વાપીની કંપનીમાં બુધવારે બપોરે મશીનના સ્પેરપાર્ટ છટકીને કામદાર પર પડતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. ઘટનાની જાણ જીઆઇડીસી પોલીસને કરાતાં પોલીસે એફએસએલની ટીમને બોલાવી જરૂરી તપાસ હાથ ધરી હતી.
વાપી ફર્સ્ટ ફેઇઝના પ્લોટ નં-૮૫/ડીમાં આવેલી મોદીસન મેટલ લિ.કંપની કોપરની ચીજ-વસ્તુનું ઉત્પાદન કરે છે. બુધવારે બપોરે અઢી કલાકે કંપનીના હાઇડ્રોજિક મશીન પર સેટિંગનું યોગેન્દ્ર પી.જાડેજા (રહે.વલસાડ, ઉ.વ.-૨૨) કામ કરી રહ્યાં હતાં. ત્યારે મશીનના હેથલનો ભાગ છટકી યોગેન્દ્રને માથાના ભાગે લાગ્યો હતો.
મશીનના સ્પેરસ્પાર્ટથી ગંભીર રીતે ઘવાયેલા યોગેન્દ્રના લોહીથી સ્થળ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને તે સ્થળ પર જ ઢળી પડયો હતો. બનાવની જાણ થતાં કંપનીના કામદારો એકત્ર થઇ ગયાં હતાં. યોગેન્દ્રનું ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ જીઆઇડીસી પોલીસને કરાતાં પોલીસની ટીમ ઘસી આવી હતી.ઘટના અંગે યોગેશની ફરિયાદ નોંધાવતા અકસ્માત ગુનો નોંધાયો હતો.