પૈખેડ ગામે એકત્રીત થયેલા ૪ હજાર આદિવાસીઓએ કેન્દ્રીય જળ સંશાધન તેમજ આદિવાસી વિભાગ મંત્રીને ડેમ પરિયોજનાના વિરોધમાં નકકર મુદ્દાઓ ટાંકી પત્રો લખ્યા
સરકાર દ્રારા પાર, નાર, પૂણૉ, અંબિકા, ઔરંગા અને ખાપરી નદીઓ પર બંધાનારા સાત બંધો અને ૩૯પ કી.મી. લાંબી નહેર બનાવવાની પરિયોજના સામે અસરગ્રસ્ત હેઠળ આવતા આદિવાસી વિસ્તારોના લોકોનો વિરોધ પ્રબળ બનતો જાય છે. થોડા મહિના અગાઉ ચાસમાંડવા ગામે ડેમ સામે આદિવાસીઓએ વિરોધ પ્રદર્શીત કર્યા બાદ તાજેતરમાં પૈખેડ ગામે વિસ્થાપિ થવાની વકીએ એકત્રીત થયેલા હજારો આદિવાસીઓએ કેન્દ્રીય આદિવાસી વિભાગ મંત્રી અને જળ સંશોધન મંત્રીને પત્ર લખી વિરોધ પ્રદર્શીત કર્યો હતો.
ધરમપુરના પાર પૂણૉ આદિવાસી સંગઠનના નેજા હેઠળ પૈખેડ ગામના ચીખલપાડા ગામે નાર નદીના તટે સ્થાનિક તેમજ ગુંદીયા, ખડકી, તતુતરખેડ, સાતવાંકલ સહીત અનેક ગામના બંધોની અસર હેઠળ આવનારા ગામોના ચાર હજાર જેટલા આદિવાસી ભાઇ બહેનોની જાહેર સભા મળી હતી. જેમને સંબોધતા સંગઠનના પ્રમુખ ધાકલભાઇ પઢેરે જણાવ્યુ હતું કે મેઘા પાટકરે નર્મદા બચાવ આંદોલન કરેલું તેથી ઉલ્ટુ સરકારની આ નર્મદા બચાવ સ્કીમ છે. સરકારે ફૂંકેલા બણગા જેટલું પાણી નર્મદામાં નથી જેથી વધારાનું પાણી મેળવવા દક્ષિણ ગુજરાત પર નજર દોડાવી બારમાસી નદીઓનું પાણી ઉકાઇ ડેમમાં ઠાલવવા માગે છે.
આ પાણીને ત્યાંથી વડોદરા, ભરૂચ જિલ્લા તરફ લઇ જઇ સરદાર સરોવરની નહેરમાં છોડવામાં આવશે. નર્મદાના લાભક્ષેત્રમાંથી લાખો એકર જમીન સરકાર ઉદ્યોગોને આપી રહી છે એટલું જ નહી, આ વિસ્તારના ખેડૂતોને નર્મદાનું પાણી નહીં મળે તેવું જાહેર કરાયું છે. ભલા ભોળા, અભણ, ગરબિ અને અજ્ઞાન આદિવાસીઓનો તેમના વિસ્તારના જળ, જંગલ, જમીન, વગેરે પર અધિકાર છે. પછી આદિવાસી વિસ્તારના હકનું પાણી લૂટી ઉદ્યોગો માટે લઇ જવાની યોજનાઓ સરકાર કેમ કરે છે એવો તેમણે રોષભેર સવાલ ઉઠાવ્યો હતો.
આ સભાને અન્ય આમંત્રીતોએ સંબોધી ડેમ સામે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. અંતે વસ્થિાપિત થવાની વકી દર્શાવી ડેમના સ્થળે એકત્રીત થયેલા આદિવાસીઓએ કેન્દ્રીય આદિવાસી વિભાગ મંત્રી કિશોરચંદ્ર દેવ અને જળ સંશાધન મંત્રી પવનકુમાર બંસલને સંબોધીને ત્રણ પાનાના લખાયેલા પત્ર ઉપર સહી કરી જાન ભલે જતી પરંતું જમીન નહીં આપીએનો મકકમ નિર્ધારવ્યક્ત કર્યો હતો.