- વાગરામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો
- ભરૂચ, જંબુસર, સોનગઢ સહિત વાલોડમાં પણ ઝાંપટા પડ્યા
શનિવારે દક્ષિણ ગુજરાતના વાલોડ, સોનગઢ,ભરૂચ, જંબુસર, સહિત વાગરા પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.જ્યારે ભાવનગરના સિહોરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું.
શનિવારે બપોર બાદ સર્જાયેલા લો-પ્રેશરને પગલે ૨૨ કિમીની ઝડપે ફૂંકાયેલી આંધી સાથે વાગરામાં કમોસમી વરસાદ તૂટી પડતા અનેક અટકળો સાથે લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ભરૂચ અને જંબુસર સહિત જિલ્લાનાં કેટલા વિસ્તારોમાં હળવા ઝાપટા સ્વરૂપે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.
ઉપરાંત સોનગઢના બોરડા વિસ્તારમાં, ઝરીઆંબા અને ગુંદીગામમાં પણ સાંજે ઝાંપટા પડ્યા હતા.સિહોર તાલુકાના ટાણા પંથકના ગામોમાં સાંજના સુમારે વરસાદનું સારૂ ઝાપટુ પડતા ઘડીભર તો ખેડુતોમાં દોડધામ મચી જવા પામી હતી.
દક્ષિણ ગુજરાતના વાલોડમાં શનિવારે સાંજે કમોસમી વરસાદી છાંટા પડતા ધરતીપુત્રોના જીવ ઊંચા થઈ ગયાં હતાં.વાગરામાં સાંજના સુમારે અચાનક ભારે વાવાઝોડા સાથે વરસાદ તુટી પડતા માર્ગ પરથી પાણી વહેતા થયા હતા.જ્યારે વાલોડ પોલીસ લાઈન ઝવેરીફળિયા, વાલોડ ચાર રસ્તા વિસ્તારમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. જ્યારે વાલોડના દેવલાડાના મુખ્ય માર્ગ પર કમોસમી વરસાદને કારણે રોડ ભીંજાઇ ગયો હતો. વરસાદને લઇને ધરતીપુત્રોની ઊંઘ ઊડી ગઈ હતી.