બે પત્ની ધરાવતા યુવાનની બીજી પત્ની બાદ પ્રથમ પત્ની ઘર છોડી જતા ભરેલું પગલું
અંકલેશ્વર -કાપોદ્રા પાટિયા પાસે રહેતાં અને બે પત્ની ધરાવતા ૩૪ વર્ષીય ઈસમે ૧૦ દિવસ પૂર્વે બીજી પત્ની બાળક સાથે ગુમ થયા બાદ પ્રથમ પત્ની સાથે ચાલી રહેલા ઝઘડાના કારણે શનિવારના બપોરે ઘરે આપઘાત કરી લીધો હતો.
કાપોદ્રા પાટિયા સ્થિત ક્રિષ્નાપાર્ક સોસાયટીના મકાન નંબર પ૯માં રહેતા રાકેશભાઈ કાંતિભાઈ મૈસુરિયાની બીજી પત્ની પીન્કી ઉર્ફે સુનિતા રાકેશ મેસુરિયા અને પુત્ર કબીર મેસુરિયા સાથે ગઇ ૧૭મી ઓક્ટોબરના રોજ અચાનક ગુમ થઈ હતી. જે અંગે રાકેશ મેસુરિયા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન એની પ્રથમ પત્ની કેતકીબહેન સાથે પારિવારીક ઝઘડો શનિવારના રોજ થતા તેઓ પણ પોતાના એક દિકરા અને દીકરીને લઈ રાજપીપળા ચોકડી નજીક તેની બહેનપણીના ઘરે સવારે ચાલ્યા ગયા હતાં. જેને લઈ ઘુઘવાયેલા રાકેશભાઈ મૈસુરિયા પોતાની ભરૂચ ખાતે રહેતી માતાને મળી પરત બપોરે ઘરે રિકશામાં આવ્યા હતાં રિકશા ડ્રાઈવર મિત્રને સિગારેટ અને કેળા લેવા માટે મોકલી આપી પ્લાસ્ટિકની દોરી વડે ઘરની છત પર ફાંસો બનાવી આપઘાત કરી લીધો હતો.