ગુજરાતના પડોશના પ્રદેશમાં ખંડણીની ફરિયાદો અવારનવાર ઉઠતી રહી છે, પરંતુ ગુજરાત ગુજરાતના વાપીમાં અનેક મોટા ઉદ્યોગપતિઓ હોવા છતાં ખંડણીનો શબ્દ સુધ્ધા કોઇ ઉચ્ચારી શકતુ નથી. ઉદ્યોગો માટે ગુજરાત સરકારની પ્રથમ જવાબદારી સુરક્ષાની છે અને બીજી જવાબદારી ઇન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટની છે. જેને લઇ વાપીનો વિકાસ થઇ રહ્યો છે. એવુ કૃષિ સહકાર અને કાયદા મંત્રી દિલીપ સંઘાણીએ વાપી ખાતે વીઆઇએની નવી ટીમના પદગ્રહણ સમારોહમાં પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ.
તેમણે વધુમાં જણાવ્યુ કે, શહેરીકરણ અટકાવવા ગુજરાત સરકાર ગામડાઓને જ શહેરની સક્ષમ બનાવવા વાયબ્રન્ટ તાલુકા થકી પ્રયાસો કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ-ક્ષેત્ર હોય કે પશુપાલન ગુજરાત સરકાર કૃષિ માટે અનેકવિધ સબસીડી કે મદદ અને પશુપાલનમાં પણ મોટી સબસીડીથી લઇ ફ્રિ કોલ્ડ સ્ટોરેજની સુવિધા પૂરી પાડી રહી છે. જેને લઇ ગુજરાતનો કૃષિનો ગ્રોથ ૧૦ ટકા જેટલો નોંધાયો છે. જ્યારે સમગ્ર દેશનો ગ્રોથ માત્ર ૩ ટકા જેટલો જ જોવા મળ્યો છે.
વીઆઇએ ઓડિટોરીયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ અને ગાંધીવાદી ગફુરભાઇ બિલખીયાએ વાપીમાં અન્ય પ્રદેશથી આવતા કામદારો માટે રહેણાંક અને હોસ્પિટલ જેવી પાયાની સુવિધા થાય તે માટે કેન્દ્ર સરકારને રજુઆત કરવાની અપીલ કરી હતી. તેમજ દૂધ શાકભાજી અને અનાજના ભાવોમાં પ્રવર્તતી મોંઘવારીના નિવારણ માટે સ્થાનિક કક્ષાએ કોઇ વ્યવસ્થા ઉભી કરવા રાજ્ય સરકારના મંત્રીને વિનંતી કરી હતી.
વીઆઇએ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યા બાદ અશોક શુક્લાએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે,વાપીમાં કન્વેકશન સેન્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર, નોટીફાઇડ એરિયામાં સ્મશાન ભૂમિ અને કોમન સિકયુરિટી સેન્ટર બનાવવાના કાર્યને બે વર્ષના કાર્યકાળમાં સમાવેશ કરી લેવાશે. તેમણે કહ્યુ કે, આ યોજના માટે ૮૦ થી ૧૦૦ કરોડના બજેટની જરૂર પડશે.
આ બજેટ માટે સરકારને તેમજ ઉદ્યોગોનો સહકાર જરૂરી હોવાનું પણ તેમણે ભાર પૂર્વક જણાવ્યુ હતુ. શરૂઆત સારા કાર્યથી થાય તે હેતુથી નિ:સહાય બાળાઓ માટે ચાલતી અમરેલી પરિવારના નામે ચાલતા મંત્રી દિલીપ સંઘાણીની સંસ્થામાં R ૨,૧૨,૦૦૦નો ચેક અર્પણ કર્યો હતો. આ રકમ તેમની નવી ટીમના તમામ સભ્યો તરફથી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રથમ વિતેલા વર્ષના વીઆઇએ પ્રમુખ મહેશ પંડયાએ દિલીપ સંઘાણીનો પરિચય આપી સ્વાગત કર્યું હતુ. તેમજ તેમણે નવી બોડીને શપથ લેવડાવ્યા હતા.
વાપીના ઉદ્યોગપતિ શરદભાઇ ઠાકરની ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝમાં વાઇસ પ્રેસીડેન્ટ તરીકે થયેલી નિમણુંકની જાહેરાત થઇ હતી. વીઆઇએની નવી ટીમના પદગ્રહણ સમારંભ બાદ કૃષિ તેમજ સહકાર મંત્રી દિલીપ સંઘાણીએ નોટિફાઇડ ઓથોરિટી દ્વારા ઔદ્યોગિક તેમજ રહેણાંક વિસ્તાર માટેની મિનબિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મિનિ બસ શુક્રવારથી સવારે ૭ થી સાંજે ૮ વાગ્યા સુધી ફરશે. આ મિનિ બસ સેવાના કાર્ય માટે વીઆઇએના સભ્ય રોહિતભાઇ સોમપુરા અને પ્રકાશ જાનીએ ભારે જહેમત ઉઠાવી હતી.