ચીખલી, વાંસદા અને ગણદેવી તાલુકા માટે નવી પ્રાંત કચેરી બનશે તો સુવિધા વધશે
નવસારી જિલ્લામાં હાલ એક જ પ્રાંત અધિકારીની કચેરી છે ત્યારે આગામી દિવસોમાં વધુ એક પ્રાંત કચેરી કાર્યરત થવાનું લગભગ નક્કી થઈ ગયું છે. આ નવી પ્રાંત કચેરીનું કાર્યક્ષેત્ર મોટાભાગે ચીખલી, ગણદેવી અને વાંસદા એમ ત્રણ તાલુકા હશે.
આજથી ૧૫ વર્ષ અગાઉ વલસાડ જિલ્લામાં નવસારી હતું ત્યારે બે પ્રાંત કચેરી હતી. એક કચેરી વલસાડમાં જ કાર્યરત હતી જ્યારે બીજી પ્રાંત અધિકારીની કચેરી નવસારી શહેરના જુનાથાણા બહુમાળી મકાનમાં કાર્યરત હતી. સને ૧૯૯૭માં નવસારી અલગ જિલ્લો બન્યો હતો ત્યારથી આજસુધી નવનિર્મિત નવસારી જિલ્લામાં એક જ પ્રાંત કચેરી રહી છે. આ કચેરી જિલ્લા સેવા સદનમાં જ કાર્યરત છે.
જિલ્લામાં બીજી પ્રાંત કચેરીની માંગો થતી રહી છે પરંતુ હજુ બીજી પ્રાંત કચેરી નવસારી જિલ્લામાં સરકારે ચાલુ કરી નથી. જોકે હવે જિલ્લામાં વધુ એક પ્રાંત કચેરી શરૂ થશે એ લગભગ નક્કી થઈ ગયું છે. મળતી માહિતી મુજબ તાજેતરમાં રાજ્ય સરકારે બજેટમાં અનેક જિલ્લાઓમાં નવી પ્રાંત કચેરીઓ શરૂ કરવાની જાહેરાત કરીછે. આ જાહેરાત અંતર્ગત નવસારી જિલ્લામાં પણ વધુ એક પ્રાંત કચેરી ફાળવાશે એ લગભગ નક્કી છે.
અહીં ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ જિલ્લા વહીવટીતંત્રએ નવી પ્રાંત કચેરી માટે એક દરખાસ્ત સરકારમાં મોકલી હતી (યા સરકારે મંગાવી હતી). જો આ દરખાસ્ત અંતર્ગત પ્રાંત કચેરીનું સ્થળ નિધૉરિત થશે તો ચીખલી તાલુકામાં નવી કચેરી કાર્યરત થશે. આ નવી પ્રાંત કચેરીનું કાર્યક્ષેત્ર ચીખલી, વાંસદા અને ગણદેવી તાલુકો (ત્રણ મામલતદાર કચેરી) રહેશે, જેમાં ગણદેવીના ૬૬ ગામો અને બે શહેરો, વાંસદા તાલુકાના ૯૪ ગામો અને ચીખલી તાલુકાના ૮૫ જેટલાં ગામો હશે.
જિલ્લાના એક ઉચ્ચ અધિકારી તથા એક ધારાસભ્ય પણ જણાવ્યું કે નવસારી જિલ્લામાં વધુ એક પ્રાંત કચેરી આવશે એ નક્કી છે. જેની આગામી સમયમાં જાહેરાત થશે.
પ્રાંત કચેરી શરૂ થવાની શક્યતા
નવી પ્રાંત કચેરી માટે જિલ્લામાંથી સરકારમાં દરખાસ્ત ગઈ જ છે. સરકારે રાજ્યમાં નવી પ્રાંત કચેરીઓ કાર્યરત કરવાની જાહેરાત કરી છે ત્યારે નવસારીમાં પણ શરૂ થવાની શક્યતા છે’’-ડી.પી. જોશી, કલેક્ટર, નવસારી
બીલીમોરાની પણ માગ છે...
નવસારી જિલ્લામાં બીજી નવી પ્રાંત કચેરી શરૂ કરવા અંગેની માગ ઘણાં સમયથી થતી રહી છે, જેમાં એક મહત્વની અને પ્રબળ માગ બીલીમોરામાં પ્રાંત કચેરી શરૂ કરવા અંગેની હતી. વહીવટીતંત્ર પાસે આ માંગ આવી હતી જેમાં બીલીમોરા વિભાગના અગ્રણીઓ, રાજકીય પ્રતિનિધિઓનો પણ સૂર છે. જોકે સરકાર બીલીમોરામાં કચેરી શરૂ કરે એવી શક્યતા નથી. ચીખલીમાં જ કચેરી શરૂ કરવાની પૂરી શક્યતા છે. આ માટે સરકારી સૂત્રો જણાવે છે કે ચીખલીએ વાંસદા અને ગણદેવી તાલુકાનો સેન્ટર પોઈન્ટ છે જેથી ત્રણેય તાલુકાને સુવિધા રહેશે. બીલીમોરાથી પણ ચીખલી ઘણું નજીક પડતું હોય ત્યાંના લોકોને પણ લાભ થશે.