ભરૂચ શહેરમાં આવેલી આકાશગંગા ફ્લેટ ખાતે રહેતી મહિલા બેન્કમાંથી ૫૦ હજાર રૂપિયા ઉપાડી ઘરે પરત જઇ રહી હતી. તે વેળાં એક મોટર સાયકલ ઉપર આવેલાં બે શખ્સોએ તેમને સરનામુ પુછવાના બહાને રોકી રાખી હતી. જ્યારે બીજી તરફ તેમના સાગરિતે તેમની મોપેડની ડેકી ખોલી અંદરથી રૂપિયા ૫૦ હજાર અને એક મોબાઇલ ભરેલી બેગ ચોરીને ફરાર થઇ ગયો હતો.
બનાવ અંગેની પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભરૂચની આકાશગંગા ફ્લેટ ખાતે રહેતી ડિમ્પલ વિનોદ શાહ બપોરના સમયે આઇસીઆઇસી બેન્કમાં નાણાં ઉપાડવા માટે ગઇ હતી. ડિમ્પલે બેન્કમાંથી રૂપિયા ૫૦ હજાર ઉપાડી તેમણે એક બેગમાં ભરી પોતાની મોપેડની ડેકીમાં મુક્યાં હતાં. જ્યાંથી તે પોતાના ઘરે પરત આવી આકાશગંગા ફ્લેટમાં પોતાની મોપેડ પાર્ક કરી રહી હતી. તે વેળાં એક મોટર સાયકલ ઉપર સવાર બે યુવાનો ત્યાં આવી પહોંચ્યાં હતાં.
મોટર સાયકલ સવાર યુવાનોએ ત્યાં હાજર સિકયુરિટી ગાર્ડને એડ્વોકેટ ભટ્ટનું મકાન પુછ્યું હતું. પરંતુ તેણે માહિતી ન હોવાનું જણાવતાં તેમણે ડિમ્પલને બોલાવી સરનામુ પુછવા લાગ્યા હતાં. જોકે તેમણે પણ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.
આ અરસામાં એક ત્રીજા શખ્સે તેમની મોપેડની ડેકી ખોલી તેમાંથી રૂપિયા ૫૦ હજાર ભરેલી બેગ અને મોબાઇલની ચોરી કરી ત્યાંથી રફુચકકર થઇ ગયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસ સબ ઇન્સપેક્ટર જે. જે. પઠાણે તપાસ હાથ ધરી ગઠીયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતાં.