. અમિતજીએ સેટ પર આંટા માર્યા, બહાર આવીને ખુલ્લી હવામાં હર્યા ફર્યા (આ બધી ક્રિયાઓ એમના માટે જીવલેણ બની રહેવાની હતી.એમના પેટની અંદર આંતરડામાં ઈજા પહોચી હતી.આંતરડુ ફાટી ગયુ હતુ, કોફી પીવી, ટોઈલેટમાં જવુ, બહાર નિકળવુ, હલનચલન કરવુ, આ બધાને કારણે એમના ફાટેલા આંતરડામાંથી અંદરનો કચરો પેટના પોલાણમાં ફેલાઈ જવાનો હતો.
સાચો રસ્તો એ હતો કે કોઈ કુશળ ડૉકટર તાત્કાલીક આ વાતનુ નિદાન કરી આપે અને એજ સમયે (એક ક્ષણ વેડફ્યા વિના) એમના પેટ પર ઓપરેશન કરીને ફાંટેલા આંતરડાને સીવી આપે.પણ હિન્દી ફિલ્મ ઈતિહાસના આ શ્રેષ્ઠ અભિનેતાના નસીબમાં વિધાતાએ કશુક જુદુ જ લખેલુ હતુ. અડધા કલાક પછી પણ રાહત ન થઈ, એટલે અમિતાભ હોટલ પર પાછા ફર્યા. શુટીંગ રદ કરી દેવામાં આવ્યુ.
ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ - ૫૦
ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ – ૪૯
ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ – ૪૮
ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ – ૪૭
ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભબચ્ચન, પ્રકરણ – ૪૬
ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ – ૪૫







