નવસારીમાં જવેલર્સ દંપતીને બદનામ કરવાની ધમકી આપી રૂપિયા ૪ લાખની ખંડણી માંગવાના કેસમાં સાપ્તાહિકના તંત્રીની મંગળવારે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.
નવસારીમાં જવેલર્સ દંપતીને બદનામ કરવાની ધમકી આપવા ઉપરાંત તેમની પાસેથી R ૪ લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ અંગે નવસારી એલસીબી પોલીસ મથકમાં સાપ્તાહિકના તંત્રી હરીશ પારેખ, પત્રકાર બાવાજી તથા તેમના સાથીદાર જીતેન્દ્ર પારેખ સામે ફરિયાદ નોંધાઈ હતી. જ્વેલર્સે કરેલી ફરિયાદના આધારે એલસીબીની ટીમે બાવાજી તથા જીતેન્દ્ર પારેખની ધરપકડ કરી હતી.
જ્યારે હરીશ પારેખને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન એલસીબી પીઆઈ કે.એન. પટેલની ટીમે આરોપી બાવાજી તથા જીતેન્દ્રના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બાદમાં તેમનો જામીન ઉપર છુટકારો થયો હતો. બાદમાં પોલીસે હરીશ પારેખની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મંગળવારે એલસીબી પોલીસ મથકમાં હરીશ પારેખ હાજર થઈ જતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.