લટકાવેલી ચાવીથી ઓફિસનો કબાટ ખોલી રૂ.૬૮ હજાર ચોરી કરી ફરાર
વાપી જીઆઇડીસી ગુંજન વિસ્તારમાં સૂર્યા ગલીમાં રહેતા દેસાઇ પરિવારને ત્યાં શુક્રવારે સાંજે વયોવૃદ્ધનું અવસાન થતા સમગ્ર પરિવાર મૃતદેહ આગળ આક્રંદ કરી રહ્યું હતું. પરિવાર શોકની ગર્તામાં ડૂબેલો હતો ત્યારે તસ્કરની દાનત બગડી હતી અને ઘરમાં લટકાવેલી ચાવીથી ઓફિસનો કબાટ ખોલી રૂ.૬૮ હજારની ચોરી કરી ગયા હતો.
વાપીના અરૂણ ખંડુ દેસાઇ બિલ્ડીંગના નીચે સ્ટેમ્પ વેન્ડરનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે સાંજે તેમના ૯૨ વર્ષના પિતાનું અવસાન થતા તેઓ દુકાન નોકર હીરેન પટેલને સોંપી ઘરે ચાલી ગયા હતા. પિતાના અવસાનના પગલે સમગ્ર પરિવાર શોકમાં ડૂબેલો હતો ત્યારે જ વૃદ્ધના મોતમાં પરિવારને આશ્વાસન આપવા આપેલા કોઇકે ઘરમાંથી લટકાવેલી ચાવીને ઉઠાવીને કબાટમાં મુકેલા રોકડા રૂપિયા ૬૮,૩૨૫ ની ચોરી કરી ફરાર થયો હતો.
શનિવારે સવારે જ્યારે પિતાની અંતિમક્રિયા બાદ વિધી કરવા માટે રૂપિયા કાઢવા જતા ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ચોરી અંગે અરૂણ ખંડુ દેસાઇએ જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.
પોલીસે તપાસ હાથ ધરતા કેટલાક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી પુછપરછ કરી રહી હોવાનું જાણવા મળે છે.