અંકલેશ્વરમાં મંગળવારે રાત્રિના તસ્કરો મહાવીર ટર્નિગ પાસેના એક શોરૂમમાંથી રોકડ સહિત કુલ R ૧.ર૦ લાખનો મુદ્દામાલ ચોરી કરી નાસી છુટ્યા હતાં.
અંકલેશ્વરના મહાવીર ટર્નિગ પાસે આવેલ રાજેન્દ્રર ઓટો મોબાઇલના શોરૂમમાં તસ્કર ટોળકીએ હાથ ફેરો કર્યો હતો. તસ્કરોએ શો-રૂમની એક બારી ઉપર લગાવવામાં આવેલ એસી કાઢી શોરૂમમાં પ્રવેશ કર્યો હતો. શોરૂમના વિવિધ ટેબલના ખાનામાંથી કુલ પ૦ હજાર રોકડા તેમજ એક કોમ્પ્યુટર, સીપીયુ તથા સર્વર મળી કુલ ૧.ર૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી અંધારામાં ઓગળી ગયા હતા.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પો.ઇ. એન.એ.કથીરીયાએ તપાસ હાથ ધરી હતી. પો.ઇ. કથિરીયાએ જણાવ્યું હતું કે શોરૂમના પૂર્વ ભાગમાં આવેલ બારી માત્ર બે થી અઢી ફૂટ ઉંચી હોઇ તસ્કરોએ તેમાં લગાડવામાં આવેલ એસી કાઢી દૂકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોના સગડ મેળવવા ડોગ સ્કવોર્ડ, એફએસએલની ટીમની મદદ લેવામાં આવી હતી.
અગાઉ પણ તસ્કરો ત્રાટક્યા હતા
મહાવીર ચોકડી પાસે મુખ્ય માર્ગને અડીને આવેલ રાજેન્દ્રર શોરૂમમાં તસ્કરોએ હાથફેરો કરતાં ખળભળાટ મચી ગયો છે. ભુતકાળમાં પણ આ શોરૂમમાં બે વાર ચોરીના બનાવો બન્યા હતાં. ઉપરાંત છેલ્લા ૩૦ દિવસથી રાત્રિના સમયે શોરૂમની દેખરેખ માટે વોચમેન રાખવામાં આવ્યો નથી. બીજી તરફ ચોરી પાછળ કોઇ જાણભેદુ હોવાની પણ પોલીસે શંકા વ્યક્ત કરી હતી.