દૂધ લેવા ગયેલી યુવતી અને ટ્યૂશને નીકળેલી કિશોરી ઘરે પરત ન ફરી
જલાલપોર પંથકમાં બે જુદા જુદા બનાવમાં બે છોકરીઓ ગુમ થવાની ઘટના બની છે. જલાલપોર પોલીસે આ બંને છોકરીઓની તપાસ હાથ ધરી છે, જેને પગલે જલાલપોરમાં ચકચાર મચી ગઈ હતી.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર જલાલપોરના ગૌરીશંકર મહોલ્લામાં રહેતી ૧૯ વર્ષીય જલ્પા ગોકળભાઈ પટેલ ૩૧મી ઓગસ્ટના રોજ સવારે ૧૧.૩૦ કલાકે પોતાના ઘરેથી નજીકમાં આવેલ ચામુંડા ડેરી ઉપર દૂધ લેવા ગઈ હતી પરંતુ ત્યારપછી તેનો કોઈ પત્તો નથી.
શરીરે પાતળા બાંધાની, ઘઉંવર્ણ, લંબગોળ મોઢુ તથા પાંચ ફૂટ પાંચ ઈંચ ઊંચાઈ ધરાવતી જલ્પા પટેલે શરીરે તપકીર કલરનું પંજાબી ડ્રેસ (પ્રિન્ટવાળો) પહેર્યો હતો. તે ગુજરાતી ભાષા બોલે છે. જલપા ઘરે ન પહોંચતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નથી.
બીજી એક ઘટનામાં જલાલપોરના વસંત ફિળયામાં રહેતી અને ધો. ૮માં અભ્યાસ કરતી રીમા જયંતીભાઈ દેસાઈ રોજબરોજની માફક પોતાના ઘરેથી માતા-પિતાને ટ્યૂશન જાઉં છુ કહીને નીકળી હતી પરંતુ ઘણો સમય થવા છતાં તે પરત નહીં ફરતા તેના પરિવારજનોએ ટ્યૂશન કલાસ ઉપર તેની તપાસ હાથ ધરી હતી પરંતુ ટ્યૂશન કલાસ બંધ હોવાનું માલુમ પડતા તે ગુમ થવા અંગેની તેના પિતા જયંતિ દેસાઈએ જલાલપોર પોલીસને ફરિયાદ કરી છે.
પાંચ ફૂટ પાંચ ઈંચ ઊંચાઈ ધરાવતી રીમાએ ગુલાબી કલરની જર્શી તથા જીન્સ પેન્ટ (ભૂરા કલરનું) પહેર્યું હતું. આ બંને ઘટનાની જલાલપોર પોલીસે નોંધ લઈ તપાસ હાથ ધરી છે.