વલસાડ શહેર માટે ડુડા (ડીસ્ટ્રિક્ટ અર્બન ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા રાજ્ય સરકારની મોડેલ પાલિકા યોજના અંર્તગત મળેલી ગ્રાન્ટને તાંત્રિક મંજૂરી બાદ ડામરના નવા માર્ગોની કામગીરીનો આગામી સપ્તાહથી આરંભ થશે. પાંચ વર્ષથી ખખડેલા માર્ગો બનાવવા ડૂડા ચેરમેન અને કલેક્ટર એલ.સી. પટેલ ગ્રાન્ટની વહીવટી મંજૂરી બાદ પાલિકા દ્વારા તમામ પ્રક્રિયા સંપન્ન કરી દેવાઈ છે.
વલસાડ નગરપાલિકાએ શહેરમાં નવા માર્ગો બનાવવા માટે તા.૮ ઓગસ્ટ ૨૦૧૧માં શહેરી વિકાસ વિભાગને દરખાસ્ત મોકલી હતી. મોડેલ પાલિકા હેઠળ આ દરખાસ્તની વહીવટી મંજુરી મળ્યા બાદ ગ્રાન્ટ ડૂડાને મોકલી આપી હતી. ડૂડા ચેરમેન અને કલેક્ટરે તેને વહીવટી મંજુરી આપી હતી. જે આધારે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હવે આગામી સપ્તાહે આ નવા માર્ગોની કામગીરી હાથ ધરાશે.
પાંચ વર્ષથી બિસ્માર થઇ ગયેલા માર્ગોને લઇ શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતા. રાજ્ય સરકારની આ યોજના હેઠળ શહેરના ગૌરવ પથ, આદર્શ પથ અને વિકાસ પથના કામોનો પ્રારંભ આગલા સપ્તાહથી શરૂ કરાશે, તેવું પાલિકા પ્રમુખ રાજુ પટેલ (મરચાં)એ જણાવ્યું હતું. મોગરાવાડીનો આ માર્ગ ૨૦ વર્ષ બાદ નવો બનાવાશે.