ટાવરટાંકીથી પાણી સપ્લાય કરતી મુખ્ય લાઇનમાં ટી જોઇન્ટની રિંગ તૂટી જતાં પાણીપુરવઠો ખોરવાયો
ભરૂચ નગરપાલિકા સત્તાધીશોની બેદરકારીના કારણે ગત વર્ષે ટાવરટાંકીની લાઇનનો વાલ્વ ધડાકાભેર ફાટવાની બનેલી ઘટના બાદ પાઇપલાઇનના સમારકામ માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યાં હતા,પરંતુ જૂની પાઇપલાઇનો બદલવાની તસ્દી નહિ લેવામાં આવતાં ગુરુવારે મોડી સાંજે પાઇપલાઇનમાં ભંગાણ પડવાની ઘટના બનતાં જુના ભરૂચ વિસ્તારમાં રહેતાં પ૦ હજારથી વધારે લોકોને વધુ એક વખત પાણીના વલખાં પડી ગયાં હતાં. શહેરના વ્હોરવાડ વિસ્તારમાં આવેલી ટાવર ટાંકી પાલિકા સત્તાધીશો તથા સ્થાનિક રહિશો માટે છાશવારે આફત નોંતરી રહી છે.
ગુરુવારે મોડી સાંજે ટાવરટાંકીમાંથી લોકોના ઘર સુધી પાણી પહોંચાડતી લાઇનમાં ભંગાણ પડતાં સ્થાનિક રહિશોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ગુરુવારે સાંજથી નગરપાલિકાના કર્મચારીઓ પાઇપલાઇનનો ફોલ્ટ શોધવામાં લાગી ગયાં હતાં, પરંતુ છેક શુક્રવારે બપોરે તેમને ફોલ્ટ મળી આવ્યો હતો. પાઇપલાઇનના ટી જોઇન્ટની રિંગ તુટી ગઇ હોવાનું જાણવા મળતાં પાલિકાએ તેના સમારકામની કામગીરી હાથ ધરી હતી.
શુક્રવારે સવારે ટાવરટાંકીમાંથી પાણી મેળવતાં મોટાભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો મળ્યો નહિ હોવાની ફરિયાદો ઉઠી હતી પરંતુ પાલિકા સત્તાધીશોએ બપોર બાદ ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનો દાવો કર્યો હતો. સ્થાનિક નગર સેવિકા તસ્નીમ ઘડિયાળીના જણાવ્યાં અનુસાર શુક્રવારે સવારથી ફુરજા રોડ, કતોપોર બજાર,કોટ પારસીવાડ, ભિઠયારવાડ, મલબારી દરવાજા, બંબાખાના,વેજલપુર, શેરપુરા સહિતના વિસ્તારોમાંથી પાણી નહિ આવ્યું હોવાની બુમો ઉઠી હતી.
ટેન્કરો મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું છે : પ્રમુખ
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સનત રાણાએ જણાવ્યું હતું કે, ટાવરટાંકીની લાઇનમાં પડેલાં ભંગાણને શુક્રવારે રાત સુધીમાં રિપેર કરી દેવાશે જેથી શનિવારે પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે. શહેરીજનોને પાણી મળી રહે તે માટે ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે. જુની પાઇપલાઇનો બદલવા માટે પાલિકાએ યોજના તૈયાર કરી છે જે અંતિમ તબકકામાં હોવાથી ટુંક સમયમાં તેની કામગીરી પણ શરૂ કરી દેવાશે.