પારડીના સુખેશ અને વલસાડના ધમડાચીમાં પરિવારો બેઘર બન્યાં
ભારે વરસાદને પગલે પારડી અને વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે રાત્રે કાચા મકાનો તૂટી પડ્યા હતા.
પારડીના સુખલાવ, સુખેશ, બોદલાઇ, રામપોર ગામે ગત મોડીસાંજે ભારે વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાતા સુખેશ ગામે કાચા મકાનોના પતરાં ઉડી જતા ઘરવખરીના માલસામાનને ભારે નુકસાન થયું હતું. જ્યારે વલસાડના ધમડાચી ગામે કમુબેન બાબુભાઇ રાઠોડનું કાચુ મકાન ભારે પવનને લઇ તૂટી પડતા હાલમાં વૃધ્ધા અને તેનો પુત્ર બે ઘર બન્યા છે.
બીજી તરફ સુખલાવમાં રહેતા મંજુબેન પરાગભાઇ પટેલના ઇન્દિરા આવાસ મકાન પર તોતિંગ વૃક્ષ તૂટી પડતા મકાન ધરાશાયી થયું હતું. પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી. વરસાદને પગલે મોટા વૃક્ષો તૂટી પડતા અનેક વીજ થાંભલાને નુકસાન થતા બત્તીઓ ગુલ થઈ ગઈ હતી.
આ ચક્રવાત પવનને કારણે વરસાદી માહોલ વચ્ચે જીવતા વીજતાર રસ્તા પર તૂટી પડતા લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. સમગ્ર પંથકમાં અંધારપટ છવાઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતા પારડી તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ તલાટીઓએ પંચ કેસ કરી સ્થળ નિરીક્ષણ કર્યું હતુ.