રોફેલ કોલેજની સામે થયેલા ધીંગાણામાં ઘરોમાં ઘૂસી ટીવી તોડાયા અને લૂંટફાટ ચલાવાઈ
વાપી નામધા માર્ગ ઉપર રોફેલ કોલેજની સામે દિવાળીની રાત્રે ફટાકડા ફુટવાની જગ્યાએ લોકોના માથા ફુટતા તગંદિલી ફેલાઇ જવા પામી હતી. અગાઉની અદાવત રાખી બે જૂથ સામસામે આવી ગયું હતું. કેટલાક ઇસમો ઘરમાં પ્રવેશી ફ્રીઝ, ટીવી તોડી નાંખયા હતા. આ મારામારી ત્રણ ઇસમોને ગંભીર ઇજા પહોંચતા વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપી નામધા માર્ગ ઉપર આવેલી રોફેલ કોલેજની સામે ખડકો ખાતે ગત બુધવારની રાત્રે બે જૂથો જુની અદાવતમાં સામસામે આવી ગયું હતું. બંને જૂથના અંદાજે ૧૫ ઇસમોના ટોળા હાથમાં લાકડા, લોખંડના સિળયા તથા દાતરડા જેવા હથિયારો સાથે ધસી આવી એક બીજા ઉપર તૂટી પડ્યા હતા.
બુધવારની રાતે થયેલી આ મારામારીમાં ખડકલા ખાતે રહેતા ધર્મેન્દ્ર મોર્યા, દેવનારાયણ તથા અજય મોર્યાને ગંભીર ઇજા પહોંચતા વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ખડકલા વિસ્તારમાં જનરલ સ્ટોર્સ ચલાવનારા રાજારામ શંકરની ફરિયાદ મુજબ વાપી ટાઉન પોલીસે ચાર અજાણ્યા ઇસમો સામે ઇપીકો કલમ ૩૨૫, ૩૨૩,૫૦૪ તથા ૧૦૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જ્યારે સામે પક્ષે અમિતસિંગે આપેલી ફરિયાદ મુજબ ખડકલામાં રહેતા વિપુલ ગોવિંદ, રાહુલ રમેશ હળપતિ, કાળીયો, મુકેશ તથા અન્ય બારેક જેટલા ઇસમો ઘાતક હથિયાર સાથે ધસી આવીને ચારથી પાંચ દુકાનમાં તોડફોડ કરી ઘરમાં પ્રવેશી અંદાજે ચાર ટીવી તથા ફીઝ તોડી નાંખયા હતા. આ ઉપરાંત દુકાન અને ઘરમાં લૂંટફાટ ચલાવી હતી. હાલ તો વાપી ટાઉન પોલીસે બંને પક્ષની ફરિયાદ લઇને તપાસ હાથ ધરી હતી.